અમદાવાદ અને સુરેન્દ્રનગરની પેઢી પર કફ સિરપ મામલે તાત્કાલિક અસરથી ઉત્પાદન બંધ કરવા આદેશ અપાયો

‘નોટ ઑફ સ્ટાન્ડર્ડ‘ જાહેર થયેલી કફ સિરપ દવાઓનું ઉત્પાદન કરતી ગુજરાતની પેઢીઓ સામે રાજ્ય સરકારના કડક પગલા
સુરેન્દ્રનગરની મે. શેપ ફાર્મા પ્રા. લિ. તેમજ અમદાવાદની મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ.માં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને CDSCOની સઘન તપાસ
:: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ ::
Ø તપાસ અહેવાલમાં દેખાયેલી ક્ષતિઓના આધારે બંને પેઢીઓને તાત્કાલિક અસરથી દવાનું ઉત્પાદન બંધ કરવા આદેશ અપાયો
Ø બંને પેઢીઓને NSQ દવાઓનો જથ્થો તાત્કાલિક ધોરણે બજારમાંથી પાછો ખેંચવા માટે પણ કડક આદેશ આપવામાં આવ્યા
Ø સાવચેતીના ભાગરૂપે બંને પેઢીમાંથી અન્ય કફ સિરપના કુલ ૧૪ નમૂનાઓ લઇ તેને વધુ ચકાસણી અર્થે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા
Ahmedabad, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ બાળકોના ઉપયોગમાં લેવાતી કેટલીક કફ સિરપ દવાઓ ‘નોટ ઑફ સ્ટાન્ડર્ડ‘ (Not of Standard Quality – NSQ) જાહેર કરવામાં આવી છે. જેના પગલે ગુજરાતમાં પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આવી કફ સિરપ દવાઓ બનાવતી પેઢીઓની સઘન તપાસ કરીને અને રાજ્યવ્યાપી પગલાં લેવામાં આવી રહ્યાં છે.
ગુજરાતમાં લાઇસન્સ ધરાવતી કુલ ૬૨૪ ઓરલ લિક્વિડ દવા બનાવતી કંપની સ્થિત છે. જે તેમના ઉત્પાદનોનો પુરવઠો રાજ્યની અંદરના અધિકૃત વિતરણકારો મારફતે તેમજ રાજ્ય બહારના વિસ્તારોમાં પણ સપ્લાય કરે છે.
મંત્રી શ્રી પટેલે કહ્યું હતું કે, તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આવેલી મે. શેપ ફાર્મા પ્રા. લિ. તેમજ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલી મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ. દ્વારા ઉત્પાદિત કફ સિરપના નમૂનાઓ ‘નોટ ઑફ સ્ટાન્ડર્ડ‘ જાહેર થયા હતા. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનના ડ્રગ ઇન્સ્પેક્ટરો દ્વારા ગત તા. ૦૩ થી ૦૫ ઓક્ટોબર,૨૦૨૫ દરમિયાન આ બંને પેઢીઓની જોખમ-આધારિત સંયુક્ત તપાસ કરવામાં આવી હતી.
આ સંયુક્ત તપાસના અહેવાલમાં જોવા મળેલી જુદી-જુદી ક્ષતિઓના આધારે સંયુક્ત તપાસ ટીમ દ્વારા મે. શેપ ફાર્મા પ્રા. લિ., સુરેન્દ્રનગર અને મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ., અમદાવાદને તાત્કાલિક અસરથી દવાનું ઉત્પાદન બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ તપાસ દરમિયાન ઉપરોક્ત પેઢીઓમાં “નોટ ઑફ સ્ટાન્ડર્ડ” દવાનો જથ્થો જોવા મળ્યો ન હતો. જોકે, તપાસ ટીમ દ્વારા બંને પેઢીઓને NSQ દવાઓનો જથ્થો તાત્કાલિક ધોરણે બજારમાંથી પાછો ખેંચી લેવા (રીકોલ કરવા) માટે પણ આદેશ કરવામાં આવ્યો છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વધુમાં આરોગ્ય મંત્રીશ્રીએ કહ્યું હતું કે, તપાસ દરમિયાન સાવચેતીના પગલારૂપે મે. શેપ ફાર્મા પ્રા. લિ.માંથી અન્ય કફ સિરપના ૦૩ દવાઓ તેમજ મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ.માંથી અન્ય કફ સિરપના ૧૧ નમૂના લેવામાં આવ્યા છે. આ તમામ ૧૪ નમૂનાઓ વધુ ચકાસણી અર્થે સરકારી પ્રયોગશાળાને મોકલી આપવામાં આવ્યા છે. જેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જન સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્યની તમામ ઓરલ લિક્વિડ ઉત્પાદક પેઢીઓ પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતના નાગરિકોના જન આરોગ્ય અને દર્દી સુરક્ષાના હિતમાં ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા રાજ્યના તમામ મદદનીશ કમિશ્નરોને અસુરક્ષિત કફ સિરપ દવાઓના જોખમથી જનતાનું રક્ષણ કરવા, રાજ્યમાં ઉત્પાદિત તેમજ વિતરણ થતી દવાઓની ગુણવત્તા, સુરક્ષા અને અસરકારકતા સુનિશ્ચિત કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. મદદનીશ કમિશ્નરોને તેમના ક્ષેત્રમાં આવેલી તમામ ઓરલ લિક્વિડ અથવા કફ સિરપ ઉત્પાદક પેઢીઓની સંપૂર્ણ અને કડક તપાસો હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી છે.
આ તપાસ દરમિયાન પાણીની ગુણવત્તા, કાચામાલના સ્ત્રોત, ઉત્પાદન પ્રક્રિયા, ક્વોલિટી કન્ટ્રોલ સિસ્ટમ અને અન્ય મહત્ત્વના મુદ્દાઓની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવશે. તપાસમાં ઓરલ લિક્વિડ અથવા કફ સિરપની અલગ-અલગ બનાવટના ઓછામાં ઓછા પાંચ નમૂના લેવાની અને તે નમૂનાઓની ચકાસણી વડોદરા લેબોરેટરી દ્વારા સત્વરે કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ, ફેક્ટરીથી લઈને રિટેલર સુધીની સપ્લાય ચેઇનમાં આવેલ તમામ નોટ ઑફ સ્ટાન્ડર્ડ (NSQ) જાહેર થયેલી દવાઓનું રીકોલ FDCAના અધિકારીઓની સતત દેખરેખ હેઠળ કરવામાં આવશે, જેથી માર્કેટમાં એક પણ અસુરક્ષિત બેચ ઉપલબ્ધ ન રહે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, જાહેર કરાયેલી નોટ ઑફ સ્ટાન્ડર્ડ કફ સિરપ દવાઓના વેચાણ, પુરવઠા અને વિતરણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ ડિસ્ટ્રીબ્યુટર, હોલસેલર અને રિટેલર ચેનલ પર આ પ્રતિબંધનો કડક અમલ થાય તે માટે સતત નજર રાખવામાં આવી રહી છે. તમામ મદદનીશ કમિશનરોને રીકોલ અને તપાસની કાર્યવાહીનું સતત મોનિટરિંગ રાખી, કાર્યવાહીનો વિગતવાર અહેવાલ સંયુક્ત કમિશ્નર (ડ્રગ્સ) ને નિયમિત રીતે દરરોજ મોકલવાની પણ સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયો દ્વારા FDCA, ગુજરાત દવાઓની ગુણવત્તા નિરીક્ષણ અને ટ્રેસેબિલિટી સિસ્ટમને મજબૂત કરવા પ્રતિબદ્ધ છે.