ભારત સરકારે કપાસ માટે રૂ. ૮,૦૬૦ પ્રતિ કિવન્ટલ (રૂ. ૧,૬૧૨ પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કર્યો

ટેકાના ભાવે કપાસની ખરીદી સંદર્ભે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(CCI)ના અધિકારીઓ સાથે બેઠક યોજી
*:: ગુજરાતના ખેડૂતોના હિતાર્થે કૃષિ મંત્રીશ્રીએ CCIને કરેલા વિવિધ સૂચનો ::* • ટેકાના ભાવ કરતા કપાસનો બજાર ભાવ ઓછો હોવાથી રાજ્યના મહત્તમ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની કરવા અનુરોધ કર્યો
• વધુમાં વધુ ખેડૂતો ખરીદીનો લાભ લઇ શકે તે માટે જરૂર જણાયે નોંધણીની સમયમર્યાદા વધારવા સૂચન • કપાસની ટેકાના ભાવે ખરીદી સમયે દરેક તાલુકા દીઠ ઓછામાં ઓછા બે ખરીદ કેન્દ્રો રાખવા સૂચના આપી
રાજ્યના વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા રજીસ્ટ્રેશન કરાવવા કૃષિ મંત્રીશ્રીનો અનુરોધ
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આજે ગાંધીનગર ખાતે ભારત સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ના અધિકારીઓ સાથે કપાસની ટેકાના ભાવે ખરીદી સંદર્ભે બેઠક યોજી હતી. આ બેઠકમાં કૃષિ મંત્રીશ્રીએ CCI દ્વારા ટેકાના ભાવે કપાસની કહ્રીડી માટેના આયોજનની સમીક્ષા કરીને જરૂરી સૂચનો કર્યા હતા અને ગુજરાતના ખેડૂતોના વિવિધ પ્રશ્નો પણ રજૂ કર્યા હતા. આ બેઠકમાં સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી સહિત ભારતીય ભારતીય કિસાન સંઘના મહામંત્રી શ્રી આર. કે. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
કૃષિ મંત્રીશ્રીએ બેઠકમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રાજ્યમાં વરસાદ સારો હોવાથી કપાસનું પુષ્કળ વાવેતર થયું છે અને કપાસની પરિસ્થિતિ પણ એકંદરે સારી જોવા મળી છે, જેથી રાજ્યમાં કપાસનું ઉત્પાદન પણ પુષ્કળ થવાની સંભાવના છે. ભારત સરકાર દ્વારા કપાસ માટે રૂ. ૮,૦૬૦ પ્રતિ કિવન્ટલ એટલે કે, રૂ. ૧,૬૧૨ પ્રતિ મણ ટેકનો ભાવ જાહેર કર્યો છે. જેની સામે હાલમાં કપાસનો બજાર ભાવ ટેકાના ભાવની સરખામણીએ રૂ. ૮૦૦ થી રૂ. ૧,૦૦૦ પ્રતિ ક્વિન્ટલ ઓછો છે. આવી સ્થિતિમાં મહત્તમ ખેડૂતો કપાસનું ટેકાના ભાવે વેચાણ કરવા આવવાની સમભાવના હોવાથી ખેડૂતોને કોઇપણ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા કૃષિ મંત્રીશ્રીએ સૂચના આપી હતી.
કપાસની ટેકાના ભાવે ખરીદી સમયે દરેક તાલુકા દીઠ ઓછામાં ઓછા બે ખરીદ કેન્દ્રો રાખવા કૃષિ મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું. ટેકાના ભાવે કપાસના વેચાણ માટે હાલ ખેડૂતોની નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી તા. ૩૧ ઓક્ટોબર સુધી ચાલશે. કપાસના બજાર ભાવ ઓછા હોવાથી ખેડૂતોના રજીસ્ટ્રેશનની તારીખ જરૂર જણાય તો, લંબાવવા માટે પણ મંત્રીશ્રીએ CCIના અધિકારીઓને ભલામણ કરી હતી. આ ઉપરાંત કૃષિ મંત્રીશ્રીએ ખેડૂત પાસેથી તેના જમીન રેકર્ડ મુજબ તથા જિલ્લાની ઉત્પાદકતાને ધ્યાને રાખીને ઉત્પાદિત તમામ કપાસનો જથ્થો ટેકાના ભાવે ખરીદી કરવા માટે જણાવ્યું હતું.
વધુમાં, મંત્રી શ્રી પટેલે CCIના અધિકારીઓને APMC કેન્દ્રો ખાતે હરાજીમાં ઉભા રહીને નિયત ગુણવત્તાના ધારાધોરણ મુજબ સીધી ખરીદી APMC કેન્દ્રો તથા નિયત સેન્ટરો ખાતેથી પણ કરવા સૂચન કર્યું હતું. રાજ્યના જે ખેડૂતોનું ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશન થયું ન હોય, તો પણ તેવા ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી કરવાની જરૂરી અનુમતિ મેળવવા તેમણે CCIના અધિકારીઓને જણાવ્યુ હતું.
કૃષિ મંત્રીશ્રીએ આજે વિશ્વ કપાસ દિવસ નિમિત્તે આ બેઠક યોજીને ખેડૂતોના હિતાર્થે વિવિધ સૂચનો કર્યા હતા અને રાજ્યના વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કર્યો હતો.