Western Times News

Gujarati News

મહિસાગર બ્રિજને કાર્યરત કરવા સરપંચોનું ઉપવાસ આંદોલન

પ્રતિકાત્મક

સમારકામ કરવાનું હોવાથી બે મહિના માટે આ બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવાયો પણ ત્રણ મહિના જેટલો સમય થવા આવ્યા છતાં બ્રિજને શરૂ કરવામાં આવ્યો નથી.

(પ્રતિનિધિ) નડિયાદ, આણંદ પાસે ગંભીરા બ્રિજ તૂટી ગયા બાદ તકેદારીના ભાગરૂપે ખેડા-પંચમહાલને જિલ્લાને જોડતો મહિસાગર નદી પરનો બ્રિજ બંધ કરી દેવાયો હતો.

જે વાતને ત્રણ મહિના જેટલો સમય થવા આવ્યા છતાં બ્રિજને શરૂ કરવામાં ના આવતા આ વિસ્તારના પાંચ ગામના સરપંચોએ તાલુકા પંચાયતની બહાર આમરણાંત ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યુ છે.

તેમજ ભારે સૂત્રોચ્ચાર કરીને પોતાની માંગણીને સત્વરે પુર્ણ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ બ્રિજના કારણે ત્રણ જિલ્લાના ૫૦ હજારથી પણ વધારે પ્રજાજનોને ભારે મુશકેલીનો સામનો કરવો પડે છે.

આણંદ જિલ્લામાં આવેલ ગંભીરા બ્રિજ તૂટી પડ્‌યા બાદ સરકારે જાગીને આખા ગુજરાતમાં આવેલા બ્રિજની મરામત શરૂ કરી છે એટલું જ નહીં બ્રિજનું સમારકામ કરવાના હેતુસર ઘણા બંધ કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને સેવાલિયા પાસેથી પસાર થતો અને ખેડા-પંચમહાલ જિલ્લાને જોડતો મહિસગાર બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો હતો.

સમારકામ કરવાનું હોવાથી બે મહિના માટે આ બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ આ વાતને ત્રણ મહિના ઉપરાંતનો સમય થવા આવ્યો છતાં પણ કોઇ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેના કારણે આ ત્રણેય જિલ્લાના પચાસ હજારથી પણ વધારે પ્રજાજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બ્રિજ બંધ રહેતા ધંધા રોજગાર પર પણ તેની માઠી અસર પડી રહી છે.

વાહન વ્યવહાર જ બંધ થઇ જતા ધંધા રોજગાર પણ પડી ભાંગે તેવી સ્થિતી સર્જા છે. આ બાબતને લઇને પ્રાંત અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી હતી. તેઓએ માત્ર દસ દિવસમાં જ આ બ્રિજ શરૂ થઇ જશે તેવી હૈયાધારણા આપી હતી. પરંતુ આ બ્રિજ શરૂ કરવામાં આવ્યુ ન હતુ. જેથી આ વિસ્તારમાં આવેલા પાંચ ગામના સરપંચો દ્વારા આંદોલનનું શસ્ત્ર ઉગામ્યુ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.