લગભગ બધા પ્રોડક્શન હાઉસ પાસે મારો બહુ જ ખરાબ બાયોડેટા છે: અનીત પડ્ડા

મુંબઈ, તાજેતરમાં રિલીઝ થયેલી પોતાની ફિલ્મ ‘સૈયારા’થી રાતોરાત સ્ટાર બની ગયેલી એક્ટ્રેસ અનીત પડ્ડા આજકાલ ચર્ચામાં છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેણે પોતાની શરૂઆતના દિવસો વિશે વાત કરી હતી.
તેણે જણાવ્યું કે ૧૭ વર્ષની ઉંમરે કામ માટે તલપાપડ થઈને તેણે નકલી વેબસાઇટથી ભરમાઇને ૫૦-૭૦ પ્રોડક્શન કંપનીને નકામા મેઇલ મોકલી દીધા હતા. અનીતે ૧૦ વર્ષની ઉઁમરે એક વખત સ્કૂલમાં નાટકમાં ભાગ લીધો હતો, ત્યારથી તેને લાગેલું કે એક્ટિંગનું કામ રસ પડે એવું છે, વિચિત્ર છતાં લોકો વખાણે એમાં મજા આવી હતી.
અનીતે કહ્યું કે એ વિચિત્રપણું તેની સાથે હંમેશા રહ્યું, પરંતુ તેના પિતા અને મિત્રો તરફથી સહકારની કમીને કારણે તે અસુરક્ષિત અનુભવતી હતી.
તેણે જણાવ્યું,“ઘણા લાંબા સમય સુધી હું મારી જાતને કહેતી રહી, “આ અંગે કશું પણ કરવા માટે પણ તું ઘણી મૂર્ખ છે.”મેં અમુક વખત માટે તો આ અંગે સપનું જોવાનું પણ બંધ કરી દીધું હતું.”અનીતે ૧૭ વર્ષની ઉંમરેઓનલાઇન એક્ટિંગ ઓડિશન શોધવાનું શરૂ કર્યું હતું અને તેમાં તે કેટલીક નકલી વેબસાઇટ અને છેતરપિંડીનો પણ ભોગ બની. તેણે કહ્યું, “હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લગભગ દરેક પ્રોડક્શન હાઉસ પાસે મારી ઓડિશનની ટેપ હશે, મારો ખુબ ખરાબ બાયોડેટા અને એ પણ સ્નેપચેટ ફિલ્ટર સાથેના ફોટોવાળો.”
અનીતે એવું પણ કહ્યું કે તેણે પેન્ડેમિક દરમિયાન ૫૦-૭૦ પ્રોડક્શનહાઉસને નકામા મેઇલ મોકલી દીધા હતા, કારણ કે તેને કોઈ ધોરણસરનું કામ જોઈતું હતું. પરંતુ પછી તેને સમજાયું કે એક્ટર્સના બદલે કાસ્ટિંગ એજન્સીઓ વાટાઘાટો કરતી હોય છે.SS1MS