બે બાઇક, એક પીકઅપ ડાલુ, ટ્રેલર અને જીપ મેક્સ સહિત કુલ પાંચ વાહનો વચ્ચે અકસ્માત

નેશનલ હાઈવે ઉપર પાંચ વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા-રાધનપુર-કંડલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ૪ના મોત
મહેસાણા, રાધનપુર-કંડલા નેશનલ હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ વાહનો એકબીજા સાથે ટકરાતાં કુલ ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતને પગલે હાઇવે પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતની આ ઘટનામાં નવ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, નેશનલ હાઇવે પર બે બાઇક, એક પીકઅપ ડાલુ, એક મોટું ટ્રેલર અને એક જીપ મેક્સ સહિત કુલ પાંચ વાહનો વચ્ચે આ અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતાં.
જ્યારે અન્ય ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા, તે દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઉપરાંત, ઈજાગ્રસ્તોને પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ રીતે આ ગમખ્વાર અકસ્માતમાં કુલ મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો છે.
હાલમાં આ અકસ્માતમાં ઘાયલ થયેલા નવ જેટલાં લોકોને પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માત કયા કારણોસર સર્જાયો તેની તપાસ હાથ ધરી છે.