ઈસનપુરમાં પ૦૦ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ આજે માંડવી નીકળશે
 
        જેના માટે એમ કહેવાય છે કે ગામના દેવીપૂજક પરિવારના એક સભ્યને પ૦૦ વર્ષ પહેલા માતાજીએ દિશા બતાવી હતી અને કહયું હતું કે આ દિશા પર જતા એક આંબા પર કાચી કેરી જોવા મળશે તેને મારી માંડવી પર લગાવજો
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના ઈસનપુર ગામમાં દર વર્ષે પરંપરા મુજબ આસો સુદ -૧૩ ના દિવસે માતાજીની માડવી બનાવવામાં આવે છે ગામના પટેલવાસમાં તૈયાર થતી આ માંડવીને બીજે દિવસે સવારે વારાહી માતાના મંદિરમાં વળાવવામાં આવે છે એક માન્યતા મુજબ પ૦૦ કરતા પણ વધુ વર્ષથી આ માડવીની પરંપરા ચાલી આવી છે.
ઈસનપુર ગામમાં નવરાત્રી પછી તરત જ તેરસના દિવસે કાચી કેરીની માડવીનો ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવે છે. અહીં કાચી કેરી એટલા માટે કહેવામાં આવે છે કે સીઝન ન હોવા છતાં માતાજીની માંડવીમાં કાચી કેરી લાગે છે
જેના માટે એમ કહેવાય છે કે ગામના દેવીપૂજક પરિવારના એક સભ્યને પ૦૦ વર્ષ પહેલા માતાજીએ દિશા બતાવી હતી અને કહયું હતું કે આ દિશા પર જતા એક આંબા પર કાચી કેરી જોવા મળશે તેને મારી માંડવી પર લગાવજો
તે સમયથી દર વર્ષે દેવીપૂજક પરિવારના સભ્ય કાચી કેરી લાવે છે અને તેને માંડવી પર લગાવવામાં આવે છે. ગામના રહીશોના જણાવ્યા મુજબ આ માડવી બાજોટ પર વાસ મુકીને તૈયાર કરવામાં આવે છે જેની ઉંચાઈ લગભગ ૧૦ થી ૧ર ફુટ હોય છે.
ઈસનપુર પટેલવાસમાં તૈયાર થતી માંડવીમાં ૧૬૦ તેલના દીવા હોય છે જયારે મધ્યમાં ઘી નો દીવો કરવામાં આવે છે માંડવી તૈયાર કરતા સમયે દોરાનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી કે ક્યાય ગાંઠ પણ લગાવવામાં આવતી નથી વડની વડવાઈઓ અને મુજથી જ આ માડવી તૈયાર થાય છે
જેનું વજન અંદાજે ૮ થી ૧૦ મણ હોય છે પટેલવાસમાં માંડવીના તહેવારને દિવાળી કરતા પણ વધુ ધામધુમથી ઉજવાય છે અને અગિયારસથી તેરસ સુધી ગરબા થાય છે. આ દિવસે ઘરે ઘરે લાડુનો પ્રસાદ થાય છે અને પટેલવાસના રહીશો તેમના પરિવારજનો અને મિત્રોને પ્રસાદ માટે આમંત્રણ આપતા હોય છે. માડવીની રાત્રે હજારો લોકો તેના દર્શનાર્થે ઉમટે છે. આખી રાત ગરબા થયા પછી માંડવીને ગામના પાદરે આવેલ વારાહી માતાના મંદિરે વળાવવામાં આવે છે.

 
                 
                 
                