સાના મિરને કોમેન્ટરીમાંથી હટાવવાની માગણી કરાઈ હતી

સાના મિરે બેટર નાતાલિયા પરવેઝની આ વિવાદાસ્પદ પ્રાંતથી ઇન્ટરનેશનલ ક્રિકેટ સુધીની સફરમાં તેણે જે પડકારોનો સામનો કરવો પડ્યો હતો
આઝાદ કાશ્મીરનો ઉલ્લેખ કર્યા બાદ પાક. ક્રિકેટર સાના મિરની દિલગીરી
નવી દિલ્હી,હાલમાં યોજાયેલા આઇસીસી વિમેન્સ વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ સુકાની સાના મિરે આઝાદ કાશ્મીર શબ્દનો પ્રયોગ કરીને વિવાદ સર્જ્યાે હતો પરંતુ તેના બીજા જ દિવસે આ અંગે સાના મિરે દિલગીરી વ્યક્ત કરી હતી અને આ મામલાને રાજકીય રંગ નહીં આપવા કહ્યું હતું.સાના મિરે બેટર નાતાલિયા પરવેઝની આ વિવાદાસ્પદ પ્રાંતથી ઇન્ટરનેશનલ ક્રિકેટ સુધીની સફરમાં તેણે જે પડકારોનો સામનો કરવો પડ્યો હતો તે અંગે ચર્ચા કરી હતી અને આ દરમિયાન તેણે આઝાદ કાશ્મીર શબ્દનો ઉલ્લેખ કર્યાે હતો.
જેનાથી ભારે વિવાદ સર્જાયો હતો.ગુરુવારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે કોલંબોમાં રમાયેલી મેચ દરમિયાન કોમેન્ટરી આપતા સાના મિરે ખેલાડી નાતાલિયા પરવેઝની પૃષ્ટભૂમિ અંગે વાત કરતી વખતે આઝાદ કાશ્મીરનો ઉલ્લેખ કર્યાે હતો. જોકે આ કોમેન્ટનો ભારતીય રમતપ્રેમીઓએ વિરોધ કર્યાે હતો. કેટલાક લોકોએ એમ પણ કહ્યું હતું કે આ માટેનો સાચો અને યોગ્ય શબ્દ પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર છે અને ટીવી પર જીવંત પ્રસારણમાં આ પ્રકારની ટકોર કરવા બદલ સાના મિરની ઝાટકણી કાઢી હતી અને રાજકીય ટકોર કરવાનો આક્ષેપ કર્યાે હતો.
સાના મિરે આ અંગે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાની ખેલાડીના વતન અંગેની મારી કોમેન્ટ ફક્ત તેણે જે પ્રાંતનું પ્રતિનિધિત્વ કરીને પડકારોનો સામનો કર્યાે છે તે હકીકતને ઉજાગર કરવા માટેની હતી. કોમેન્ટેટર જ્યારે કોઈ ક્રિકેટર ક્યાંથી આવે છે તે દર્શાવવા માટે જ આ પ્રકારે જે તે પ્રાંતનો ઉલ્લેખ કરતા હોય છે તે જ રીતે મેં ઉલ્લેખ કર્યાે હતો.અન્ય બે ખેલાડીઓ પણ હતી જે ક્યાંથી આવે છે તેનો મેં ઉલ્લેખ કર્યાે હતો પરંતુ મહેરબાની કરીને તેને રાજકારણ સાથે સાંકળશો નહીં.
વિશ્વભરમાં થતા પ્રસારણમાં કોમેન્ટેટર જે તે રમત, ખેલાડી, ટીમ અને તેમના સંઘર્ષને લગતી પ્રેરક વાતો કરતાં જ હોય છે આમ કરવાથી મારા હૃદયમાં કોઈ બદઇરાદો કે કોઈની લાગણી દુભાવવાનો આશય ન હતો તેમ સાના મિરે ઉમેર્યું હતું.ભારતીય રમતપ્રેમીઓએ બીસીસીઆઈ અને આઇસીસીને ટેગ કરીને રમતના પ્રસારણને રાજકીય રંગ આપવાના આક્ષેપ કરીને સાના મિરને કોમેન્ટરીમાંથી હટાવવાની માગણી કરી હતી.ભારત અને શ્રીલંકામાં હાલમાં આઇસીસી વિમેન્સ વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે જેમાં પાકિસ્તાન તેની તમામ મેચ કોલંબોમાં રમી રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તંગ સંબંધોને કારણે પાકિસ્તાની ટીમ ભારત આવવા માગતી ન હતી અને તેની મેચો શ્રીલંકામાં યોજાઈ છે.ss1