Western Times News

Gujarati News

તહેવારોની સીઝનમાં વિમાન ભાડાં પર લગામ મૂકવા સરકાર સક્રિય

નવી દિલ્હી, તહેવારોની સીઝનમાં એરલાઇન્સ કંપનીઓ વિમાન ભાડામાં વધારો કરીને લૂંટ ન મચાવે તે માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન સક્રિય બન્યું છે. ઉડ્ડયન ક્ષેત્રની આ નિયમનકારી સંસ્થાએ વિમાન ભાડાના ટ્રેન્ડની સમીક્ષા શરૂ છે તથા ટિકિટના ભાવમાં કોઈ તીવ્ર વધારો કરવાની જગ્યાએ ફ્લાઇટ ક્ષમતા વધારો કરવાનો એરલાઇન્સ કંપનીઓને આદેશ આપ્યો છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ખાસ કરીને તહેવારોની મોસમ દરમિયાન વિમાન ભાડા પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

નિયમનકારી સંસ્થાએ એરલાઇન્સને મુસાફરોના વધતા ધસારાને પહોંચી વળવા અને મુસાફરો માટે યોગ્ય ભાવ જળવાઈ રહે તે માટે વધારાની ફ્લાઇટ્‌સ તૈનાત કરવાની તાકીદ કરી છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાન ભાડા પર ચાંપતી નજર રાખવા અને ભાવમાં ઉછાળો આવે તો યોગ્ય પગલાં લેવા માટે નિયમનકારી સંસ્થાને સૂચના આપી છે.

મંત્રાલયની સૂચનાને પગલે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ એરલાઇન્સ સાથે આ મુદ્દો ઉઠાવ્યો છે અને તેમને તહેવારોની મોસમ દરમિયાન ઊંચી માંગને પહોંચી વળવા વધારાની ફ્લાઇટ્‌સ તૈનાત કરીને ફ્લાઇટ ક્ષમતા વધારવાની તાકીદ કરી છે.

નિયમનકારી સંસ્થાના આદેશને પગલે અગ્રણી એરલાઇન્સ કંપનીઓએ મહત્ત્વના રૂટ પર સેંકડો વધારાની ફ્લાઇટ્‌સ ઉમેરવાની યોજના તૈયાર કરી છે. ઇન્ડિગો ૪૨ સેક્ટર્સમાં લગભગ ૭૩૦ વધારાની ફ્લાઇટ્‌સનું ઉડ્ડયન કરશે, જ્યારે એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ ૨૦ રૂટ પર લગભગ ૪૮૬ વધારાની ફ્લાઇટ્‌સનું સંચાલન કરશે.

સ્પાઇસજેટ ૩૮ રૂટ પર લગભગ ૫૪૬ ફ્લાઇટ્‌સ સાથે તેની ક્ષમતામાં વધારો કરી રહી છે.ડીજીસીએના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઉડ્ડયન નિયમનકારી સંસ્થાએ મુસાફરોના હિતોનું રક્ષણ કરવા માટે હવાઈ ભાડા અને ફ્લાઇટ ક્ષમતા બંને પર ચાંપતી દેખરેખ રાખવાનું ચાલુ રાખશે.

અમે ખાતરી કરી રહ્યાં છીએ કે એરલાઇન્સ માંગને પહોંચી વળવા માટે પૂરતી ફ્લાઇટ્‌સ ચલાવે અને તહેવારોના સમયગાળા દરમિયાન ભાડા વાજબી રહે.છેલ્લા કેટલાક વર્ષાેમાં નાગરિક ઉડ્ડયન કામગીરીમાં પારદર્શકતાં અને સલામતી સુનિશ્ચિત કરવા માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ તેની દેખરેખ અને ઓડિટિંગ પદ્ધતિઓને વધુ સઘન બનાવી છે.

સત્તાવાર ડેટા મુજબ, ૨૦૨૦ અને જૂન ૨૦૨૫ની વચ્ચે નિયમનકારે સલામતીના ધોરણોને મજબૂત બનાવવા માટે ૧૭૧ નિયમનકારી ઓડિટ હાથ ધર્યા હતાં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.