ગુરુ ગૌરક્ષનાથની મંદિરના કાચના દરવાજા, દાનપેટી સહિતની વસ્તુઓ વેરવિખેર કરી અસામાજિક તત્વોએ

ગિરનાર પરિક્રમા માર્ગ પર આશરે ૫૫૦૦ પગથિયાં નજીક આવેલ મંદિરમાં તોડફોડ, સાંધુ-સંતોમાં આક્રોશ
જૂનાગઢ, ગિરનાર પરિક્રમા માર્ગ પર આશરે ૫૫૦૦ પગથિયાં નજીક આવેલી નાથ સંપ્રદાયના ગુરુ ગૌરક્ષનાથની પવિત્ર જગ્યામાં મોડી રાત્રે અજાણ્યા અસામાજિક તત્વોએ પ્રવેશ કરીને ભારે તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે.
આ કૃત્યથી માત્ર મંદિરના માળખાને જ નહીં પરંતુ ભાવિકોની ધાર્મિક આસ્થાને પણ ઠેસ પહોંચી છે. ગૌરક્ષનાથની જગ્યામાં કેટલાક સામાજિક તત્વોએ તોડફોડ કરી અને મૂર્તિને ખંડિત કરી દેતા સાધુ-સંતોમાં રોષ ફેલાયો છે. મોડી રાત્રે અંજામ અપાયેલી આ ઘટનામાં અસામાજિક તત્વોએ મંદિરમાં રહેલી ગુરુ ગૌરક્ષનાથની મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો છે.
આ ઉપરાંત તોડફોડ કરનારા શખ્સોએ મંદિરના કાચના દરવાજા, પૂજાની સામગ્રી અને દાનપેટી સહિતની વસ્તુઓ વેરવિખેર કરી નાખી હતી.વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. મંદિરના પૂજારી સૂતા હતા ત્યારે તેના રૂમને બહારથી લોક મારી દેવામાં આવ્યું હતું.
ત્યારબાદ મંદિરમાં પ્રવેશ કરીને તોડફોડ કરવામાં આવી હતી.પૂજારીએ બારીમાંથી જોયું ત્યારે ચાર લોકો નીચે ઉતરતા જોવા મળ્યા હતા.જોકે ધુમ્મસભર્યા વાતાવરણના કારણે તેઓ તેમનો ચહેરો સ્પષ્ટ જોઈ શક્યા નહોતા.
ગુરુ ગોરખનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુએ પણ આ કૃત્યને ખૂબ જ નિંદનીય ગણાવ્યું હતું અને આરોપીઓને વહેલી તકે ઝડપીને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગિરનાર એ માત્ર એક પર્વત નથી પણ જૈન અને હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયો માટે તીર્થભૂમિ છે.
આવા પવિત્ર સ્થળ પર પશુ સમાન કૃત્ય થતાં સ્થાનિક સાધુ-સંતો અને દેશભરના ભાવિકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે.
સંત સમાજે સ્પષ્ટ માંગ કરી છે કે આ ધર્મભ્રષ્ટ કૃત્ય કરનારા શખ્સોને તાત્કાલિક ધોરણે પકડી પાડી કડકમાં કડક સજા થવી જોઈએ. બનાવની જાણ થતાં જ ભવનાથ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ગિરનાર પર્વત પર પહોંચ્યો હતો. પોલીસે સ્થળ પર પંચનામું કરીને ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ કરી છે.આ મામલે કાયદેસરની ફરિયાદ નોંધીને પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે.