ગુજરાતમાં યોજાયેલી મધ્યસ્થીકરણ ઝુંબેશમાં ૩ મહિનામાં ૪૦ હજારથી વધુ કેસ મધ્યસ્થીકરણ માટે મુકાયા

‘મીડિયેશન ફોર ધ નેશન‘ ડ્રાઇવમાં ગુજરાતમાં ૯૦ દિવસમાં ૪૦૪૫૫ કેસ સમાધાન માટે રિફર કરાયાં અને ૧૯૭૨ કેસોનું સુખદ સમાધાન આવ્યું
તારીખ ૦૧ જુલાઈ, ૨૦૨૫ના રોજથી તારીખ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન નાલસા તથા MCPC (મીડિયેશન એન્ડ કન્સિલિયેશન પ્રોજેક્ટ કમિટી) દ્વારા ‘મીડિયેશન ફોર ધ નેશન’ અન્વયે ૯૦ દિવસની મીડિયેશન ડ્રાઇવ (મધ્યસ્થીકરણ ઝુંબેશ) શરૂ કરવામાં આવી હતી.
જેમાં સમગ્ર રાજ્યની તાલુકા કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ તથા હાઇકોર્ટના પડતર કેસોમાં મધ્યસ્થીકરણ કરાવી સુખદ સમાધાન લાવવાના પ્રયત્નો કરવામાં આવેલ છે.
જે અંતર્ગત લાગુ પડતા કેસોમાં વધુમાં વધુ સુખદ સમાધાન થાય તે હેતુથી નામદાર કોર્ટમાંથી કેસોને મીડિયેશનમાં રિફર કરવાના પ્રયત્ન કરવામાં આવેલ છે.
જેમાં, ઘરેલુ હિંસાના કેસો, ચેક બાઉન્સના કેસો, કોમર્શિયલ વિવાદના કેસો, સર્વિસ મેટર, સમાધાન લાયક ફોજદારી કેસો, ગ્રાહક તકરારના કેસો, પાર્ટીશનના દાવાઓ, જમીન સંપાદનના કેસો અને બીજા અન્ય સિવિલ દાવાઓ જેમાં સુખદ રીતે સમાધાન થાય અને કેસ સંપૂર્ણપણે પૂર્ણ થાય તે તમામ કેસો મધ્યસ્થીકરણમાં મુકાવવાના પ્રયત્નો કરવામાં આવેલ છે.
નામદાર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ-શ્રી બી. આર. ગવાઈ તથા ન્યાયમૂર્તિ શ્રી સૂર્યકાંત, કારોબારી અધ્યક્ષ, નાલસાના માર્ગદર્શન હેઠળ આ કેસોનો ત્વરિત નિકાલ થાય તે હેતુથી આ અભિયાન યોજવામાં આવ્યું હતું.
જે અંતર્ગત ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી તેમજ મીડિયેશન મોનીટરીંગ કમિટીના નેતૃત્વ હેઠળ, ‘મીડિયેશન ફોર ધ નેશન’ અન્વયે ૯૦ દિવસની મીડિયેશન ડ્રાઇવ (મધ્યસ્થીકરણ ઝુંબેશ) ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક યોજેલ છે.
આ મીડિયેશન ડ્રાઇવમાં કુલ ૪૦,૪૫૫ કેસો સમાધાન માટે રિફર કરવામાં આવ્યાં છે, જે પૈકી ૧૪,૮૮૮ કેસમાં મીડિયેશનની પ્રક્રિયા ચાલુ છે, તેમજ ૧,૯૭૨ કેસોનું સુ:ખદ સમાધાન થયેલ છે, તેવું ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.