પદ્મશ્રી ડૉ. ગણપત પટેલની સાફલ્યગાથા: સામાન્ય શરૂઆતથી એક ઉદ્યોગપતિ અને શિક્ષણ ક્ષેત્રના એક દિશાદર્શક નેતા તરીકેની સફર

ગણપત યુનિવર્સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના આયોજનથી પદ્મશ્રી ડૉ. ગણપત પટેલનો સમૃદ્ધ વારસો ઉજાગર થશે
ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના ભુણાવ ગામમાં એક સામાન્ય શરૂઆતથી કેલિફોર્નિયામાં અભ્યાસ સુધીનો ડૉ. ગણપત પટેલની સાફલ્યગાથા પ્રેરણાદાયક છે. પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડૉ. ગણપત પટેલે શિક્ષણ ક્ષેત્રમાં તેમના સ્વપ્નને સાકાર કરવા માટે ‘ગણપત યુનિવર્સિટી’ની સ્થાપના કરી. તેઓ એક વિઝનરી નેતા છે જેઓ તેમના યોગદાનથી સમાજને સશક્ત બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે.
ગણપત યુનિવર્સિટીમાં VGRCનું આયોજન –મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) ઉત્તર ગુજરાતનું આયોજન કરવામાં આવશે. ગણપત યુનિવર્સિટી નવીનતાનું એક પ્રતિષ્ઠિત કેન્દ્ર છે. આ બે દિવસીય કોન્ફરન્સમાં ઉદ્યોગ તેમજ શિક્ષણ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો એકસાથે આવશે અને સેમિનાર અને પેનલ ચર્ચાઓના માધ્યમથી તેમના વિચારો રજૂ કરશે.
ઉત્કૃષ્ટતાની સફર –12 જાન્યુઆરી, 1945ના રોજ મહેસાણાના ભુણાવ ગામમાં જન્મેલા ડૉ. પટેલે ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણની શરૂઆત કરી. ત્યારબાદ અમદાવાદની એમ.જી. સાયન્સ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે એન્જિનિયરિંગના અભ્યાસ માટે અમેરિકા પ્રસ્થાન કર્યું. ત્યાં તેમણે આઈઓવા સ્ટેટ યુનિવર્સિટી અને ત્યારબાદ કેલિફોર્નિયાની પોલિટેક્નિક યુનિવર્સિટી, પોમોના ખાતે ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગનો અભ્યાસ 1969માં પૂર્ણ કર્યો.
ડૉ. પટેલને મળેલા સન્માન અને તેમના મૂલ્યો –શિક્ષણ અને સમાજ માટે તેમના યોગદાનનું સન્માન કરતા ભારત સરકારે તેમને 2019માં સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા છે. તે સિવાય તેમને અમેરિકાની ‘અમેરિકન સોસાયટી ઓફ એન્જિનિયર્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન’ દ્વારા લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ અને કાલ પોલી યુનિવર્સિટી, પોમોઆ દ્વારા વર્ષ 2018માં ડિસ્ટિંગ્વિશ્ડ એલ્યુમ્નસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
ડૉ. પટેલે ડિઝાઇન એન્જિનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને અમેરિકાની અગ્રણી કંપનીઓ સાથે કામ કર્યું, જેમાં યુએસ એવિએશન ઇન્ડસ્ટ્રી,લોકહીડ (અઝુઝા), કલ્વર સિટીમાં એબોટ ટ્રાન્ઝિસ્ટર લેબ અને જાણીતી કમ્પ્યુટર સિસ્ટમ ઉત્પાદક કંપની બરોઝ કોર્પોરેશનનો સમાવેશ થાય છે. જોકે તેમનું સપનું ઉદ્યોગસાહસિક બનવાનું
હતું. 1978માં, તેમણે ચેરોકી ઇન્ટરનેશનલની સ્થાપના કરી, જે એક સફળ વૈશ્વિક કંપની બની. બાદમાં તેમણે 2004માં તે કંપનીને જનરલ ઇલેક્ટ્રિક (GE) ને વેચી દીધી. શિક્ષણના સ્વપ્નને સાકાર કરવા માટેતેમણે 2005 માં “ગણપત યુનિવર્સિટી” ની સ્થાપના કરી જેથી યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકે અને સામાજિક પરિવર્તન લાવી શકાય.
આજે, ગણપત યુનિવર્સિટી તેમના વિઝન અને સમર્પણનું પ્રતીક બનીને ઉભી છે. 300 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા આ કેમ્પસમાં આધુનિક પ્રયોગશાળાઓ, નવીનતા કેન્દ્રો, ડિજિટલ વર્ગખંડો અને પર્યાવરણને અનુકૂળ માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ છે. ગુજરાત સરકારે તેને શ્રેષ્ઠતા કેન્દ્ર (સેન્ટર ઓફ એક્સલન્સ) તરીકે માન્યતા આપી છે, જ્યારે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિએશન કાઉન્સિલ (NAAC) તરફથી “A” ગ્રેડ અને QS I-GAUGE તરફથી ડાયમંડ રેટિંગ પણ મેળવ્યું છે.
ગણપત યુનિવર્સિટી માનનીય વડાપ્રધાનશ્રીના “વિકસિત ભારત @2047″ ના વિઝન અને ગુજરાત સરકારના જ્ઞાન આધારિત, વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અર્થતંત્ર બનાવવાના ધ્યેયને સમર્થન આપે છે. આજના ઉદ્યોગો માટે તાલીમ અને નવી કુશળતા પૂરી પાડવા માટે વિવિધ સેક્ટર સ્કીલ કાઉન્સિલ અને NSDC ઇન્ટરનેશનલ સાથે યુનિવર્સિટી નજીકથી જોડાઇને કાર્ય કરી રહી છે. ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, એલાન્ફોચિપ્સ, ટીસીએસ, બોશ રેક્સરોથ, બજાજ ઓટો અને એમક્યોર ફાર્મા જેવી કંપની સાથે યુનિવર્સિટીએ ગહન ભાગીદારી કરી છે જેના લીધે વિદ્યાર્થીઓને ઉદ્યોગો સંબંધિત વાસ્તવિક અનુભવ મેળવવામાં મદદ મળે છે.
ગણપત યુનિવર્સિટી ગુજરાતની એકમાત્ર સંસ્થા છે જે મરીન એન્જિનિયરિંગમાં બી.ટેક અને નોટિકલ સાયન્સમાં બી.એસસી જેવા મેરીટાઇમ પ્રોગ્રામ્સ ઓફર કરે છે. તેમાં એક અનોખું શિપ-ઇન-કેમ્પસ અને 360° નેવિગેશન સિમ્યુલેશન સેન્ટર છે, જેને ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ તરફથી A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે.
આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં શિક્ષણ અને ઉદ્યોગસાહસિકતા પ્રત્યે ડૉ. ગણપત પટેલના જીવનભરના સમર્પણને ફરી એકવાર ઉજાગર કરવામાં આવશે. ગણપત યુનિવર્સિટીના આંગણે જ્યારે આ ભવ્ય આયોજન થયું છે ત્યારે ડૉ. પટેલની સાફલ્યગાથા સૌના માટે પ્રેરણારૂપ બનશે.