Western Times News

Gujarati News

કંતારાએ પહેલા દિવસે સૈયારા-બાહુબલી ફિલ્મને પછાડ્યા

કંતારા ચેપ્ટર ૧ વર્લ્ડ વાઇડ ૧૦૦ કરોડે પહોંચી

રિષભ શેટ્ટી દ્વારા લખાયેલી અને ડિરેક્ટ થયેલી પહેલી કંતારાની સફળતાની કોઈએ કલ્પના કરી નહોતી

મુંબઈ,કંતારા ચેપ્ટર ૧ રિલીઝ થઈ ગઈ છે અને વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ પર આ ફિલ્મે કલ્પના કરતાં પણ સારી કમાણી કરી છે. આ ૨૦૨૨માં આવેલી આ ફિલ્મની પ્રિક્વલે બહુ સારી શરૂઆત કરી છે અને વિદેશમાં પણ દર્શકોને પ્રભાવિત કર્યા છે. આ ફિલ્મે પહેલાં જ દિવસે સૌથી વધુ કમાણી કરતી ફિલ્મોની યાદીમાં સ્થાન બનાવી લીધું છે.કંતારા ચેપ્ટર ૧ ફિલ્મે પહેલા દિવસે ભારતમાં લગભગ ૭૨ કરોડની કમાણી કરી છે, સાઉથના થિએટરમાં આ ફિલ્મની ૭૦ ટકાથી વધુ ટિકિટ વેચાઈ ગઈ હતી, કન્નડા, તમિલ, તેલુગુ અને મલયાલમમાં આ ફિલ્મે સૌથી વધુ કમાણી કરી છે.

દેશમાં હિન્દીમાં ડબ થયેલા વર્ઝને પણ ૨૦ કરોડ જેટલી કમાણી કરી છે.ફિલ્મ ટ્રેડના નિષ્ણાતો માને છે કે કંતારા ચેપ્ટર ૧ વિદેશોમાં પણ સારી ચાલી રહી છે. જેમાં ભારત બહારથી લગભગ ૨ મિલિયન ડોલરની કમાણી થઈ છે. જે મળીને ફિલ્મે પહેલા જ દિવસે લગભગ ૯૦ કરોડની કમાણી કરી લીધી છે. જો પહેલા દિવસની કમાણીની વાત કરીએ તો, યશની કેજીએફ ચેપ્ટર ૨એ પહેલા દિવસે માત્ર આ ફિલ્મથી વધુ ૧૫૯ કરોડની કમાણી કરી હતી. કંતારા ચેપ્ટર ૧ પહેલા જ દિવસે ૯૦ કરોડની કમાણી સાથે છેલ્લાં કેટલાક સમયની પહેલા દિવસે વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં ટોચ પર આવી ગઈ છે. આ કમાણી સાથે આ ફિલ્મે સ્ત્રી ૨ની ૭૯.૬૦ કરોડ, બાહુબલી ૧ની ૭૩.૪૦ કરોડ, બ્રહ્માસ્ત્ર પાર્ટ ૧ ૬૮.૮૦ કરોડની કમાણી કરી ચુકેલી ફિલ્મને પાછળ છોડી દેશે.

જો છેલ્લાં કેટલાંક સમયમાં બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં કોઈ ફિલ્મ આ ફિલ્મથી નજીક પણ રહી શકી નથી. ૨૦૨૫માં બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છાવાએ પણ પહેલા દિવસે માત્ર ૩૭.૨૫ કરોડની કમાણી કરી હતી. જ્યારે સૈયારાએ પહેલા દિવસે ૨૯.૨૦ કરોડની કમાણી કરી હતી. જ્યારે યશરાજની વાર ૨માં રિતિક રોશન અને જુનિયર એનટીઆર જેવો સ્ટાર પાવર હોવા છતાં તે ૮૪.૬૦ કરોડની આવક સાથે કંતારાથી તો પાછળ જ રહી હતી. રિષભ શેટ્ટી દ્વારા લખાયેલી અને ડિરેક્ટ થયેલી પહેલી કંતારાની સફળતાની કોઈએ કલ્પના કરી નહોતી, એ ફિલ્મ ૧૫ કરોડના ખર્ચે બની હતી.

તેમજ વર્લ્ડ વાઇડ તેણે ૪૦૦ કરોડની કમાણી કરી હતી. હવે તેની પ્રિક્વલ કંતારા ચેપ્ટર ૧, તેના ૧૦૦૦ વર્ષ પહેલાંની વાત કરે છે. આ ફિલ્મમાં રિષભ શેટ્ટી, રુકમિણિ વસંત, જયરામ અને ગુલશન દેવૈયા મુખ્ય રોલમાં છે. કંતારાના પ્રીવ્યુને થયેલી ૪.૫૦ કરોડની આવક સાથે આ ફિલ્મ ભારતમાં પહેલાં દિવસે લગભગ ૬૯-૭૦ કરોડની આવક કરશે, એવી અપેક્ષા હતી. તેની સાથે તે પહેલા દિવસની કમાણીમાં લગભગ ૧૬થી ૧૮મા ક્રમે પહોંચી જશે એવી ચર્ચા હતી. પરંતુ હવે જો આંકડાઓ જોવામાં આવે તો આ ફિલ્મ માત્ર સ્ત્રી ૨ અને ધે કોલ હિમ ઓજીથી જ પાછળ રહી છે.

જો પ્રીવ્યુની કમાણી ગણવામાં આવે તો આ ફિલ્મ ટોપ ૧૫માં આવી જાય છે. કારણ કે તાજેતરમાં તેલુગુ સિનેમાએ પ્રીવ્યુનું આયોજન કરવાનું શરૂ કર્યું છે. તેની કમાણી પણ પહેલા દિવસની આવકમાં સમાવી લેવામાં આવે છે.જો છેલ્લા થોડાં વર્ષાેની સૌથી વધુ કમાણી કરનારી ૨૦ ફિલ્મની વાત કરવામાં આવે તો પુષ્પાઃ ધ રુલ પ્રથમ ક્રમે છે. ૨૦૧૭થી ૨૦૨૫ દરમિયાન સૌથી વધુ કમાણી કરનારી ટોપ-૨૦ ફિલ્મોમાંથી પ્રથમ છ ફિલ્મો સાઉથની ઈન્ડસ્ટ્રીની છે. ટોપ-૬માં પણ ત્રણ ફિલ્મોમાં પ્રભાસનો લીડ રોલ છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.