સરકાર ટેન્ડરમાં બંધારણીય ગેરંટીનો ભંગ કરતી શરતો ના રાખી શકેઃ સુપ્રીમ

નવી દિલ્હી, ટેન્ડર પ્રક્રિયામાં શરતો નક્કી કરતી વખતે બંધારણીય ગેરંટીનો ભંગ કરતી હોય તેવી જોગવાઈ રાખવાની સરકારને સત્તા ન હોવાનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. ટેન્ડર પ્રક્રિયામાં આઉટસાઈડર માટે કોઈ કારણ વગર દરવાજા બંધ રાખવાના છત્તીસગઢ સરકારના નિર્ણયને પણ કોર્ટે આ સાથે અયોગ્ય ઠેરવ્યો હતો.
જસ્ટિસ સંજય કુમાર અને આલોક અરાદેની બેન્ચે છત્તીસગઢ સરકારે ઈશ્યૂ કરેલા ટેન્ડરને રદ ઠેરવ્યું હતું, જેમાં સરકારી પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સ્પોટ્ર્સ કિટ્સ સપ્લાય કરવા માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
બેન્ચે નોંધ્યુ હતું કે, ટેન્ડરની શરતો નક્કી કરવાની સ્વતંત્રતા રાજ્ય સરકાર પાસે છે, પરંતુ પોતાની આ સત્તાના ઉપયોગ થકી બંધારણીય ગેરંટીનો ભંગ કરવાની સરકારને સત્તા નથી. સમાન સ્તરે સ્પર્ધાના સિદ્ધાંતનું પાલન થવું જોઈએ અને દરેક માટે સ્પર્ધાના ધોરણ સમાન હોવા જોઈએ. સુપ્રીમ કોર્ટે જણાવ્યુ હતું કે, વિવાદી ટેન્ડર નોટિસમાં જણાવાયેલા લાયકાતના ધોરણો તાર્કિક-બૌદ્ધિક રીતે યોગ્ય હોવા જોઈએ.
આ સાથે શાળાના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ કિંમતે ગુણવત્તાયુક્ત સ્પોટ્ર્સ કિટ્સ ખરીદવાનો હેતુ પણ સિદ્ધ થવો જોઈએ. તેથી રાજ્ય સરકારે શ્રેષ્ઠ કિંમત મળે અને વ્યાપક ભાગીદારી આવે તે રીતે ટેન્ડરમાં લાયકાતના ધોરણો નક્કી કરવા જોઈએ. આ પ્રકારની જોગવાઈ સરકારી તિજોરી માટે પણ લાભદાયી રહેશે. વેપાર-ધંધામાં દરેક સ્પર્ધકને સમાન તક મળવી જોઈએ.SS1MS