દિવાળી પહેલા કરાતી ઘરની સફાઈ મોંઘી બનીઃ એક ઘરનો સફાઈ ખર્ચ 8 થી 10 હજારની આસપાસ

કેટલીક હાઉસ કિપીંગ કંપનીઓ રૂ.૮ થી ૧૦ હજારની આસપાસ એક ઘર સફાઈ કરવાનો ચાર્જ લે છે મોટેભાગે તેઓ એક જ દિવસમાં કામ આટોપી લે છે ત્રણથી ચાર કારીગરો એકસાથે કામ કરીને મોડી રાત સુધીમાં ઘરની સાફસફાઈનું કામ ઉંચુ મૂકી દે છે
દિવાળી પર્વ પહેલા ઘરની સાફસફાઈના કામની શરૂઆત -અગાઉના વર્ષોમાં લોકો જાતે સાફસફાઈ કરતા પરંતુ આજકાલ સમયનો અભાવ, પૈસાની સગવડતા અને શારિરીક રોગને કારણે બદલાતો ટ્રેંડ, પહેલા કાંસા-પિત્તળના વાસણોને ચકચકાટ કરાતા આજે સ્ટીલના વાસણોનો જમાનો
(પ્રતિનિધિ) અમદાવાદ, દિવાળી ઢુકડે આવી પહોંચી છે. આવતા અઠવાડિયાથી તો બજારોમાં ભારે ભીડના દ્રશ્યો જોવા મળશે. કેન્દ્ર સરકારે જી.એસ.ટી.માં ઘટાડો કરીને મોટુ પગલું લીધુ હોવાથી તેની અસર કન્ઝયુમર બજાર પર સકારાત્મક જોવા મળશે તેવા નિષ્ણાંતોના અભિપ્રાયની વચ્ચે દિવાળી પર્વને લઈને વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે.
એક તરફ વહેપારીઓ માર્કેટમાં ભારે તેજીની સંભાવનાને લક્ષમાં લેતા સજ્જ થયા છે તો લોકો પણ તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છે. ખાસ કરીને દિવાળી પહેલા ઘરની સાફ સફાઈ – રંગ રોગાનની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે.
અગાઉના વર્ષોમાં દિવાળીના લગભગ ૧૦-૧પ દિવસ પહેલા ઘરની સફાઈ કરાતી હતી. મહિલાઓ ઘરની સાફ- સફાઈ રોજ રાખતી હોય છે પણ દિવાળી પર ઘરને ચકચકિત રાખવા માટે આજકાલ સિસ્ટમ બદલાઈ છે. પહેલાના સમયમાં ઘરનો મહિલા વર્ગ- પુરૂષવર્ગ સાથે મળીને ઘરની સાફ-સફાઈ કરતા હતા. પુરૂષ વર્ગ ઘરની સાફસફાઈ માટે બે-ત્રણ દિવસ ઓફિસમાંથી રજા લેતા અને કામમાં જોડાઈ જતા હતા.
અગાઉ તો તાંબા-પિત્તળના વાસણો ઘરમાં રાખવામાં આવતા હતા તેને ઘસી ઘસીને ચકચક્તિ કરવામાં મહિલાઓ હોંશભેર કામ કરતી હતી. હવે આ બધુ ઓછુ થયું છે પણ કદાચ ગ્રામ વિસ્તારોમાં અમુક જ્ઞાતિમં આ પરંપરા હોઈ શકે છે. જમાનો બદલાયો છે પિત્તળ- કાંસા- તાંબાના વાસણોની જગ્યાએ સ્ટીલ, ક્રોંકરી સ્ટાઈલના વાસણો આવી ગયા છે
પરંતુ ઘરની સાફ સફાઈને લઈને હજુ લોકોમાં જૂનો જ ટ્રેંડ જોવામાં આવી રહયો છે લોકો દિવાળી પહેલા જ ઘર- મકાનની સાફસફાઈ કરી રહયા છે મોટેભાગે આધુનિક યુગમાં ટ્રેંડ બદલાયો છે. પહેલાની માફક લોકો જાતે ઘરની સફાઈ કરવાનું લગભગ ટાળી રહયા છે. મધ્યમ- ઉચ્ચ મધ્યમવર્ગીય ફેમીલીમાં લોકો પાસે નોકરી-ધંધામાંથી ટાઈમ રહેતો નહી હોવાથી ઘરમાં કામ કરવા આવતા લોકો પાસે ઘરની સાફસફાઈ કરાવે છે
તેમાં ઉચ્ચક ભાવ ચાલતા હોય છે એવરેજ રૂ.૩ થી પ હજાર તો ઘરની સાફસફાઈ કરી આપતી કંપનીઓ પણ અસ્તિત્વમાં છે તેઓ રૂ.૮ થી ૧૦ હજારની આસપાસ ચાર્જ લે છે મોટેભાગે તેઓ એક જ દિવસમાં કામ આટોપી લે છે ત્રણથી ચાર કારીગરો એકસાથે વર્ક કરીને મોડી રાત સુધીમાં ઘરની સાફસફાઈનું કામ ઉંચુ મૂકી દે છે જેમની જોડે સમય નથી, પૈસાની સગવડ છે અગર તો શારિરીક સમસ્યાથી પિડાઈ રહયા છે
તેવા પુરૂષો આ પ્રકારે પ્રોફેશનલી કામ કરનાર કંપનીઓનો સંપર્ક કરીને કામ કરાવી લે છે. આધુનિક યુગમાં આ પ્રકારની કંપનીઓ માત્ર ઘરની સાથે સાથે ઓફિસો, બંગલોઝ બધામાં કામ કરી આપે છે પરંતુ તેમના કામનો ચાર્જ તગડો હોય છે.
જોકે ઘણા કુટુંબો મોટી સંખ્યામાં એવા પણ છે જે જાતે સાફ સફાઈ કરે છે તેઓ બહારથી કોઈને બોલાવતા નથી પરંતુ ધીમેધીમે ત્રણ-ચાર દિવસમાં કામ પુરૂ કરી લે છે સૌથી અગત્યની વાત વાસણો કે ચીજવસ્તુઓની સફાઈ થાય છે પણ તેને યોગ્ય સ્થાને મૂકવાની જવાબદારી તો છેવટે ઘરની મહિલાઓ પર આવતી હોય છે.
ઘરની સાફસફાઈમાં પુરૂષવર્ગને મોટેભાગે માળિયામાંથી સામાન ઉતારવાની જવાબદારી આવતી હોય છે તે સિવાય લગભગ કામ મહિલાઅના માથે આવતુ હોય છે એટલે જ હવે તો લગભગ એવરેજ મધ્યમવર્ગ કે ઉચ્ચ મધ્યમવર્ગના ઘરોમાં દિવાળી પર્વ પર સાફસફાઈનું કામ બહારથી કામ કરવાવાળા લોકોને બોલાવીને કરાવવામાં આવતુ હોવાનું જોવા મળે છે.