Western Times News

Gujarati News

હિમાચલમાં ભયાનક ભૂસ્ખલનમાં બસ દટાઈ, ૧૮નાં મોત થયાં

બિલાસપુર, હિમાચલપ્રદેશના બિલાસપુર જિલ્લામાં મંગળવારે સાંજે ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલન દરમિયાન એક ખાનગી બસ પર પથ્થરો ધસી પડતાં ઓછામાં ઓછા ૧૮ લોકોના મોત થયાં હતાં અને અનેક ઘાયલ થયા હતાં. ત્રણ બાળકો સહિત કેટલાંક મુસાફરોને બચાવી લેવામાં આવ્યાં હતાં.

લગભગ ૨૮થી ૩૦ મુસાફરો સાથેની બસ હરિયાણાના રોહતકથી બિલાસપુર નજીકના ઘુમરવિન જઈ રહી હતી ત્યારે આ ભયાનક દુર્ઘટના સર્જા હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે બિલાસપુરના ઝાંડુતા સબડિવિઝનના બાલુઘાટ વિસ્તારમાં વરસાદને કારણે થયેલા ભૂસ્ખલન પછી પથ્થરો બસ પર અથડાયાં હતાં, તેનાથી બસ ખડકો નીચે દટાઈ ગઈ હતી.૧૮ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં હતાં.

મુસાફરો સાથેની બસ મારોટ્ટનથી ઘુમારીવિન જઈ રહી હતી ત્યારે સાંજે લગભગ ૬ઃ૩૦ વાગ્યે આ ભયાનક દુર્ઘટના સર્જા હતી. પહાડનો એક હિસ્સો એક ખાનગી બસ પર પડ્યો હતો. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

કાટમાળ દૂર કરવા માટે જેસીબીની મદદ લેવામાં આવી છે. આ અકસ્માત બાર્થી નજીક ભાલુમાં ભૂસ્ખલનને કારણે થયો હતો. ૭ ઓક્ટોબરે બિલાસપુરમાં ૧૨.૭ મીમી વરસાદ નોંધાયો હતો.દુર્ઘટનાગ્રસ્ત બસમાંથી બચાવી લેવામાં ત્રણ બાળકો સહિતના ઘાયલ મુસાફરોને બર્થિનની હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.

દુર્ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળની ટીમો રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

રાહત અને બચાવ કામગીરી મોડી રાત સુધી ચાલુ રહી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં થયેલી જાનહાનિથી દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનોને ¹ ૨ લાખની સહાયની જાહેરાત કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ આ દુઃખદ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યાે હતો. મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા તેમણે દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારોની સાથે મજબૂતીથી ઉભી છે અને તેમને શક્ય તેટલી તમામ સહાય પૂરી પાડશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.