‘બિગ બોસ કન્નડ’ શોને તાત્કાલિક બંધ કરવાનો આદેશ મળ્યો

મુંબઈ, કન્નડ સિનેમાનો સૌથી લોકપ્રિય શો ‘બિગ બોસ કન્નડ સીઝન ૧૨’ બંધ થઈ રહ્યો છે. કર્ણાટક રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ બિદાદીમાં આવેલા જે સ્ટુડિયોમાં શોનું શૂટિંગ થઈ રહ્યું છે, ત્યાં ગંભીર પર્યાવરણીય ઉલ્લંઘનનો આરોપ લગાવતા આ આદેશ જાહેર કર્યાે છે.
૬ ઓક્ટોબરના રોજ બોર્ડે ‘વેલ્સ સ્ટુડિયોઝ એન્ડ એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ’ને સ્થળ પર ચાલી રહેલી બધી પ્રવૃત્તિઓ (શૂટીંગ સહિત) તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.
બોર્ડના નિવેદન મુજબ, પરિસરમાં મોટા પાયે મનોરંજન અને સ્ટુડિયો ચલાવવામાં આવી રહ્યો છે, જ્યારે તેના માટે જરૂરી સંમતિ અને કન્સેન્ટ ઓફ ઓપરેશન મેળવવામાં આવ્યું નથી, જે જળ પ્રદુષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ૧૯૭૪ અને વાયુ પ્રદુષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ૧૯૮૧ની વિરૂદ્ધ છે.નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે કે, જો સ્ટુડિયો આદેશનું પાલન નહીં કરે અને તાત્કાલિક બંધ નહીં કરે, તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે ‘બિગ બોસ કન્નડ’ ની ૧૨મી સીઝનનું શૂટિંગ હાલમાં આ સ્ટુડિયોમાં થઈ રહ્યું છે. આ શો ૨૮ સપ્ટેમ્બરના રોજ ૧૯ સ્પર્ધકો સાથે શરૂ થયો હતો. લોકપ્રિય કન્નડ એક્ટર કિચ્ચા સુદીપ આ શોને હોસ્ટ કરી રહ્યો છે. હાલમાં આ સૌથી વધુ જોવાયેલા કન્નડ શોમાંનો એક છે. હાલમાં, ત્રણ સ્પર્ધકોને બહાર કાઢવામાં આવ્યા છે અને બાકીના ૧૬ સ્પર્ધકો સાથે શૂટિંગ ચાલી રહ્યું છે.SS1MS