ઘટનાસ્થળે માત્ર હાજર રહેવું ગેરકાયદે ટોળાનો હિસ્સો ના ગણી શકાયઃ સુપ્રીમ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે મંગળવારે એક ચુકાદામાં નોંધ્યું કે, કોઈ વ્યક્તિ માત્ર ઘટનાસ્થળે હાજર હોય તો તે કોઈ ગેરકાયદે સભાનો હિસ્સો ના ગણાય, સિવાય કે તેનો ઉદ્દેશ એકસમાન હોવાનું સ્થાપિત થાય છે. સર્વાેચ્ચ અદાલતે જણાવ્યું કે, નિર્દાેષ પ્રેક્ષકો કે કોઈ વ્યક્તિની માત્ર હાજરીથી તેને દોષિત ઠેરવવા સામે રક્ષણ હેતુ અદાલતો માટે પરિમાણો નક્કી કરાયા છે.
સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ જે બી પારડિવાલા અને જસ્ટિસ આર માધવનની ખંડપીઠે બિહારમાં ૧૯૮૮માં ગેરકાયદે એકત્ર થઈને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ૧૨ દોષિતોને નિર્દાેષ મુક્ત કરતા ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.
બેન્ચે જણાવ્યું કે, લોકોના ટોળા સામે જ્યારે આરોપો લગાવવામાં આવે છે ત્યારે અદાલતોએ કાળજીપૂર્વક પુરાવાની તપાસ કરવી જોઈએ, ખાસ કરીને ત્યારે જ્યારે રેકોર્ડ પરના પુરાવા અસ્પષ્ટ હોય છે. ભારતીય દંડ સંહિતાની કલમ ૧૪૯ હેઠળ ગેરકાયદે એકત્ર થયેલા ટોળા (પાંચ કે તેથી વધુ લોકો)નો હિસ્સો હોય તેવો દરેક શખ્સ સામાન્ય ઉદ્દેશથી આચરવામાં આવેલા ગુના બદલ દોષિ ઠરે છે.
બેન્ચના મતે જોગવાઈ મુજબ ટોળામાંથી કોઈ એક સભ્ય જો સંયુક્ત ઉદ્દેશથી ગુનો આચરે તો, અથવા ટોળાના તમામ લોકો ગુનો બનવાનો છે તે બાબતે અગાઉથી વાકેફ હોય તો ગુનાના સમયે ગેરકાયદે એકત્ર ટોળાનો હિસ્સો રહેલા તમામ લોકો ગુના માટે દોષિ ઠરે છે. પરંતુ ઘટનાસ્થળે માત્ર હાજર હોય કે નિર્દાેષ પ્રેક્ષકને ગેરકાયદે ટોળાનો સભ્ય ગણી દોષિ ઠેરવી શકાય નહીં, સિવાય કે તેનો સામાન્ય ઉદ્દેશ હોવાનું સ્થાપિત થાય છે.
કોઈ વ્યક્તિ માત્ર દર્શક છે કે નિર્દાેષ નિહાળનાર શખ્સ તે નક્કી કરવું સામાન્ય ઉદ્દેશના અસ્તિત્વની ખાતરી કરવા જેટલું જ મુશ્કેલ છે તેમ કોર્ટે નોંધ્યું હતું. દરેક કેસમાં પરિસ્થિતિને આધારે સામાન્ય ઉદ્દેશનું અનુમાન લગાવી શકાય છે.
જેમ કે, ટોળાની રચનાનો સમય અને સ્થળ, ઘટનાસ્થળ નજીક એકત્ર સભ્યોનું વર્તન, ટોળાનું સામૂહિક વર્તન, ગુનાનો ઉદ્દેશ, ઘટના કેવી રીતે બની, ગુનામાં વપરાયેલા હથિયાર અને ઈજાની પ્રકૃતિને ધ્યાનમાં લેવામાં આવે છે.SS1MS