રાજ્યભરની આરોગ્ય સંસ્થાઓ ખાતે ૧.૩૬ લાખથી વધુ સ્ક્રીનીંગ કેમ્પ તથા ૧૩ હજારથી વધુ સ્પેશ્યાલીસ્ટ કેમ્પ યોજાયા

પ્રતિકાત્મક
ગુજરાતમાં ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન”ને મળી જ્વલંત સફળતા
આ અભિયાન હેઠળ યોજાયેલા કેમ્પનો રાજ્યના આશરે ૬૩.૯૪ લાખથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો
૯૦૦થી વધુ રક્તદાન શિબિરોમાં માત્ર ૧૫ દિવસમાં જ ૮૩,૮૭૩ યુનિટ રક્તદાન થયું
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ગત તા. ૧૭ સપ્ટેમ્બરથી શરુ થયેલા ‘સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન”ની સફળતા અંગે માહિતી આપતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનને રાજ્યના આરોગ્ય વર્કર્સની અથાગ મહેનત અને સમર્પણના પરિણામે જ્વલંત સફળતા પ્રાપ્ત થઇ છે. નાગરિકોની સક્રિય ભાગીદારીથી એક પખવાડિયા સુધી યોજાયેલું આ અભિયાન માત્ર એક સરકારી કાર્યક્રમ ન રહેતા જન ભાગીદારી અભિયાન બન્યું છે.
આરોગ્ય મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ અભિયાન હેઠળ રાજ્યભરની અલગ-અલગ આરોગ્ય સંસ્થાઓ ખાતે કુલ ૧,૩૬,૯૦૦થી વધુ સ્ક્રીનીંગ કેમ્પ તથા ૧૩,૩૦0થી વધુ સ્પેશ્યાલીસ્ટ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ રાજ્યના આશરે ૬૩.૯૪ લાખથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.
જેમાં ગંભીર હૃદય રોગ ધરાવતા ૨,૯૧૯ દર્દીઓ, કિડનીની બીમારી ધરાવતા ૨,૦૬૯ દર્દીઓ, લીવરની બીમારી ધરાવતા ૧,૪૪૨ દર્દીઓ, કેન્સરની બીમારી ધરાવતા ૭૩૫ દર્દીઓ, મોતિયાની બીમારી ધરાવતા ૩,૨૨૬ દર્દીઓ તેમજ માનસિક રીતે અસ્વસ્થ હોય તેવા ૫,૧૫૨ દર્દીઓની શોધ કરીને તેમણે યોગ્ય સારવાર અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ ઉપરાંત અભિયાન દરમિયાન કુલ ૯૯,૧૬૬ એક્ષ-રે રીપોર્ટ, ૨૪.૮૭ લાખથી વધુ લેબોરેટરી તપાસ, ૩,૧૬૨ સી.ટી. સ્કેન અને ૧,૩૯૯ એમ.આર.આઇ ટેસ્ટ વિનામૂલ્યે કરાવવામાં આવ્યા હતા. સાથે જ, ૧.૫૨ લાખથી વધુ PMJAY/વયવંદના કાર્ડ પણ ઇસ્યુ કરવામાં આવ્યા હતા.
આ અભિયાન શરુ થયું એ દિવસે જ મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે હ્રદય રોગ નિષ્ણાંત, કેન્સર નિષ્ણાંત અને કીડની નિષ્ણાંતો દ્વારા કુલ ૪,૮૧૨ લાભાર્થીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. જેમાં હ્રદય રોગના નિષ્ણાત દ્વારા ૩૨૭, કેન્સર નિષ્ણાત દ્વારા ૧૮૭ તથા કિડનીના નિષ્ણાત દ્વારા ૬૮ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રી શ્રી પટેલે કહ્યું હતું કે, એક પખવાડીક અભિયાન દરમિયાન રાજ્યની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજ હોસ્પિટલો ખાતે રોજ સ્પેશ્યલ વુમેન સ્ક્રીનિંગ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યુ હતું. એટલું જ નહિ, તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતેના મેડિકલ કેમ્પોમાં મેડિકલ ચેક-અપ, સ્ક્રીનિંગ, નિદાન, લેબોરેટરી ટેસ્ટ, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ તેમજ રેડિયોલોજીકલ ટેસ્ટ નિ:શુલ્ક કરવામાં આવ્યા હતા.
આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં ૯૦૦ સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સ્વૈચ્છિક રક્તદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઇ રાજ્યના નાગરીકો દ્વારા કુલ ૮૩,૮૭૩ યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું, જે થેલેસેમિયાના દર્દીઓ, ઇમરજન્સી કેસો અને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાન સમાન સાબિત થશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, આ અભિયાન હેઠળ સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ-હોસ્પિટલ સુધી સ્ત્રીઓ અને બાળકો માટે જુદા-જુદા ૧૪ જેટલા વિષયો પર આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી છે. જેમાં પૂર્વ પ્રસૂતિ અને પ્રસૂતા માતા સંબધિત સેવાઓ, રસીકરણ અને બાળ સ્વાસ્થ્ય, કિશોરી સ્વાસ્થ્ય અંતર્ગત એનીમિયા અને માસિક સ્વચ્છતા, બિન ચેપી રોગો અંતર્ગત બીપી, ડાયાબિટીસ, ઓરલ, સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનિંગ અને સારવાર,
સિકલ સેલ રોગ માટેનું સ્ક્રીનિંગ અને સારવાર, ટીબી, માનસિક સ્વાસ્થ્ય, આંખ, ENT અને ડેન્ટલ સંબધિત સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. સાથે જ, મેદસ્વિતા અને અંગદાન અંગે જાગૃતિ, આયુષ સેવાઓને સાંકળીને જેરિયાટ્રિક કેર, આયુષ્યમાન ભારત અને વય વંદના કાર્ડ સંબધિત સેવાઓ અને રક્તદાન શિબિરો જેવી સેવાઓ આપવામાં આવી હતી.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય સૂચકાંકોમાં નોંધપાત્ર સુધારો થશે, જે આવનારા સમયમાં એક સશક્ત સમાજનું નિર્માણ કરશે. સાથે જ, આરોગ્ય મંત્રીશ્રીએ આ અભિયાનની સફળતાનો સંપૂર્ણ શ્રેય ગ્રાસરૂટ સ્તરે કાર્યરત આરોગ્ય વર્કર્સ, આરોગ્ય તજજ્ઞો, મેડીકલ ઓફિસર, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, સ્ટાફ નર્સ, FHW, MPHW અને આશા વર્કર્સને આપ્યો હતો.