જૂનાગઢના પાદરિયા પાસે ખોડિયાર માતાના યજ્ઞમાં ત્રણ સિંહોની હાજરી

યજ્ઞ પૂર્ણ થતાં શાંતિથી પરત ફર્યા
જૂનાગઢના પાદરીયા ગામ પાસે આવેલા મંદિરના યજ્ઞનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે
જૂનાગઢ,વિજયાદશમીના પાવન અવસરે જૂનાગઢ નજીક પાદરિયા ગામ પાસે ખોડિયાર માતાના મંદિરમાં યોજાયેલા એક યજ્ઞમાં અસામાન્ય દૃશ્ય જોવા મળ્યું હતુ. ગિરનાર જંગલ નજીક આવેલા આ મંદિરમાં જ્યારે સંતો અને બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરી રહ્યા હતા, ત્યારે અચાનક ત્રણ સિંહો યજ્ઞસ્થળ પર આવી પહોંચ્યા હતા. આ વનરાજાઓએ કોઈ આક્રમકતા દર્શાવ્યા વિના યજ્ઞકુંડથી થોડા અંતરે શાંતિથી બેસી ગયા હતા.
સંતો અને બ્રાહ્મણોએ પણ ડર્યા વિના મંત્રોચ્ચાર ચાલુ રાખ્યા અને યજ્ઞ વિધિ નિર્ભયતાથી પૂર્ણ કરી હતી. આશ્ચર્યની વાત એ હતી કે, સિંહોએ પણ સમગ્ર વિધિ દરમિયાન કોઈ ખલેલ પહોંચાડી નહોતી અને યજ્ઞની પૂર્ણાહુતિ થતાં જ તેઓ શાંતિપૂર્વક જંગલ તરફ પરત ફર્યા હતા. જૂનાગઢના પાદરીયા ગામ પાસે આવેલા આ મંદિરના યજ્ઞનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ દૃશ્યને કારણે લોકોમાં ધાર્મિક આસ્થા અને આશ્ચર્યની લાગણી ફેલાઈ છે.
ભક્તોએ જણાવ્યું કે, સિંહોની હાજરી છતાં કોઈ ભયનો અનુભવ નહોતો થયો અને જાણે કે તેઓ પણ માતાજીની આરાધનામાં ભાગ લેવા આવ્યા હોય તેવું લાગી રહ્યું હતું. ગિરનાર વન વિભાગના ડેપ્યુટી કન્ઝર્વેટર ફોરેસ્ટ ડૉ. અક્ષય જોશીએ આ અંગે જણાવ્યું હતું કે, આ વિસ્તાર ગાઢ જંગલની નજીક હોવાથી સિંહોની અવર-જવર સામાન્ય છે. જોકે, વન્યજીવ અને માનવ સભ્યતા વચ્ચે આટલી શાંતિપૂર્ણ સુમેળ જોવા મળે તે અસામાન્ય છે. તેમણે આ ઘટનાને ગુજરાતમાં વન્યજીવ સંરક્ષણની સફળતાનું પ્રતીક ગણાવ્યું હતું.ss1