મહારાષ્ટ્રમાં દુકાનો, હોટેલ્સ, થીયેટર્સ ૨૪ કલાક ખુલ્લાં રાખવા મંજૂરી

૧ ઓક્ટોબરથી અમલ શરૂ
સ્થાનિક વહીવટ તંત્ર અને પોલીસ વિભાગે આ જોગવાઈઓનો કડકાઈથી અમલ કરાવવાનો રહેશે
મુંબઈ,મહારાષ્ટ્ર સરકારે એક મહત્વના નિર્ણયમાં રાજ્યની તમામ દુકાનો તથા રેસિડેન્શિયલ હોટેલ્સ, રેસ્ટોરાં, ઈટરીઝ, થીયેટર્સ, જાહેર મનોરંજનના સ્થળો સહિતના તમામ વેપારી પ્રતિષ્ઠાનો સપ્તાહના સાતેય દિવસ ૨૪ કલાક ચાલુ રાખવાની મંજૂરી આપી છે. જોકે તેમાંથી શરાબના વેચાણ અને સપ્લાયને બાકાત રાખવામાં આવ્યું છે. સરકાર દ્વારા જારી કરાયેલાં એક ઠરાવમાં કરાયેલી સ્પષ્ટતા અનુસાર, વાઈન શોપ્સ, બીયર બાર્સ, ડાન્સ બાર્સ, હુક્કા પાર્લર્સ, ડિસ્કોથેક્સ તથા પરમિટ રૂમ્સ ૨૪ કલાક ખુલ્લાં નહીં રાખી શકાય.
૧ ઓક્ટોબરથી અમલમાં આવેલા ઠરાવમાં જણાવ્યાં અનુસાર, તમામ દુકાનો અને વેપારી પ્રતિષ્ઠાનો સપ્તાહના સાતેય દિવસ ૨૪ કલાક કામગીરી ચાલુ રાખી શકશે, જોકે આ માટે તેમણે દરેક કર્મચારીને સપ્તાહમાં એક વખત ઓછામાં ઓછાં ૨૪ કલાક આરામ આપવો પડશે. અગાઉ ૧૯ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ જારી કરાયેલાં એક નોટિફિકેશમાં સરકારે, જ્યાં શરાબનું વેચાણ થાય છે તેવા તમામ પરમિટ રૂમ્સ, બીયર બાર્સ, ડાન્સ બાર્સ, હુક્કા પાર્લર્સ, ડિસ્કોથેક્સ ઉપરાંત વાઈન શોપ્સ, થીયેટર્સ તથા સિનેમા હોલ્સના ખુલવાના અને બંધ થવાના કલાકો નિર્ધારીત કર્યાં હતાં.
ત્યારબાદ, ૩૧ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ જારી કરાયેલાં અન્ય એક જાહેરનામામાં સરકારે થીયેટર્સ તથા સિનેમા હોલ્સને અગાઉના નોટિફિકેશનમાંથી બાકાત કરી દીધાં હતાં. સ્થાનિક વહીવટ તંત્ર અને પોલીસ વિભાગે આ જોગવાઈઓનો કડકાઈથી અમલ કરાવવાનો રહેશે તેમ ઠરાવમાં જણાવાયું છે. દરમિયાનમાં શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ મહાયુતિ સરકારની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, આ અંગેની નીતિ છેક જાન્યુઆરી, ૨૦૨૦ની સાલથી અમલમાં છે, અને આ માટે કોઈ સામાન્ય ઠરાવ જારી કરવાની જરૂર નહોતી. સરકારે કેમ તેની નીતિ બદલી તે એક સવાલ છે. અમારા કાર્યકાળ દરમિયાન અમે જ્યારે આ નીતિ લાવ્યાં ત્યારે ભાજપે લોકોની સુરક્ષાના નામે અમારો વિરોધ કર્યાે હતો. હવે તેઓ એ જ નીતિ લાગુ કરી રહ્યાં છે. જોકે મુંબઈના હોટેલ ઉદ્યોગ એસોસિયેશને સરકારના આ નિર્ણયને આવકાર્યાે છે.ss1