અમેરિકાની સૌથી મોટી ફાર્મા. કંપની ભારતમાં 8800 કરોડનું રોકાણ કરશે

ભારતમાં રોકાણ કરશે ૧૪૦ વર્ષ જૂની ફાર્મા કંપની
નવી દિલ્હી, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર પર ૧૦૦ ટકા ટેરિફ લાદવાની ધમકીની સીધી અસર જોવા મળી રહી છે. અમેરિકાની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંની એક એલી લિલીએ ભારતમાં એક બિલિયન ડૉલર (આશરે ૮,૮૦૦ કરોડ રૂપિયા)નું જંગી રોકાણ કરવાની જાહેરાત કરી છે.
અમેરિકન કંપનીઓ દેશ છોડીને વિદેશમાં રોકાણ કરી રહી છે, જેનો સીધો લાભ ભારતને મળી શકે છે. એલી લિલીનું આ પગલું ‘મેક ઇન ઇન્ડિયા’ ઝુંબેશને મોટો વેગ આપશે.
કંપનીનું આ રોકાણ આગામી થોડા વર્ષોમાં નવા મેન્યુફેક્ચરિંગ યુનિટ અને ક્વોલિટી ફેસિલિટી માટે કરવામાં આવશે. કંપનીએ જાહેરાત કરી કે હૈદરાબાદમાં એક નવી ઉત્પાદન અને ગુણવત્તા સુવિધા સ્થાપિત કરશે. આ હબ સમગ્ર ભારતમાં એલી લિલીના કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ નેટવર્કનું નિરીક્ષણ કરશે.
એલી લિલીના જણાવ્યાનુસાર,આ રોકાણ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગને મજબૂત બનાવશે અને વિશ્વભરના દર્દીઓ માટે સ્થૂળતા, ડાયાબિટીસ, અલ્ઝાઇમર, કેન્સર અને ઓટોઇમ્યુન બિમારી માટે દવાઓ પહોંચાડવામાં મદદ કરશે.
ભારતમાં રોકાણ કરવાનો એલી લિલીનો નિર્ણય દેશની કુશળ પ્રતિભા, મજબૂત માળખાગત સુવિધાઓ અને વ્યવસાય-મૈત્રીપૂર્ણ સરકારી નીતિઓમાં તેના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. ૧૪૦ વર્ષ જૂની અને ૭૯૫ બિલિયન ડૉલર ( ૭૦ લાખ કરોડ રૂપિયા)થી વધુ માર્કેટ કેપ ધરાવતી આ કંપની ભારતને તેના વૈશ્વિક આરોગ્યસંભાળ નેટવર્ક માટે એક મુખ્ય કેન્દ્ર બનાવવા માંગે છે.