Western Times News

Gujarati News

“ઓપર્ચ્યુનિટીઝ ઓફ ફંડ રેઇઝિંગ થ્રૂ ઈન્ડિયા INX ઈન GIFT IFSC” વિષય પર સેમિનારનું આયોજન

GCCI બેન્કિંગ અને ફાઇનાન્સ કમિટીએ ઓપર્ચ્યુનિટીઝ ઓફ ફંડ રેઇઝિંગ થ્રૂ ઈન્ડિયા INX ઈન GIFT IFSC” વિષય પર સેમિનારનું આયોજન કર્યું હતું, જે ઈન્ડિયા INX અને ઈન્ડિયા ICC (બન્ને BSEની કંપનીઓ)ના સહયોગથી મંગળવાર, 7મી ઓક્ટોબર, 2025ના રોજ યોજાયું હતું.

સેમિનારમાં મુખ્ય વક્તાઓ તરીકે શ્રી પવન કુમાર ચૌધરી, ડીજીએમ, IFSCA; શ્રી અશોક કુમાર સિંહ, CRO, ઈન્ડિયા INX; શ્રીમતી ગુંજન મિરાની, CRRO, ઈન્ડિયા ICC; શ્રીમતી રિદ્ધિ વોહરા, હેડ ઓફ લિસ્ટિંગ, ઈન્ડિયા INX અને શ્રી રિતેશ કુમાર, હેડ – BDM, ઈન્ડિયા INX ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં GCCIના માનદ સચિવ શ્રી સુધાંશુ મહેતાએ ઉપસ્થિત વક્તાઓ અને પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું તેમજ તેઓનો આભાર માન્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે ભારતને આર્થિક સુપરપાવર બનાવવા માટે GIFT IFSC મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

તેમણે GIFT IFSC દ્વારા ઉપલબ્ધ વિવિધ તકો અને ભારતના આર્થિક વિકાસના પ્રવાસનો ભાગ બનવાની શક્તિ વિશે ચર્ચા કરી હતી. તેઓએ ઉમેર્યું હતું કે આ સેમિનારથી ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે ઈન્ડિયા INX પર લિસ્ટિંગના ફાયદાઓ સમજવામાં મદદ મળશે અને ફંડ રેઇઝિંગ સંબંધિત નિયમનાત્મક માળખું તથા વૃદ્ધિની સંભાવનાઓ અંગે માર્ગદર્શન મળશે.

GCCI બેન્કિંગ અને ફાઇનાન્સ કમિટીના ચેરમેન CA શ્રી સુરેન્દ્રભાઇ શાહે થીમ એડ્રેસ આપતા જણાવ્યું કે GIFT IFSC અમદાવાદ, ગુજરાત અને સમગ્ર ભારત માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન તરીકે પ્રસ્થાપિત થયેલ છે. તેમણે માનનીય પ્રધાનમંત્રીની વિઝનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે GIFT સિટી વિશ્વના સૌથી વધુ ટ્રેડ થનારા ઈન્સ્ટ્રુમેન્ટ્સ જેમ કે કોમોડિટીઝ, કરન્સી, ઈન્ટરેસ્ટ રેટ્સ વગેરે માટે ભાવ નિર્ધારક બની રહેશે. IFSCનો ખ્યાલ સરળ પરંતુ શક્તિશાળી છે – જેનું લક્ષ્ય ભારતીય પ્રતિભાને ઓફશોર ટેક્નોલોજી અને નિયમનકારી માળખા સાથે જોડવાનો છે, જેથી ભારતીય સંસ્થાઓ વૈશ્વિક નાણાકીય કેન્દ્રો સાથે સમકક્ષ સ્પર્ધા કરી શકે.

શ્રી પવન કુમાર ચૌધરીએ જણાવ્યું કે ઈન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (IFSC) કંપનીઓને જાહેર ઈશ્યુ અને લિસ્ટિંગ દ્વારા ફંડ એકત્રિત કરવા માટે અનુકૂળ માળખું પ્રદાન કરે છે. આ ઇકોસિસ્ટમ કંપનીઓને વૈશ્વિક રોકાણકારો સુધી પહોંચ પૂરી પાડે છે અને ઇક્વિટી, ડેટ તથા અન્ય સિક્યોરિટીઝ લિસ્ટિંગમાં સહાયતા પુરી પાડે છે. વધુમાં તેમણે જણાવ્યું કે આગળ ઉપર ઈક્વિટી ઈશ્યુઅન્સ, ETFs અને અન્ય નવીન પ્રોડક્ટ્સના લિસ્ટિંગની તકો પણ પ્રાપ્ત થશે કે જે IFSCને વૈશ્વિક ફંડ રેઇઝિંગ હબ તરીકે વધુ મજબૂત બનાવશે.

શ્રી અશોક કુમાર સિંહે જણાવ્યું કે 30 જૂન 2025 સુધી ઈન્ડિયા INX GAનું કુલ ટ્રેડિંગ વેલ્યુ USD 36.91+ બિલિયન હતું અને ઑગસ્ટ 2025 સુધી કુલ ટ્રેડેડ વોલ્યુમ 428 મિલિયન સુધી પહોંચ્યું હતું. તેમણે સમજાવ્યું કે ઈન્ડિયા INX GA રોકાણકારોને વૈશ્વિક બજારોમાં સીધી ઍક્સેસ પૂરી પાડે છે, રિયલ ટાઈમ ક્વોટ્સ અને ફ્રી ટ્રેડિંગ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવે છે. વધુમાં, દરેક રોકાણકારને SIPC દ્વારા USD 500,000 સુધીની ઇન્સ્યોરન્સ સુરક્ષા આપવામાં આવે છે.

શ્રીમતી રિદ્ધિ વોહરાએ ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જ (ઈન્ડિયા INX)ની હેડ – લિસ્ટિંગ તરીકે પોતાના પ્રેઝન્ટેશનમાં પ્રથમ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કરનાર ભારતીય ઇશ્યુઅર XED Executive Development Limited વિષે માહિતી આપી હતી, જે GIFT IFSC ખાતે USD 12 મિલિયન મૂલ્યના ઇક્વિટી શેર લિસ્ટ કરવા ઈચ્છે છે. તેમણે ઈન્ડિયા INXમાં લિસ્ટિંગ માળખું, GIFT IFSCમાં વધતી તકો અને લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જ સાથે ગ્રીન અને સસ્ટેનેબલ લિસ્ટિંગ્સને પ્રોત્સાહન આપવા માટે હસ્તાક્ષર કરાયેલ MoU વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી.

શ્રી રિતેશ કુમારે ઈન્ડિયા INX ગ્લોબલ ઍક્સેસ પ્લેટફોર્મ દ્વારા રોકાણકારોને વૈશ્વિક બજારોમાં સરળતાથી રોકાણ કરવાની તક અંગે માહિતી આપી હતી.

આ સેમિનારમાં કોર્પોરેટ્સ અને ફાઇનાન્સ ક્ષેત્રના વ્યાવસાયિકો દ્વારા ઉત્સાહપૂર્ણ ભાગ લેવાયો. સત્રના અંતે ઈન્ટરેક્ટિવ પ્રશ્નોત્તરી અને નેટવર્કિંગ સેશન ખુબ માહિતીપ્રદ રહ્યું હતું જેમાં GIFT IFSC મારફતે નવીન ફંડ રેઇઝિંગ તકો પર ચર્ચા થઈ હતી.  સેમિનાર ઈન્ડિયા ICCની ચીફ રિસ્ક એન્ડ રેગ્યુલેટરી ઓફિસર શ્રીમતી ગુંજન મિરાની દ્વારા આભારવિધિ સાથે પૂર્ણ થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.