સ્મોલ કેટેગરીના ડ્રોન બનાવવાનું “ટાઈપ સર્ટીફિકેટ” મેળવનાર કૌશલ્યા યુનિવર્સિટી દેશની એકમાત્ર સરકારી યુનિવર્સિટી

પ્રતિકાત્મક
7 ઓક્ટોબર, યુવા સશક્તિકરણ દિવસ: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત છેલ્લા 24 વર્ષમાં બન્યું સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓનું હબ*
છેલ્લા 24 વર્ષમાં યુવાહિતલક્ષી રાજ્ય સરકારે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે યુવાનોને બનાવ્યા સશક્ત, વિશેષ ક્ષેત્રના અભ્યાસ માટે રાજ્ય બહાર ન જવું પડે એ માટે વિવિધ સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટી કાર્યરત
ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2009માં દેશની એકમાત્ર રક્ષા શક્તિ યુનિવર્સિટી (હવે RRU)ની સ્થાપના થઈ
Ahmedabad, કોઈપણ રાષ્ટ્રનું ઉજ્જવળ ભવિષ્ય તેની યુવા શક્તિ પર નિર્ભર હોય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ બાબત પર ભાર મૂકીને વિકસિત ભારતના વિઝનમાં પણ યુવાનોને કેન્દ્રસ્થાને રાખ્યા છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે અને વર્તમાનમાં દેશના વડાપ્રધાન તરીકે તેમણે છેલ્લા 24 વર્ષમાં ગુજરાતના યુવાઓને સશક્ત બનાવવા અને તેમની બુદ્ધિ પ્રતિભા અને ક્ષમતાઓને તક મળે તેવા વાતાવરણનું નિર્માણ કર્યું છે.
7 ઓક્ટોબર 2025ના રોજ તેમના માર્ગદર્શનમાં રાજ્યની વણથંભી વિકાસ યાત્રાના સફળ 24 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 24 વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા માટે દર વર્ષે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી થશે. આ અંતર્ગત આ વર્ષે 7 ઓક્ટોબરે યુવા સશક્તિકરણ દિવસની ઉજવણી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, યુવાનોને ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણથી લઈને વિશ્વકક્ષાના ઉચ્ચશિક્ષણ સાથે રોજગાર-સ્વરોજગારના અવસરો આપવા માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓનો અસરકારક અમલ કર્યો છે, જેના આજે સકારાત્મક પરિણામો આપણે સૌ જોઈ શકીએ છીએ. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જ ગુજરાત આજે સેક્ટર-સ્પેસિફિક યુનિવર્સિટીઓનું હબ બન્યું છે.
*ગુજરાતના યુવાનોને ઘરઆંગણે જ મળી ઉચ્ચ શિક્ષણની ઉત્તમ સુવિધા*
આજથી 24 વર્ષ પહેલાં ગુજરાતના વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ, ખાસ કરીને મેડિકલ અને એન્જિનિયરિંગ શિક્ષણ મેળવવા માટે વિદેશ જવું પડતું હતું, પરંતુ આજે ઘર આંગણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકારે યુનિવર્સિટીઓની તેમજ ટેક્નિકલ શિક્ષણમાં સીટ્સની સંખ્યા વધારી છે. 24 વર્ષ પહેલાં રાજ્યમાં માત્ર 21 યુનિવર્સિટી હતી, જેની સંખ્યા આજે 108 સુધી પહોંચી ગઈ છે. વર્તમાનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર વિશ્વસ્તરીય શૈક્ષણિક સુવિધાઓ સાથે ગુજરાતને વૈશ્વિક શિક્ષણ હબ બનાવવાના તેના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે.
*સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓનું હબ બન્યું ગુજરાત*
યુવાનોને જે તે ક્ષેત્રનું ગુણવત્તાયુક્ત અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળી રહે તે માટે ગુજરાતમાં આજે ચોક્કસ ક્ષેત્રને લગતું શિક્ષણ પ્રદાન કરતી વિવિધ યુનિવર્સિટીઓ સ્થાપિત કરવામાં આવી છે, જે એક યુનિક કોન્સેપ્ટ છે. કુલ 108 યુનિવર્સિટી પૈકી 9થી વધુ સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટી છે, જેમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી, રક્ષાશક્તિ યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, બાયોટેક્નોલૉજી યુનિવર્સિટી, રેલવે યુનિવર્સિટી (વડોદરા), ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટી, ગુજરાત ટેક્નોલૉજીકલ યુનિવર્સિટી (જીટીયુ), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE), ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી વગેરેનો સમાવેશ થાય છે.
*કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી: સ્મોલ કેટેગરીના ડ્રોન બનાવવાનું “ટાઈપ સર્ટીફિકેટ” મેળવનાર દેશની એકમાત્ર સરકારી યુનિવર્સિટી*
યુવાનોના કૌશલ્યને ધ્યાનમાં રાખીને રોજગારી આપવાના ઉદ્દેશથી ગુજરાતમાં વર્ષ 2021માં કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટી (KSU)ની સ્થાપના કરવામાં આવી છે. આ યુનિવર્સિટી દ્વારા વિક્ટોરિયા યુનિવર્સિટી (ઓસ્ટ્રેલિયા), ફ્લિન્ડર્સ યુનિવર્સિટી (ઓસ્ટ્રેલિયા), ITEES (સિંગાપુર) જેવી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીમાં જાન્યુઆરી 2024થી ડ્રોન એપ્લીકેશનમાં 9 અદ્યતન કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટી રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન લાઇસન્સ મેળવનાર રાજ્યની પ્રથમ અને સ્મોલ કેટેગરીના ડ્રોન બનાવવાનું “ટાઈપ સર્ટીફિકેટ” મેળવનાર દેશની એકમાત્ર સરકારી યુનિવર્સિટી છે.
*ગાંધીનગરમાં છે દેશની એકમાત્ર ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી*
2009માં સ્થપાયેલી ગાંધીનગરમાં સ્થિત ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી બાળકના સર્વાંગી વિકાસ માટે કામ કરતી દેશની એકમાત્ર યુનિવર્સિટી છે. તેના નિર્માણમાં અજન્મા શિશુથી વર્ષના તરુણના સર્વાંગી શિક્ષણની સંકલ્પના છે. યુનિવર્સિટીમાં ગર્ભવિજ્ઞાન અને ગર્ભ સંસ્કાર, જન્મથી ત્રણ વર્ષનાં બાળકોની માતાઓ માટે ‘શિશુ પરામર્શન કેન્દ્ર’, ભારતીય જીવનદર્શન અને શિક્ષણ મુજબ શિક્ષણ-વ્યવસ્થા, વ્યક્તિત્વ વિકાસ શિબિરો વગેરેનું આયોજન કરે છે.
*વડોદરામાં દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીની સ્થાપના*
સપ્ટેમ્બર 2018માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરા શહેરને દેશની પ્રથમ રેલવે અને પરિવહન યુનિવર્સિટી (નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ)ની ભેટ આપી હતી. આ પ્રકારની યુનિવર્સિટી સ્થાપનાનો પ્રેરણાદાયી વિચાર નવા ભારતની દિશામાં રેલવે અને પરિવહન ક્ષેત્રમાં ફેરફાર માટે નિમિત બનશે. 3000 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી આ યુનિવર્સિટીમાં વિવિધ અભ્યાસક્રમો માટે વિવિધ ભવનો-કોલેજો, રેલ કર્મીઓને આધુનિક તાલીમ મળે તે માટે તાલીમ સેન્ટર અને વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલની સુવિધાઓ છે.
*રાજ્યમાં છે દેશની એકમાત્ર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી*
રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે અને આ ક્ષેત્રે પણ શૈક્ષણિક તકોનો વ્યાપ વધે તે માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2009માં રાજ્યમાં રક્ષા શક્તિ યુનિવર્સિટી (હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી-આરઆરયુ) ની સ્થાપના કરી હતી. નોંધનીય છે કે, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરતી ગુજરાતની આ શૈક્ષણિક સંસ્થાને રાષ્ટ્રીય દરજ્જો
અપાયો છે. આ દેશની એકમાત્ર રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી છે.
*વૈશ્વિક શિક્ષણનું કેન્દ્ર બનવા તરફ ગુજરાતની આગેકૂચ*
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા બે દાયકામાં ગુજરાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. ગુજરાતના યુવાનોને રોજગાર આપીને, તેમને કૌશલ્ય પ્રદાન કરીને અને તેમને સન્માન આપીને એક નવીન દ્રષ્ટિકોણ સાથે રાજ્ય સરકારે રાજ્યની વિકાસયાત્રાને આગળ વધારી છે. 7 ઓક્ટોબરે રાજ્ય સરકાર વિકાસ સપ્તાહ અંતર્ગત યુવા સશક્તિકરણ દિવસ મનાવી રહી છે, ત્યારે આ દિવસ એ સૂચવે છે કે ગુજરાત આજે વૈશ્વિક શિક્ષણનું કેન્દ્ર બનાવવા અને યુવાશક્તિને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવા માટે પ્રતિબદ્ધ છે.