“ઉદ્યોગ સાહસિકો માટે AI – સોફ્ટવેર અને નવા યુગના સાધનો” વિષય પર એક ખાસ સેસનનું આયોજન

GCCI યુથ કમિટી દ્વારા તારીખ 8 ઓક્ટોબર, 2025 ના રોજ “ઉદ્યોગસાહસિકો માટે AI – સોફ્ટવેર અને નવા યુગના સાધનો” વિષય પર એક ખાસ સેસનનું થયેલ આયોજન.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) અને GCCI યુથ કમિટી દ્વારા તારીખ ૮ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ GCCI, અમદાવાદ ખાતે “ઉદ્યોગસાહસિકો માટે AI – સોફ્ટવેર અને નવા યુગના સાધનો” વિષય પર એક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનો ઉદ્દેશ્ય ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ્સ અને MSMEsમાં “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ” (AI) ના અનેકવિધ ઉપયોગ તેમજ આધુનિક વ્યવસાયિક પ્રથાઓને પરિવર્તિત કરતા નવા યુગના સોફ્ટવેર અંગેના સાધનો વિશે જાગૃતિ અને સમજણ પ્રદાન કરવાનો હતો.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા, GCCI માનદ સચિવશ્રી સુધાંશુ મહેતાએ ઉદ્યોગસાહસિકોમાં નવીનતા અને તકનીકી પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે GCCIની પ્રતિબદ્ધતા વિશે વાત કરી હતી. તેઓએ વિવિધ ઉદ્યોગોમાં ટેકનોલોજી અપનાવવા, ડિજિટલ પરિવર્તન અને ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપવા માટે ચેમ્બરની વિવિધ પહેલ પર પ્રકાશ પાડ્યો હતો.
તેઓએ જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વર્તમાન સમય તેમજ વ્યાપાર–ઉદ્યોગ માટે એક ખુબ જરૂરી સાધન બની રહેલ છે કે જે થકી કાર્યક્ષમતા, નવીનતા અને સ્પર્ધાત્મકતાને સુંદર વેગ આપી શકાય છે. તેઓએ ઉદ્યોગસાહસિકો, ખાસ કરીને યુવા પેઢીને, ચપળ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રહેવા માટે AI અને ડિજિટલ સાધનો અપનાવવા વિનંતી કરી હતી તેમજ આ વિષય તેમજ વ્યાપાર-ઉદ્યોગ લક્ષી વિવિધ વિષયો પરત્વે GCCI ની મહત્વપૂર્ણ ભૂમિકા વિષે પણ વાત કરી હતી.
આ પ્રસંગે થીમ સંબોધન કરતા, GCCI યુથ કમિટીના ચેરમેન શ્રી રોહન કુમારે AI-આધારિત સાધનોએ ઉદ્યોગસાહસિકતામાં કેવી રીતે ક્રાંતિ લાવી છે તે બાબતે તેઓના વિચારો વ્યક્ત કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે કેવી રીતે આધુનિક વિવિધ ટેકનોલોજીએ પરંપરાગત વ્યવસાયિક કામગીરી માં આમૂલ પરિવર્તન કરેલ છે. તેમજ આ તમામ પ્રક્રિયાઓ કેવી રીતે માર્કેટિંગ અને ગ્રાહક જોડાણથી લઈને ડેટા મેનેજમેન્ટ અને ઉત્પાદન નવીનતા સુધી – સાહસોને વધુ બુદ્ધિપૂર્વક અને અસરકારક રીતે સંચાલિત કરવામાં મદદરૂપ થઇ પડે છે.
આ પ્રસંગે કી-નોટ સંબોધન કરતા સ્ટાર્ટઅપ સ્ટીરોઈડ – ઈન્ડિયાના CEO શ્રી ચિન્મય શાહે “આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ” AI થકી વિવિધ ઔદ્યોગિક તેમજ વ્યવસાયિક કાર્યપધ્ધતિમાં કાર્યક્ષમતા લાવવા બાબતે તેઓના વિચારો વ્યક્ત કર્યા હતા. તેઓએ કેવી રીતે ઓટોમેશન, પ્રીડીક્ટીવ એનાલિસિસ, અને AI-સંચાલિત સિસ્ટમ સસ્ટેનેબલ ડેવલપમેન્ટને આગળ ધપાવવાની સાથે ઉત્પાદકતા અને સુંદર ગ્રાહક અનુભવને પૃષ્ટિ આપે છે તે બાબતે વાત કરી હતી.
વાર્ષિક 36.6% ના દરે વૃદ્ધિ પામતા $2.7 ટ્રિલિયન વૈશ્વિક AI બજારનો ઉલ્લેખ કરતા, તેમણે નોંધ્યું હતું કે ઉત્પાદન અને સ્ટાર્ટઅપ હબ ઇન્ટેલ અને GTU ના “AI for Manufacturing” જેવી પહેલો દ્વારા AI અપનાવી રહ્યા છે, જે ગુજરાતને એક અગ્રણી નવીનતા હબ તરીકે સ્થાન આપે છે. તેઓએ રોજિંદા વ્યવહારમાં પણ AI ની વધતી જતી સુસંગતતા પર ભાર મૂક્યો હતો કે જે વિવિધ સાહસોના સંચાલન અને નવીનતાની રીતને પરિવર્તિત કરી વધુ ઉત્પાદકતા તરફ દોરી જાય છે.
આ પ્રસંગે આયોજિત પ્રશ્નોત્તરી સત્ર પણ ખૂબ રસપ્રદ સાબિત થયું હતું તેમજ તે થકી સહભાગીઓને વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.