મિલની નોકરી છોડી શૂન્યમાંથી અબજોનું સામ્રાજ્ય ઊભું કરનાર નિરમા ગ્રુપના સ્થાપક કરસનભાઈ પટેલ

નિરમા એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનની શરૂઆત કરી, જેમાંથી અમદાવાદની પ્રખ્યાત નિરમા યુનિવર્સિટી અને નિરમા વિદ્યાવિહારની રચના થઈ. આજે, નિરમા યુનિવર્સિટીમાં ટેક્નોલોજી, મેનેજમેન્ટ, કાયદો, આર્કિટેક્ચર, ડિઝાઇન અને ફાર્મસી જેવા ક્ષેત્રોમાં ડિગ્રીઓ પ્રદાન કરે છે.
એક નાનકડા વિચારથી ઔદ્યોગિક સામ્રાજ્ય સુધી: ઉત્તર ગુજરાતમાં યોજાનારી VGRC રજૂ કરશે વિકાસની બ્લૂપ્રિન્ટ, જે નિરમા ગ્રુપના સ્થાપક થકી પ્રેરિત
VGRC ઉત્તર ગુજરાત: નિરમા ગ્રુપના સ્થાપક શ્રી કરસનભાઈ પટેલની શૂન્યમાંથી અબજોનું સામ્રાજ્ય ઊભું કરવાની ગાથા આગામી પેઢીના ઉદ્યોગસાહસિકોને પ્રેરણા આપશે
VGRC ભારતીય ઉદ્યોગોમાં ક્રાંતિ લાવનાર શ્રી કરસનભાઈ પટેલની સાફલ્યગાથાને ઉજાગર કરશે
ઉત્તર ગુજરાતના વિજ્ઞાન વિષયમાં સ્નાતક થયેલા શ્રી કરસનભાઈ પટેલે પોતાના ઘરઆંગણેથી વૈશ્વિક વ્યાપારના દિગ્ગજોને પડકારવાનું નક્કી કર્યું. એક પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ભારતીય અબજોપતિ ઉદ્યોગસાહસિક તરીકે કરસનભાઈનું જીવન તેમની ઉદ્યોગસાહસિક નિપુણતાની સાખ પૂરે છે. તેમનો જન્મ 1945માં ઉત્તર ગુજરાતના રૂપપુર ગામ ખાતે એક ખેડૂત પરિવારમાં થયો હતો.
શ્રી કરસનભાઈ પટેલે કેમિસ્ટ્રી વિષય સાથે બીએસસીની ડિગ્રી મેળવી અને ત્યારબાદ અમદાવાદની ન્યૂ કોટન મિલ્સમાં લેબ ટેક્નિશિયન તરીકે કામ શરૂ કર્યું. તે પછી 1969માં તેમણે અમદાવાદમાં સ્થિત તેમના ઘરના પાછલા ભાગમાં મૂળભૂત સામગ્રીઓનો ઉપયોગ કરીને ડિટર્જન્ટ પાવડર બનાવવાનું શરૂ કર્યું.
પોતાની રોજિંદી નોકરી પર જતા પહેલા, તેઓ આખા અમદાવાદ શહેરમાં પોતાની સાયકલ પર ફરતા અને ઘરે-ઘરે જઇને પોતાના હાથે બનાવેલા ડિટર્જન્ટના પેકેટ્સ વેચતા હતા. તેમણે તેમની સ્વર્ગસ્થ પુત્રી નિરૂપમાને પ્રેમભરી શ્રદ્ધાંજલિ આપતા તેમના ડિટર્જન્ટને ‘નિરમા’ નામ આપ્યું.
સારી ગુણવત્તાવાળો ડિટર્જન્ટ પાવડર અને તેના પોસાય તેવા ભાવો રાખવાનો કરસનભાઈનો અભિગમ તે સમયમાં એકદમ ક્રાંતિકારી હતો, જેના કારણે તેમની આ પ્રોડક્ટનું શરૂઆતના ગાળામાં વર્ડ-ટુ-માઉથ એટલે કે લોકમુખે માર્કેટિંગ થવા લાગ્યું. નિરમા ડિટર્જન્ટ પાવડર ખૂબ ઝડપથી લોકપ્રિય થવા લાગ્યો અને તેને ખૂબ સફળતા મળી.
ટુંક સમયમાં કરસનભાઈએ તેમની મિલની નોકરી છોડી દીધી અને સંપૂર્ણપણે તેમના વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ધીમે ધીમે નિરમા ગ્રુપ એક બિઝનેસ સમૂહ તરીકે વિકસિત થયું અને તેના ઉત્પાદનોમાં ડિટર્જન્ટ, સિમેન્ટ, હેલ્થકેર તેમજ કેમિકલ્સનો સમાવેશ કરવામાં આવ્યો. આજે શ્રી કરસનભાઈ પટેલ ભારતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં અગ્રણી કહેવાય છે. ફોર્બ્સના અંદાજ મુજબ, તેમની વ્યક્તિગત સંપત્તિ $4.7 બિલિયનથી વધુ છે, જે દર્શાવે છે કે આકરી મહેનત થકી તેમણે પોતાનું સમગ્ર જીવન પોસાય તેવા ભાવે સુલભ અને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સના ઉત્પાદનને સમર્પિત કર્યું છે.
કરસનભાઈએ પોતાની આ સફળતાને હંમેશાં પોતાના વતન સાથે વહેંચી છે. તેઓ પોતાના ગુજરાતના મૂળિયાને ક્યારેય ભૂલ્યા નથી. તેમણે ગુજરાતના અન્ય વિસ્તારો ઉપરાંત, ઉત્તર ગુજરાતના માંડલી અને છત્રાલમાં નિરમાના મોટા ઔદ્યોગિક કેન્દ્રો બનાવ્યા છે. આ વિશાળ કેન્દ્રોએ હજારો સ્થિર સ્થાનિક રોજગારીઓનું સર્જન કર્યું છે. સ્થિર રોજગારથી મળતી આ સ્થિર આવકે પરંપરાગત કૃષિ આવકથી આગળ વધીને અનેક ગ્રામીણ લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યું છે.
કરસનભાઈ સમાજમાંથી કમાયેલું સમાજને પાછું આપવામાં માનતા હતા. આ જ વિચારધારા સાથે તેમણે નિરમા એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનની શરૂઆત કરી, જેમાંથી અમદાવાદની પ્રખ્યાત નિરમા યુનિવર્સિટી અને નિરમા વિદ્યાવિહારની રચના થઈ. આજે, નિરમા યુનિવર્સિટી એક પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થા છે, જે ટેક્નોલોજી, મેનેજમેન્ટ, કાયદો, આર્કિટેક્ચર, ડિઝાઇન અને ફાર્મસી જેવા ક્ષેત્રોમાં ડિગ્રીઓ પ્રદાન કરે છે.
સ્થાનિક સ્તરે આવી વૈશ્વિક કક્ષાની યુનિવર્સિટી બનાવીને કરસનભાઈએ સુનિશ્ચિત કર્યું કે દેશના યુવાનોને ઘરઆંગણે જ ઉચ્ચ સ્તરનું શિક્ષણ મળી રહે. કરસનભાઈ પટેલની સફળતાની આ ગાથા સાબિત કરે છે કે નાના ગામડાનો એક સરળ વિચાર મોટો વિકાસ સાધી શકે છે અને વિશ્વની સૌથી મોટી કંપનીઓ સાથે સ્પર્ધા કરી શકે છે. ઓછી કિંમતે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને પ્રાદેશિક વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાએ ગુજરાતના અર્થતંત્ર અને સંસ્કૃતિ પર નિઃશંકપણે એક સકારાત્મક છાપ છોડી છે.
ઉદ્યોગપતિ અને શિક્ષણક્ષેત્રે સ્વપ્નદ્રષ્ટા એવા કરસનભાઈ પટેલને ઉદ્યોગક્ષેત્રે તેમની પ્રશંસનીય કામગીરી માટે અનેક એવોર્ડ્સ અને માન્યતાઓ મળ્યા છે. તેમને 1990માં ઉદ્યોગ રત્ન એવોર્ડ, 1998માં ગુજરાત બિઝનેસમેન એવોર્ડ, 2006માં અર્ન્સ્ટ એન્ડ યંગ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, 2009માં સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ, 2009માં બરોડા સન લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, 2010માં પદ્મશ્રી એવોર્ડ તેમજ કેમટેક એવોર્ડ ઑફ હૉલ ઑફ ફેમ, વગેરેથી નવાજવામાં આવ્યા છે.
2001માં અમેરિકાની ફ્લોરિડા એટલાન્ટિક યુનિવર્સિટીએ તેમને તેમની પરોપકારી પ્રવૃત્તિઓ તેમજ વ્યવસાય અને માર્કેટિંગ કુશળતા માટે ડોક્ટરેટ ઑફ હ્યુમેનિટિઝની પદવી એનાયત કરી. 2007માં ઇન્દોરના દેવી અહિલ્યા વિશ્વવિદ્યાલયે તેમને ડૉક્ટર ઑફ લેટર્સ (ડી. લિટ.) ની પદવી એનાયત કરી.
ઉત્તર ગુજરાતમાં મહેસાણા ખાતે યોજાનારી આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ઉત્તર ગુજરાત ક્ષેત્રના અસાધારણ પ્રતિભાયુક્ત ઉદ્યોગસાહસિકો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ કાર્યક્રમ ઉભરતા અને સ્થાપિત ઉદ્યોગસાહસિકો બંને માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે.
શ્રી કરસનભાઈ પટેલ જેવા ઉદ્યોગસાહસિકોની સાફલ્યગાથાને હાઇલાઇટ કરીને આ કોન્ફરન્સ સ્થાનિક સફળતાથી વૈશ્વિક સ્તરે વ્યવસાયોને વિકસિત કરવા માટે અમૂલ્ય પ્રેરણા અને સફળતાની બ્લૂપ્રિન્ટ પ્રદાન કરે છે.