રાજકોટમાં તા. ૮-૯ જાન્યુ.એ, સુરતમાં તા. ૯-૧૦ એપ્રિલે અને વડોદરામાં તા. ૧૦-૧૧ જૂન ૨૦૨૬ના રોજ રિજનલ કોન્ફરન્સ યોજાશે

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’ની પ્રથમ શૃંખલાનો તા. ૯મી ઓક્ટોબરે મહેસાણાથી કરાવશે શુભારંભ: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત
*રાજ્યના દરેક પ્રદેશની ઔદ્યોગિક – આર્થિક ક્ષમતા અને રોકાણો માટેની સજ્જતાનું પ્લેટફોર્મ ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’ બનશે: ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપ*
*જાપાન, દક્ષિણ કોરિયા, વિયેતનામ અને નેધરલેન્ડ્સ જેવા દેશો તેમજ જેટ્રો, ઇન્ડો કેનેડા બિઝનેસ ચેમ્બર, યુએસઆઈએસપીએફ, વિશ્વ બેંક અને રશિયન ફેડરેશનનું વેપાર પ્રતિનિધિત્વ જેવી સંસ્થાઓ થશે સહભાગી*
● *દરેક પ્રાદેશિક સંમેલનો બે દિવસ યોજાશે : જેમાં વિવિધ સેમિનાર, પ્રદર્શન, પ્રાદેશિક પુરસ્કારો, MoU, B2B-B2G બેઠકો, ખરીદ-વેચાણ બેઠકોનું પ્લેટફોર્મ, વિક્રેતા માર્ગદર્શન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન*
ગાંધીનગર, PM નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની જ્વલંત સફળતાને પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે વધુ એક નવતર પહેલ હાથ ધરીને ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ’ યોજવાનું નક્કી કર્યું છે. આ ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ’ની પ્રથમ શૃંખલાનો મુખ્યમંત્રીશ્રી મહેસાણાથી તા. ૯મી ઓકટોબર, ૨૦૨૫ના રોજ શુભારંભ કરાવશે, તેમ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ’ના આયોજન અંગે ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી. આ પત્રકાર પરિષદમાં ઉદ્યોગ-ખાણ વિભાગના અગ્ર સચિવ શ્રી મમતા વર્મા, iNDEXTbના એમ.ડી. શ્રી કે.સી.સંપત, માહિતી નિયામક શ્રી કે.એલ.બચાણી ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્યોગ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ઉદ્યોગ કમિશનર શ્રી પી.સ્વરૂપે રીજનલ કોન્ફરન્સિસ વિશે વધુ વિગતો આપતા જણાવ્યુ હતું કે, રાજ્યના દરેક પ્રદેશની ઔદ્યોગિક-આર્થિક ક્ષમતા અને રોકાણો માટેની સજ્જતાનું એક અનેરૂ પ્લેટફોર્મ ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ’ બનશે એટલું જ નહીં ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ મેપ પર વાઇબ્રન્ટ સમિટથી ગુજરાતની ઊભી થયેલી આગવી ઈમેજને “વોકલ ફોર લોકલ” થકી વધુ ઉજાગર કરવા આ કાર્યક્રમ પરિણામકારી બનશે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં યોજાયેલી ગત વાઇબ્રન્ટ સમિટની સફળતાને પરિણામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દરેક જિલ્લા, તાલુકા તેમજ ગુજરાતના છેવાડાના માનવીને વાઇબ્રન્ટ ગુજરાત સાથે જોડી શકાય એ માટે ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉત્તર ગુજરાત ઝોનની મહેસાણા ખાતે તા. ૯-૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ, કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનની રાજકોટમાં તા. ૮-૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ, દક્ષિણ ગુજરાત ઝોનની સુરતમાં તા. ૯-૧૦ એપ્રિલ, ૨૦૨૬ના રોજ અને મધ્ય ગુજરાત ઝોનની વડોદરામાં તા. ૧૦-૧૧ જૂન, ૨૦૨૬ના રોજ આ રીજનલ કૉન્ફરન્સ યોજાશે.
કમિશનરશ્રીએ કહ્યું કે, ગુજરાત સરકારે અત્યાર સુધીમાં ૧૦ ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’નું સફળતાપૂર્વક આયોજન કર્યું છે અને ‘વાઇબ્રન્ટ ગુજરાતના ૨૦ વર્ષ સફળતાના સમિટ‘ વિષય પર એક કાર્યક્રમ પણ યોજ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાતના સફળ મોડેલને વધુ અસરકારક બનાવવા માટે રાજય સરકાર હવે રાજ્યભરમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનોનું આયોજન કરી રહી છે. આ પ્રાદેશિક સંમેલનો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાના માપદંડો મુજબ જ યોજાશે. પ્રાદેશિક કક્ષાએ ઉપસ્થિત ઔદ્યોગિક ગૃહોની પ્રતિભાને પ્રદર્શિત કરવા તેમજ સ્થાનિક ઔદ્યોગિક વિકાસમાં ઉદ્દીપક બને તે પ્રકારે વિકસિત ભારત@૨૦૪૭ અને વિકસિત ગુજરાત@૨૦૪૭ના વ્યાપક વિઝન સાથે સુગ્રથિત વિકાસ માટે એક અગત્યનું માધ્યમરૂપ બની રહેશે.
વધુમાં, પ્રદેશના દરેક જિલ્લામાં જિલ્લા-સ્તરીય કાર્યક્રમો અને ત્યારબાદ પ્રાદેશિક સંમેલન યોજાશે. પ્રાદેશિક સંમેલનના લગભગ એક બે મહિના પહેલા આયોજિત જિલ્લા સ્તરીય એક દિવસીય કાર્યક્રમો યોજાશે. જેમાં જુદાજુદા હિસ્સેદારો સાથે ચર્ચા-વિચારણા, જિલ્લાના વિશિષ્ટ પડકારોની ઓળખ, શ્રેષ્ઠ બાબતોનું દસ્તાવેજીકરણ અને આગામી પ્રાદેશિક સંમેલન માટેની જરૂરિયાતો નક્કી કરાશે. ઉત્તર ગુજરાતના વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન માટે અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં જિલ્લા-સ્તરીય કાર્યક્રમો પૂર્ણ થઈ ગયા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
કમિશનરશ્રીએ જણાવ્યું કે, પ્રાદેશિક સંમેલનો બે દિવસ યોજાશે, જેમાં જિલ્લા-સ્તરીય જરૂરિયાતો સંદર્ભે રોકાણ સુવિધા, વૈચારિક આદાનપ્રદાન અને નેટવર્કિંગ માટે એક અસરકારક માધ્યમ તરીકે સેવા આપશે. આ સંમેલનો ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સાહસિકો, સરકારી સંસ્થાઓ, વિદેશી વેપારગૃહો, વેપાર અને ઉદ્યોગ સંગઠનો, સ્ટાર્ટઅપ્સ, શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ સહિત, વિવિધ હિસ્સેદારોને એક જ પ્લેટફોર્મ પર લાવવા માટેનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત દરેક પ્રાદેશિક સંમેલનમાં ઉદ્ઘાટન અને સમાપન સત્ર, ક્ષેત્ર-વિશિષ્ટ અથવા જિલ્લા-વિશિષ્ટ સેમિનાર, વ્યાપાર પ્રદર્શની, પ્રાદેશિક પુરસ્કારો, MoU પર હસ્તાક્ષર, B2B અને B2G બેઠકો, ખરીદ-વેચાણ બેઠકોનું પ્લેટફોર્મ, વિક્રેતા માર્ગદર્શન કાર્યક્રમ, અગ્રણી પ્રવાસન સ્થળો તેમજ સ્થાનિક ઔદ્યોગિક ક્લસ્ટરોની પર્યટન મુલાકાતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે.
તેમણે ઉમેર્યું કે, આ પ્રાદેશિક સંમેલનો ફક્ત પ્રાદેશિક સિદ્ધિઓ દર્શાવવા અને નવિન આયામોની જાહેરાત કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે જ નહીં, પરંતુ પ્રાદેશિક અર્થતંત્રોને સશક્ત બનાવીને, શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપીને તેમજ વ્યૂહાત્મક રોકાણોને સરળ બનાવીને ગુજરાતની વિકાસગાથાને આગળ વધારવાની રાજ્ય સરકારની નેમ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તા. ૨૮ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ અમદાવાદમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ પહેલનો સત્તાવાર રીતે પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત નવી દિલ્હીમાં ઉદ્યોગપતિઓ, મિશનના વડાઓ, રાજદ્વારીઓ અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથેની ઇન્ટરેક્શન મીટ પણ યોજી હતી. વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત મહેસાણામાં યોજાનાર કોન્ફરન્સમાં ક્રોસ સેક્ટરલ ફોકસ કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ્સ, MSME, પ્રવાસન અને સંસ્કૃતિનો સમાવેશ કરાયો છે.
*VGRC (ઉત્તર ગુજરાત)* *તા. ૯ ઓક્ટોબર, ૨૦૨૫, ગુરૂવાર*
• ઉદ્ઘાટન સમારોહ
• 21 સેમિનાર
• 2 રાઉન્ડટેબલ કોન્ફરન્સ
• 3 પેનલ ચર્ચાઓ
• વડનગર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ
*તા. ૧૦ ઓક્ટોબર, ૨૦૨૫, શુક્રવાર*
• રીજીનલ MSME કોન્ક્લેવ
• 11 સેમિનાર
• 10 પેનલ ચર્ચાઓ
• વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમ
• સમાપન સત્ર
આ બંને દિવસે ઉદ્યમી મેળો, રિવર્સ બાયર સેલર મીટ અને B2B/B2G મીટિંગનું આયોજન કરવામાં આવશે.
● *પ્રાદેશિક પ્રદર્શન*
તા. ૦૯ થી ૧૩ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન એક્ઝિબિશન હોલ ખાતે સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૬:૦૦ કલાક સુધી પ્રદર્શની યોજાશે. જે તા. ૧૧થી ૧૩ ઓક્ટોબર ૨૦૨૫ સુધી જાહેર ભાગીદારી માટે ખુલ્લું રહેશે. ૧૮,૦૦૦ ચો.મી.ના કુલ વિસ્તારમાં યોજાનાર આ પ્રદર્શનમાં MSME, કુટીર અને ગ્રામીણ ક્ષેત્રો માટે ૧,૦૦૦ ચો.મી.નું પેવેલિયન બનાવાશે.
મુખ્ય વિશેષતાઓમાં રિવર્સ બાયર-સેલર મીટ, પાર્ટનર કન્ટ્રી પેવેલિયન, B2G અને B2B ઝોન, સ્ટાર્ટઅપ સ્ટોલ અને ઉદ્યમી મેળાનો સમાવેશ થાય છે. અન્ય સુવિધાઓમાં વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રીજનલ ફૂડ ફેસ્ટ, ફૂડ કોર્ટ, ODOP અને GI ટેગ ડિસ્પ્લે, સાંસ્કૃતિક પ્રદર્શન, પ્રોડક્ટ લોન્ચ, ફૂડ પ્રદર્શન અને દૈનિક લકી ડ્રો, હેલ્પડેસ્ક, કંટ્રોલ રૂમ અને પોપ-અપ સ્ટેજનો સમાવેશ થાય છે.
● *રિવર્સ બાયર સેલર મીટમાં* (RBSM) કુલ ૪૦ દેશોમાંથી ૩૮ આંતરરાષ્ટ્રીય ખરીદદારો સહભાગી બનશે જેમાં વિવિધ ક્ષેત્રોના દરેક ખરીદનાર માટે તકો ઉપલબ્ધ થશે.
• કૃષિ: ઘઉં, બાજરી, બટાકા, ટામેટાં, સોયાબીન, ચીકુ વગેરે
• મસાલા: જીરું, વરિયાળી, ઇસબગુલ, ધાણા, રાયડો, વગેરે
• ડેરી ઉત્પાદનો: દૂધ, ચીઝ, દૂધ પાવડર, મીઠાઈઓ, માખણ, વગેરે
• ઓટોમોબાઈલ: સ્પેરપાર્ટ્સ અને ઘટકો
• ફૂડ પ્રોસેસિંગ: પીનટ બટર, પોટેટો ચિપ્સ, અને વધુ
● *તા. ૯ અને ૧૦ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન પર્યટન અને ઉદ્યોગ મુલાકાતો*
સવારે ૮:૦૦ કલાકથી આખા દિવસના પર્યટન પ્રવાસનું આયોજન કરવામાં આવશે.
જેમાં અનંત અનાદી વડનગર ખાતે બૌદ્ધ મઠ, સંગ્રહાલયો, મંદિરો અને સાંસ્કૃતિક પ્રદર્શનો, અંબાજીમાં આધ્યાત્મિક પ્રવાસ (અંબાજી મંદિર અને ગબ્બર હિલ), ગુજરાતમાં બુદ્ધનો વારસો (તારંગા ગુફાઓ અને પુરાતત્વીય સ્થળો), પ્રકાશથી ઊંડાણ સુધી: મંદિર અને વાવ (રાણી-કી-વાવ, પટોલા સંગ્રહાલય, મોઢેરા સૂર્ય મંદિર) અને લાઇન ઓફ ડ્યુટી: નડાબેટ ખાતે એક દિવસ (ભારત-પાકિસ્તાન સરહદ પર આકર્ષણો, સંગ્રહાલયો અને રીટ્રીટ પરેડ) સમાવેશ કરવામાં આવશે.
સવારે ૯:૦૦ કલાકથી અડધા દિવસના પ્રવાસો શરૂ થશે, જેમાં સાંસ્કૃતિક અને વારસાના અનુભવો દર્શાવવામાં આવશે જેમ કે રાણી કી વાવ અને પટોલા મ્યુઝિયમ, મોઢેરા સૂર્ય મંદિર, લાઇટ એન્ડ સાઉન્ડ શો, સિદ્ધપુર, સોલવોક (ધાર્મિક વિધિઓ અને વારસા સ્થળો) અને પૃથ્વીના પડઘા (બાલાસિનોર ડાયનાસોર પાર્ક અને મ્યુઝિયમ).
ઔદ્યોગિક મુલાકાતોમાં મોઢેરા સૂર્ય મંદિર (અડધો દિવસ), ચારણકા ખાતે ગુજરાતનો પ્રથમ સૌર પાર્ક અને રાઘનેસડા ખાતે ૭૦૦ મેગાવોટ UMSPP નો સમાવેશ થશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર ઉદ્યોગકારો, સ્ટાર્ટ અપ અને વિદ્યાર્થીઓ કે જેઓ પોતાનો ધંધો શરૂ કરવા માંગતા હોય એ લોકોને ઉદ્યોગ અંગેનું પ્રેક્ટીકલ જ્ઞાન મળી રહે તે હેતુથી ઔદ્યોગિક એકમોની સ્થળ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્થળ મુલાકાત દરમિયાન ડેલિગેટ્સને જે તે ઉદ્યોગ ગૃહમાં ઉત્પાદન પ્રોસેસ, કાચા માલની ઉપલબ્ધતા, વેચાણની તકો અંગે જાણકારી આપવામાં આવશે. વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં ભાગ લેનાર ડેલિગેટને નોંધપાત્ર ઉદ્યોગ ગૃહો જેવા કે મારુતિ સુઝુકી, હોન્ડા મોટર્સ, બનાસ ડેરી, દૂધ સાગર ડેરી, સાબર ડેરી, ફણીધર ફુડ પાર્ક જેવા એકમોમાં મુલાકાત કરી ઉદ્યોગને લગતું પ્રેક્ટિકલ જાણકારી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા. ૬ ઑકટોબર સુધી કુલ ૧૩,૨૪૬ રજીસ્ટ્રેશન થયા છે, જેમાં ૨૧૬ આંતરરાષ્ટ્રીય સહિત કુલ ૧૧,૭૩૨ વ્યક્તિગત અને ૩૫ આંતરરાષ્ટ્રીય સહિત ૧૫૧૪ કંપની સહભાગી થનાર છે. આ ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા, વિયેતનામ અને નેધરલેન્ડ્સ (કૃષિ સેમિનાર) જેવા દેશો સહભાગી બનવા પુષ્ટિ આપી છે. તેમજ જેટ્રો, ઇન્ડો કેનેડા બિઝનેસ ચેમ્બર (ICBC), યુએસઆઈ એસપીએફ, વિશ્વ બેંક, રશિયન ફેડરેશનનું વેપાર પ્રતિનિધિત્વ જેવી સંસ્થાઓ પણ સહભાગી બનશે.
આ કોન્ફરન્સમાં રાજદૂતો/ઉચ્ચ કમિશનરોએ પણ ઉપસ્થિત રહેવા સંમતિ આપી છે. જેમાં મહામહિમ શ્રી કેઇચી ઓનો, રાજદૂત, ભારતમાં જાપાન દૂતાવાસ (સહભાગી દેશ), મહામહિમ શ્રી ન્ગ્યુએન થાન હૈ, ભારતમાં સમાજવાદી પ્રજાસત્તાક વિયેતનામના દૂતાવાસના વિશેષ અને પૂર્ણાધિકારી રાજદૂત (સહભાગી દેશ), શ્રી પેટ્રિક જોન રાટા, હાઈ કમિશનર, ભારતમાં ન્યુઝીલેન્ડ હાઈ કમિશન, મહામહિમ સુશ્રી જેક્લીન મુકાંગીરા, ભારતમાં રિપબ્લિક ઓફ રવાંડાના હાઈ કમિશનર, મહામહિમ શ્રી ધરમકુમાર સીરાજ, હાઈ કમિશનર, ભારતમાં સહકારી પ્રજાસત્તાક ગુયાનાના હાઈ કમિશન, મહામહિમ ડો. ઓલેક્ઝાન્ડર પોલિશચુક, રાજદૂત, ભારતમાં યુક્રેન દૂતાવાસનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કેન્દ્રીય, માહિતી અને પ્રસારણ; અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, ઈસરોના ચેરમેન ડૉ. વી. નારાયણન, ચેરમેન, ઈસરો, વિશ્વ બેંક,દક્ષિણ એશિયા ક્ષેત્રના વાઇસ પ્રેસિડેન્ટ, શ્રી જોહાન્સ ઝુટ્ટ, ટોરેન્ટ ગ્રુપના વાઇસ ચેરમેન અને એમડી, શ્રી જીનલ મહેતા, અદાણી સિમેન્ટ લિમિટેડના એમડી, એપીએસ ઈઝેડ અને ચેરમેન, શ્રી કરણ અદાણી, અરવિંદ લિના વાઇસ ચેરમેન, શ્રી કુલીન લાલભાઈ, સેવીના મેનેજિંગ ડિરેક્ટર, શ્રી જક્ષય શાહ, અમૂલના મેનેજિંગ ડિરેક્ટર, શ્રી મનીષ કિરી અને શ્રી ગણપત પટેલ, શ્રી શંકરભાઈ ચૌધરી, જસ્ટિસ બેલા ત્રિવેદી, શ્રીમતી નેહા મહેતા, શ્રી હિતુભાઈ કનોડિયા, શ્રી અસિતકુમાર મોદી અને ડૉ. કરસનભાઈ પટેલ જેવા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે
*અન્ય ત્રણ રીજનલ કોન્ફરન્સના ફોકસ ક્ષેત્રો*
*કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનની કોન્ફરન્સ* તા. ૮-૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે યોજાશે. જેમાં સિરામિક્સ, એન્જિનિયરિંગ, પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ, મત્સ્યઉદ્યોગ, પેટ્રોકેમિકલ્સ, કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા, ખનિજો, ઓફશોર પવન જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
*દક્ષિણ ગુજરાત ઝોનની કોન્ફરન્સ* તા. ૯-૧૦ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સુરત આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને સંમેલન કેન્દ્ર, SGCCI, સુરત ખાતે યોજાશે. જેમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ટેક્ષ્ટાઇલ અને એપેરલ, જેમ્સ અને જ્વેલરી, કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
*મધ્ય ગુજરાત ઝોનની કોન્ફરન્સ* તા.૧૦-૧૧ જૂન ૨૦૨૬ દરમિયાન પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ, વડોદરા ખાતે યોજાશે. જેમાં સેમિકન્ડક્ટર અને ESDM, IT&ITeS, બાયોટેક / બાયોફાર્મા, એરોસ્પેસ અને સંરક્ષણ, ફિનટેક, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ટેક્ષ્ટાઇલ અને એપેરલ, ઓટો અને ઓટો કોમ્પોનેન્ટ્સ, શિક્ષણ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.