આમોદમાં મહિલાઓએ મુખ્ય અધિકારીની ચેમ્બરમાં માટલા ફોડી આક્રોશ વ્યક્ત કર્યો

આમોદ વોર્ડ નં.૨ ની મહિલાઓ પાણી મુદ્દે રણચંડી બની-મુખ્ય અધિકારી સાથે કોઈ ગેરવર્તણૂક કરી નથી કે કોઈ ધમકી આપી નથી છતાં મહિલાઓને દબાવવા માટે મુખ્ય અધિકારીએ પોલીસને બોલાવી અમને ડરાવવાનો પ્રયાસ કર્યો છે.
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ નગરપાલિકા ખાતે આજ રોજ વોર્ડ નંબર ૨ ની વાટા વિસ્તારની મહિલાઓ પાણી મુદ્દે રણચંડી બની હતી.છેલ્લા ઘણાં સમયથી રજૂઆત કરવા છતાં પાણીના આવતું હોય સ્થાનિક રહિશોમાં પાલિકા તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.
આમોદ નગરપાલિકાના વાર્ડ નંબર ૨ વાટા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી ન મળતું હોય સ્થાનિક મહિલાઓ રોષે ભરાઈ હતી.જેથી આજ રોજ બપોરના સમયે વોર્ડ નંબર ૨ ની મહિલાઓ પાલિકા કચેરીએ માટલા લઈને આવી હતી અને મહિલાઓએ ‘નગરપાલિકા હાય હાય’ તેમજ ‘પાલિકા પ્રમુખ જલ્પા પટેલની હાય હાય’ બોલાવી રોષ વ્યક્ત કર્યો હતો.
પાલિકા કચેરીએ પ્રમુખ હાજર નહીં મળતા રણચંડી બનેલી મહિલાઓએ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકની ચેમ્બરમાં જ ઘેરાવો કરી માટલા ફોડી રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે અનેક વખત રજૂઆત કરવા છતાં અમારા વિસ્તારમાં પાણી આવતું નથી.
અમારા ઘરમાં નહાવા ધોવાનું પણ પાણી નથી. મહિલાઓ સાથે વિસ્તારના પુરુષોએ પણ મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરતા મુખ્ય અધિકારીએ પોલીસ બોલાવતા સ્થાનિક રહીશો વધુ ગુસ્સે ભરાયા હતા.
પોલીસે બધાને ચેમ્બરની બહાર નીકળવાની સૂચના આપતા જ મહિલાઓ એક જૂટ બની મુખ્ય અધિકારીની ચેમ્બર મા જ બેસી ગઈ હતી. અને જણાવ્યું હતું કે અમો અમારી સમસ્યા લઈને રજૂઆત કરવા આવ્યા હતા.