મોડાસામાં વકીલને માર મારવાના મુદ્દે પીએસઆઈ અને અન્ય કર્મીઓ સામે ફરિયાદ નોંધાઈ

ભિલોડા, મોડાસામાં ત્રણ દિવસ પહેલાં વકીલ પર પોલીસ દ્વારા કરાયેલા હુમલા મામલે આખરે મોડાસા ટાઉન પોલીસ મથકના પીએસઆઈ અને અન્ય કર્મીઓ સામે ગુનો નોંધાયો છે.
વકીલે પોતાની સાથે મારપીટ કરવી, મોબાઈલ ઝૂંટવી લેવો તેમજ ધમકી આપવી જેવા આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે.ગત બીજી ઓક્ટોબરે વકીલ ગોપાલ ભરવાડ પોતાના અસીલની ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશને ગયા હતા જ્યાં અસીલન કહેવા મુજબ ફરિયાદ ન નોંધતાં સ્ટેટ પોલીસ ફરિયાદ પર ફોન કરી રજૂઆત કરી હતી.
તેમજ વકિલે કહ્યું હતું કે, આ વ્યક્તિ જે પ્રમાણે કહે તેમ ફરિયાદ નોંધી લો. તે પછી પીએસઆઈ પી.પી ડાભી વકિલને ગ્રાઉન્ડફ્લોર પરની છેલ્લી રૂમમાં લઈ ગયા હતા. જ્યાં અન્ય ચાર પોલીસ કર્મીઓ આવ્યા હતા અને વકિલને માર માર્યાે હતો.
જેનો વીડિયો વકીલના મિત્રએ બનાવ્યો હતો. જોકે, પોલીસે આ વીડિયો ડિલિટ કરી દીધો હતો. ઇજાગ્રસ્ત ગોપાલ ભરવાડને હોસ્પિટલમાં ખસેડાયો હતો. અરવલ્લી બાર એસોસિયેશને આ ઘટનાના વિરોધમાં કોર્ટ પરિસરમાં નારાજગી વ્યક્ત કરી અને કામકાજ બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો.
બાર એસોસિયેશને આરોપી પોલીસકર્મીઓ સામે કડક પગલા લેવાની માગણી કરી હતી. અંતે ત્રણ દિવસની ચર્ચા અને વિરોધ બાદ આખરે પીડિત વકીલ દ્વારા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં મામલો ગંભીર વળાંક પર ગયો છે. હવે તપાસના પગલે પોલીસ વિભાગમાં પણ ચકચાર મચી ગઈ છે.SS1MS