Western Times News

Gujarati News

સેનાના જવાનનું કાલાવડના નાના એવા રાજડામાં ગ્રામજનોએ કર્યુ અનેરૂ સન્માન

જામનગર, કાલાવાડ તાલુકાના રાજડા ગામના વતની વીર સપૂત છેલ્લા ૧૭ વર્ષથી ભારતીય સેનામાં અવિરત સેવા આપી રહ્યા છે. કઠોર પરિસ્થિતિઓમાં પણ દેશની સરહદો પર સચેત રહી વતનનું નામ રોશન કરનાર આ જવાન જ્યારે પોતાના વતન પરત ફર્યા ત્યારે સમગ્ર રાજડા ગામે ગૌરવ અને ઉત્સાહની લાગણી સાથે તેમનું વધામણું કર્યુ હતું. ગામના પ્રવેશ દ્વારેથી જ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

નિકાવા ગામથી રાજડા સુધીની આ શોભાયાત્રામાં યુવાનો, વડીલો, મહિલાઓ અને નાના બાળકો સક્રિય રીતે જોડાયા હતા. માર્ગ પર દેશભક્તિના ગીતો ગવાયા હતા, ભારત માતા કી જયના નારા ગૂંજ્યા હતા, ઉપરાંત ચોમેર તિરંગાના ધ્વજ લહેરાતાં દેશભક્તિનો અદભૂત માહોલ સર્જાયો હતો. પ્રત્યેક સ્થળે ગ્રામજનો દ્વારા ફુલમાળા પહેરાવી પંકજભાઈ દોંગાને સન્માનિત કરવામાં આવ્યા હતા.

શોભાયાત્રા બાદ યોજાયેલા સન્માન સમારોહમાં ગામના સરપંચ અશ્વિનભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે આજે રાજડા ગામમાં સાચા અર્થમાં ગૌરવનો દિવસ આવ્યો છે. ગામનો વીર સપૂત ૧૭ વર્ષ સુધી ભારતીય સેનામાં રહી માતૃભૂમિની સેવા કરી રહ્યો છે, તે સમગ્ર ગામ માટે પ્રેરણારૂપ છે.

આવા વીર જવાનો જ આપણા દેશના સાચા આદર્શ છે. આ પ્રસંગે ગામના આગેવાનો, શિક્ષકો, યુવા મંડળો તથા મહિલાઓએ પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. યુવાનોને સંબોધતાં પંકજભાઈ દોંગાને જણાવ્યું હતું કે ભારત માતાની સેવા કરવી જીવનનું સર્વોચ્ચ ગૌરવ છે. ગામ, સમાજ અને દેશ માટે હંમેશા તત્પર રહેવું જોઈએ. યુવાનો દેશપ્રેમ, શિસ્ત અને એકતાને જીવનમાં અંકિત કરે, એ જ સાચુ દેશસેવાનું યોગદાન છે.

તાલુકા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ વિરડીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગાંડુભાઈ ડાંગરીયા, નિકાવાના સરપંચ રાજુભાઈ મારવિયા, નવજીવન વિદ્યાલયના સંચાલક હિરેનભાઈ દોંગા, વિશાલભાઈ રામાણી, જિલ્લા પંચાયત સદસ્ય જે.પી. મારવીયા, તાલુકા પંચાયત સદસ્ય રાઘવજીભાઈ તાળા, રાજડા સરપંચ અશ્વિનભાઈ સોજીત્રા, નવજીવન વિદ્યાલયના બાળકો તથા શિક્ષક મંડળે પણ આ પ્રસંગે ભાગ લીધો હતો.

સમગ્ર ગામના રસ્તાઓ પર તિરંગાના રંગો છવાઈ ગયા હતા. લોકોના હાથમાં ધ્વજ, મોઢે દેશપ્રેમના નારા અને દિલમાં વીર સપૂત પ્રત્યેના ગર્વએ સમગ્ર વાતાવરણને અનોખું બનાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.