મહાત્મા મંદિર ખાતે જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન પર બે દિવસીય નેશનલ કોન્ફરન્સનું આયોજન

શહેરી જમીન રેકોર્ડ્સની રચના અને અપડેશન પર રસપ્રદ પેનલ ડિસ્કશન યોજાયું
ગાંધીનગર ખાતે જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન પર આયોજિત બે દિવસીય નેશનલ કોન્ફરન્સમાં આજે વિવિધ રસપ્રદ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભારત સરકારના લેન્ડ એન્ડ રેકોર્ડ્સના સંયુક્ત સચિવ શ્રી કુણાલ સત્યાર્થીની અધ્યક્ષતામાં ‘શહેરી જમીન રેકોર્ડ્સની રચના અને અપડેશન’ વિષય પર એક મહત્વપૂર્ણ પેનલ ડિસ્કશન યોજાયું.
આ પેનલ ડિસ્કશનમાં વાત કરતા શ્રી કુણાલ સત્યાર્થીએ જણાવ્યું હતું કે, મહાત્મા મંદિર ખાતે આજથી ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ શરૂ થયો છે. તેમણે શહેરી જમીન રેકોર્ડ્સની રચના અને અપડૅશનનો વિવિધ હેતુસર કઈ રીતે ઉપયોગ કરી શકાય તે અંગે વિગતવાર રસપ્રદ માહિતી આપી હતી.
પેનલ ડિસ્કશન દરમિયાન હરિયાણા રાજ્યના જમીન રેકોર્ડ્સના નિયામક શ્રી ડૉ. યશપાલે જમીન માપણીની પ્રક્રિયા વિશે સવિસ્તર માહિતી આપી હતી. તેમણે કોઈ પણ જમીનની માપણી કરતી વખતે તૈયાર રાખવાની થતી સ્થાન, હદ અને નકશો સહિતની વિગતો, કોણ અને દિશા માપવા માટેના પરંપરાગત સાધનો કમ્પાસ અને થિયોડોલાઇટનો ઉપયોગ, ડ્રોન અને સેટેલાઇટ ઈમેજરીનો નકશો બનાવવા ઉપયોગ સહિતની બાબતો વિશે સરળ સમજૂતી આપી હતી.
તમિલનાડુ સરકારના સર્વે અને સેટલમેન્ટ ડિરેક્ટર શ્રી દીપક જેકબે તમિલનાડુમાં શહેરી જમીન રેકોર્ડ્સના આધુનિકીકરણ અને ડિજિટાઈઝેશનના પ્રયાસો વિશે માહિતી આપી હતી. તેમણે રેકોર્ડ્સનું ડિજિટાઈઝેશન, ઑનલાઇન ઉપલબ્ધ સેવાઓ, પડકારો, રિપોર્ટ્સ અને વહીવટી નિર્ણય અંગે વિગતવાર જાણકારી રજૂ કરી હતી. આ ઉપરાંત, સહાયક મુખ્ય નગર આયોજક શ્રી હરપાલ દવેએ શહેરી જમીન રેકોર્ડ્સ અને ટાઉન પ્લાનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરતા જીઓ-પોર્ટલ, સર્વેક્ષણ અને સ્પેશિયલ ડેટા મેનેજમેન્ટ માટેની સંચાલન પ્રક્રિયાઓ, ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ અને F-Form જેવા મહત્વના પાસાઓ પર વિસ્તૃત માહિતી આપી હતી.
સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી (CEPT) યુનિવર્સિટીના સેન્ટર ફોર એપ્લાઇડ જિયોમેટિક્સના હેડ કુ.શિવાંગી સોમવંશીએ શહેરી જમીન રેકોર્ડ્સની વ્યવસ્થા બહેતર કરવા માટે જિયોગ્રાફિકલ ટેક્નોલોજીઓ અને વૈશ્વિક નવીનીકરણોના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. શહેરી જમીન રેકર્ડ વ્યવસ્થાપનમાં વર્તમાન પડકારોની ચર્ચા કરી ભૂમિ આધુનિકીકરણ પહેલો, DILRMP અને NAKSHA કાર્યક્રમો વિશે માહિતી આપી હતી. વધુમાં, તેમણે ભવિષ્યની ટેક્નોલોજીઓ જેવી કે AI અને ઓટોમેશન, તેમજ 3D કૅડેસ્ટ્રેસ અને ડિજિટલ ટ્વીન્સના ઉપયોગથી જમીન રેકોર્ડ્સના વ્યવસ્થાપનમાં આવનારા પરિવર્તનો વિશે વિસ્તૃતમાં જાણકારી આપી હતી.
આ સમગ્ર પેનલ ડિસ્કશનનું સંચાલન નવસારી કલેક્ટર સુ.શ્રી ક્ષિપ્રા આગ્રે કર્યું હતું. આ ચર્ચામાં મહેસૂલ વિભાગના મોટી સંખ્યામાં અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.