સાબરમતી જેલમાં માથાભારે કેદીનો સાથી કેદી પર ખીલા વડે હુમલો

ઇજાગ્રસ્ત કેદીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
રાણીપ પોલીસે કાંધલની ફરિયાદ લઇ જેલમાં અનિલ આતંક પાસે ખીલો કેવી રીતે આવ્યો તેની તપાસ શરૂ કરી
અમદાવાદ,અમદાવાદની સાબરમતી જેલમાં કેદીઓ માટે આવતા ટિફિન પણ ચેક કરવામાં આવે છે. જેલમાં ટાંકણી પણ જઈ શકતી નથી ત્યારે માથાભારે કેદી અનિલ આતંકે લોખંડના ખીલા વડે અન્ય કેદીને જીવલેણ હુમલો કરી ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત કેદીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
રાણીપ પોલીસે બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે સાત વર્ષથી રહેતા કાંધલ હાજાભાઈ કડછાને બે દિવસ પહેલા તેની જ બેરેકમાં રહેતા અનિલ આતંક નામના કેદી સાથે બોલાચાલી થઈ હતી. બેરેકમાં અનિલ આતંકના સાથીદારો સુનિલ ટીનટીન અને અંકિત તથા અન્ય પણ છે.આ બબાલ બાદ ગુરુવારે સવારે જ્યારે કાંધલ બેરેકમાં હાજર હતો ત્યારે અનિલ આતંક તેની પાસે આવ્યો હતો અને ઝઘડાના મુદ્દે માફી માગી તેને બેરેક બહાર શંકર ભગવાનના મંદિર પાસે લઈ ગયો હતો.
ત્યાં ગયા બાદ માફીની વાત મૂકીને તેણે કાંધલને ગાળો બોલી માર માર્યાે હતો. અનિલ આતંકના સાથીદારોએ કાંધલને પકડી રાખ્યો અને અનિલે પોતાની પાસેના ખીલા વડે કાંધલના છાતીના ભાગે અને ગાલના ભાગે ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જોકે કાંધલે બૂમો મારતાં તેઓ ભાગી ગયા હતા અને સિપાહીએ તેને સારવાર માટે જેલની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રાણીપ પોલીસે કાંધલની ફરિયાદ લઇ જેલમાં અનિલ આતંક પાસે ખીલો કેવી રીતે આવ્યો તેની તપાસ શરૂ કરી છે.ss1