Western Times News

Gujarati News

વૃદ્ધોને ભોળવીને સોનું ઓગાળી લેતી ગેંગના ત્રણ શખ્સો ઝડપાયા

AI Image

વિમ લિક્વિડ વેચવાના બહાને ઘરોમાં પ્રવેશતાં, ગાંધીનગર પોલીસે પાસા હેઠળ અટકાયત કરીને કચ્છની પાલારા જેલમાં ધકેલ્યા

ગાંધીનગર, ગાંધીનગરમાં વિમ લીકવીડ વેચવાના બહાને દાગીના ચમકાવી આપવાનો વિશ્વાસ કેળવી વૃદ્ધોને છેતરીને તેમનું સોનું ઓગાળી લેતી એક આંતરરાજય ગેંગના ત્રણ સભ્યોની ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચે પાસા હેઠળ અટકાયત કરીને ભુજ કચ્છની પાલારા જેલમાં ધકેલી દીધા છે.

ગાંધીનગરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા અસામાજિક તત્વો વિરુદ્ધ પાસા પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ (પાસા) હેઠળ કડક કાર્યવાહી કરવા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ લોકલ ક્રાઈમબ્રાંચને સૂચના આપવામાં આવી હતી. જે અન્વ્યે ગાંધીનગરમાં વૃદ્ધોને છેતરીને તેમનું સોનું ઓગાળી લેતી એક આંતરરાજય ગેંગના ત્રણ શખ્સોની પાસા એક્ટ હેઠળ અટકાયત કરી લેવાઈ છે.

પકડાયેલા આરોપીઓમાં જીતેન્દ્રકુમાર ગીરો ભેરૂ મંડલ (રહે. હરિનકોલ, જિ. પુર્ણિયા, બિહાર), પંકજ ગીરો ભેરૂ મંડલ (રહે. હરિનકોલ, જિ. પૂર્ણિયા, બિહાર) અમિત ભાગવત સંતન મંડલ (રહે. ગોવિંદપુર કોસલી મહોલ્લો, જિ. ભાગલપુર, બિહાર)નો સમાવેશ થાય છે.

આ અંગે ક્રાઈમબ્રાંચના પીઆઈ ડી.બી. વાળાએ કહ્યું કે, આરોપીઓની ગુનાહિત મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો આ ત્રણેય ઈસમો ગાંધીનગર શહેરના જુદા-જુદા સેકટરોમાં જતા અને પોતાને ‘વિમ લિÂક્વડ’ કંપનીના સેલ્સમેન તરીકે ઓળખ આપતા હતા તેઓ નવી પ્રોડકટનો ડેમો બતાવવાના બહાને લોકોના ઘરોમાં પ્રવેશતા હતા.

પ્રથમ તેઓ જુના વાસણો લેતા અને પોતાની પાસે રહેલ વિમ લિÂક્વડ અને ઘેરૂ વડે ઘસીને તેને નવા જેવા ચમકદાર બનાવી દેતા હતા. જેનાથી ભોગ બનનાર વ્યક્તિનો વિશ્વાસ કેળવાતો હતો એકવાર વિશ્વાસ બેસી ગયા બાદ તેઓ ભોગ બનનાર વૃદ્ધ વ્યક્તિને કહેતાં ેક જો તમે સોનાના દાગીના આપશો તો તે પણ આ રીતે નવા જેવા ચમકદાર બનાવી દેશે.

બાદમાં વૃદ્ધો પાસેથી સોનાની બંગડીઓ કે અન્ય દાગીના લઈ તેને સાફ કરવાના બહાને પોતાની પાસે રહેલ લિÂક્વડ અને એસિડ વડે સોનું ઓગાળીને ચોરી લેતા હતા. આ ચોરી કરેલું સોનું પ્રવાહી સ્વરૂપે તેઓ બિહાર લઈ જઈને વેચી દેતા હતા જેમના વિરુધ્ધ સેકટર-૭ પોલીસ સ્ટેશનમાં કુલ-૩ ગુનાઓ નોંધાયેલા છે.

આ આરોપીઓ વિરુદ્ધ સચોટ પાસા દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ ગાંધીનગરને મોકલી આપવામાં આવી હતી જેમના ગુનાહિત ઈતિહાસને ધ્યાનમાં લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ ધ્વારા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પાસા અટકાયતી વોરંટ ઈશ્યુ કર્યું હતું. જે અન્વયે ત્રણેય આરોપીઓની અટકાયત કરી પાલારા ખાસ જેલ, ખાવડા રોડ, ભુજ-કચ્છ ખાતે ધકેલી દેવાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.