RBI એ કંપનીઓ માટે વિદેશી ચલણમાં લોનના ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા

આરબીઆઈએ ૨૪ ઓક્ટોબર સુધીમાં મંતવ્યો મંગાવ્યા
કંપનીઓ એક અબજ ડોલર અથવા તેમની નેટવર્થના ૩૦૦ ટકા સુધી બંનેમાંથી જે વધુ હશે તે મુજબ વિદેશી ઋણ ઊભું કરી શકશે
નવી દિલ્હી,રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ શુક્રવારે ભારતીય કંપનીઓને વિદેશી ચલણમાં ફંડ એકત્રીકરણ સરળ બનાવવા હેતુ ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા હતા. મધ્યસ્થ બેન્કે એક્સટર્નલ કમર્શિયલ બોરોઇંગ (ઈસીબી)ના નિયમોને ઉદાર બનાવવા પ્રસ્તાવ રજૂ કર્યાે છે જેમાં ઉધાર લેનારાઓ તથા ધિરાણકર્તાઓનો વ્યાપ વધારવાનો સમાવેશ થાય છે.
આરબીઆઈએ નિવેદનમાં જણાવ્યું હતું કે, ૧ ઓક્ટોબરના વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઓ પર જાહેર કરાયેલા નિવેદન મુજબ, ફેમા, ૧૯૯૯ હેઠળ જારી કરેલા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (બોરોઇંગ અને લેન્ડિંગ) નિયમન, ૨૦૧૮માં સમાવિષ્ટ એક્સટર્નલ કમર્શિયલ બોરોઇંગના નિયમોને તર્કસંગત બનાવવાનો નિર્ણય લેવાયો છે. મધ્યસ્થ બેન્કના મતે ઋણની મર્યાદાને ઉધાર લેનારની આર્થિક શક્તિ સાથે સાંકળવાનો પ્રસ્તાવ છે અને બજાર-નિર્ધારિત વ્યાજ દરોને આધારે બાહ્ય વિદેશી ઋણ એકત્રીત કરી શકાશે.
ડ્રાફ્ટ નિયમો મુજબ કંપનીઓને તેમની આર્થિક તાકાતને આધારે વિદેશમાંથી ફંડ એકત્ર કરવાની મંજૂરી અપાશે.ધિરાણ પ્રવાહની તકો વધારવા ઈસીબી વ્યવાહરો માટે પાત્રતા ધરાવતા બોરોઅર અને લેન્ડરનો બેઝ વિસ્તારવાની દરખાસ્ત પણ કરાઈ છે. કંપનીઓ એક અબજ ડોલર અથવા તેમની નેટવર્થના ૩૦૦ ટકા સુધી બંનેમાંથી જે વધુ હશે તે મુજબ વિદેશી ઋણ ઊભું કરી શકશે. નાણાંનો અંતિમ વપરાશ અને મિનિમમ એવરેજ મેચ્યોરિટી જરૂરિયાતોને પણ સરળ બનાવ્યા છે.
આ ઋણ બજાર નિર્ધારિત વ્યાજ દર પર મેળવી શકાશે જેથી કંપનીઓને વૈશ્વિક ભંડોળ મેળવવામાં સુગમતા રહે. વિદેશી ધિરાણને વધુ આકર્ષક અને આંતરરાષ્ટ્રીય પ્રણાલીને અનુરૂપ બનાવવાના હેતુથી આ ફેરફારો કરવામાં આવ્યા છે. મજબૂત આર્થિક સ્થિતિ ધરાવતી કંપનીઓને વિદેશમાંથી મૂડી પ્રાપ્ત થઈ રહે તે સુનિશ્ચિત કરાયું છે. આ મુસદ્દા પર આરબીઆઈએ હિતધારકો તથા લોકો પાસેથી ૨૪ ઓક્ટોબર સુધીમાં મંતવ્યો મંગાવ્યા છે. તમામ સુચનો મળ્યા બાદ તેની સમીક્ષા કરીને અંતિમ નિયમો જાહેર કરાશે.