પવન સિંહ બાદ હવે મૈથિલી ઠાકુર પણ ચૂંટણી લડે તેવી અટકળો

ભાજપ તેને વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ આપવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલ છે
પટના, બિહારની લોકપ્રિય ગાયિકા મૈથિલી ઠાકુર રાજકારણમાં પ્રવેશ કરી રહી હોવાની અટકળો વહેતી થઈ છે. ભાજપ તેને વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ આપવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલ છે. બિહારના ભાજપના પ્રભારી વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે મૈથિલી ઠાકુર સાથે મુલાકાતની તસવીર અને તાવડેના નિવેદને આ અટકળો પર જોર મૂક્્યું છે.
મધુબની જિલ્લાના બેનીપટ્ટીમાં રહેતી મૈથિલી ઠાકુર આ વર્ષે જુલાઈમાં જ ૨૫ વર્ષની થઈ છે અને તે ચૂંટણી લડવા લાયક છે. ૨૦૧૧માં માત્ર ૧૧ વર્ષની વયે મૈથિલી ઝીટીવીના સારેગામાપા લિટલ ચેમ્સ કાર્યક્રમથી ફેમસ થઈ હતી. તે ત્યારથી ફિલ્મ, ભજન અને લોક ગીતો ગાઈ ચાહકોને મંત્રમુગ્ધ કરી રહી છે. ચૂંટણી પંચે ૨૦૨૪માં લોકસભા ચૂંટણીમાં મૈથિલી ઠાકુરને જન જાગૃત્તિ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હતી.
વિનોદ તાવડેએ Âટ્વટ કરતાં તેની ચૂંટણી લડવાના સંકેતોને વધુ પ્રબળ બનાવ્યા છે. તેની મુલાકાત સાથેની તસવીર પોસ્ટ કરતાં તાવડેએ લખ્યું કે, વર્ષ ૧૯૯૫માં બિહારમાં લાલુ રાજના કારણે જે પરિવાર બિહાર છોડીને જતોં રહ્યો, તે પરિવારની દિકરી સુપ્રસિદ્ધ ગાયિકા મૈથિલી ઠાકુર બિહારની બદલાતા વિકાસને જોઈ ફરીથી બિહાર આવવા માગે છે.
આજે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય અને તે તેને આગ્રહ કર્યો હતો કે, બિહારની જનતા માટે અને બિહારના વિકાસ માટે તેનું યોગદાન બિહારના સામાન્ય માણસને અપેક્ષિત છે. તે લોકોની અપેક્ષા પૂરી કરે. બિહારની દિકરી મૈથિલી ઠાકુરજીને અનંત શુભકામનાઓ…
વિનોદ તાવડેની આ Âટ્વટથી રાજકારણમાં અટકળો વહેતી થઈ છે કે, શું મૈથિલી રાજકારણમાં પ્રવેશ કરવા જઈ રહી છે. જો તે ભાજપ તરફથી ચૂંટણી લડશે તો કંઈ બેઠક પર ઉમેદવારી નોંધાવશે? ઉલ્લેખનીય છે કે, મૈથિલી બેનીપટ્ટીની રહેવાસી હોવાથી ત્યાંથી ચૂંટણી લડી શકે છે. હાલ બેનીપટ્ટીમાંથી ભાજપના દિગ્ગજ નેતા વિનોદ નારાયણ જ્હાં ધારાસભ્ય છે.
૬૮ વર્ષીય વિનોદ નારાયણ વરિષ્ઠ થયા હોવાથી તેમના સ્થાને મૈથિલીને ટિકિટ આપી શકે છે. જો કે, ભાજપમાં હજી પણ વિનોદ નારાયણ કરતાં પણ વધુ ઉંમરલાયક નેતાઓ કાર્યરત છે. બે વાર ધારાસભ્ય અને એક વખત વિધાન પાર્ષદ રહી ચૂકેલા વિનોદ નારાયણ જ્હાંનું પત્તું નહીં કપાય તો મૈથિલીની બેઠક મુદ્દે સસ્પેન્સ વધી જશે.