તલોદમાં નકલી ચલણી નોટો છાપતા પિતા-પુત્ર ઝડપાયા

હિંમતનગર, સાબરકાંઠા જિલ્લા એસઓજીએ તલોદ શહેરની કબીર ટેકરીની બાજુમાં રહેતા એક પિતા-પુત્રને નકલી ચલણી નોટો છાપવાના મશીન સાથે ઝડપી લીધા હતા.
પિતા-પુત્ર પાસેથી ૨૦૦ના દરની ૨૧૦ નકલી નોટો જપ્ત કરી પુછપરછ હાથ ધરતાં નકલી નોટો છાપવાના આ કૌભાંડમાં અન્ય બે જણા પણ સામેલ હોવાનું જણાવતાં પોલીસે ૪ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠા એસઓજીને બાતમી મળી હતી કે તલોદ કબીર ટેકરી સ્મશાનની બાજુમાં આવેલા એક મકાનમાં નકલી નોટો છાપવામાં આવી રહી છે. એ બાતમીના આધારે કુલદીપસિંહ રાજપુતના ઘરે દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પોલીસને કુલદીપસિંહ રાજપુત અને અજયસિંહ રાજપુત મળી આવ્યા હતા અને તેમની ઝડતી દરમિયાન મકાનમાંથી રૂ. ૨૦૦ના ચલણની ૨૧૦ નોટ અંદાજે ૪૨ હજારની નકલી નોટો મળી આવી હતી.
પોલીસે તેમની પુછપરછ કરતા આ નકલી નોટોને બજારમાં ખરા તરીકે જીગરસિંહ ચૌહાણ અને હાર્દિકસિંહ ચૌહાણ દ્વારા ફરતી કરવામાં આવતી હતી. પોલીસે રૂ. ૧૮ હજારની કિંમતનું કલર પ્રિન્ટર, ૩૦ હજારનું લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યાે હતો.SS1MS