ભારત સાથે યુદ્ધની શક્યતા વ્યક્ત કરી પાક. સંરક્ષણ મંત્રીએ ઔરંગઝેબને યાદ કર્યો

ઈસ્લામાબાદ, ભારત સાથેના સંબંધોમાં સતત વધી રહેલા તણાવના પગલે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ભારત સાથે યુદ્ધની સંભાવનાઓ સાચી હોવાનું જણાવ્યું હતું. મુઘલ બાદશાહ ઔરંગઝેબનું સ્મરણ કરતાં ખ્વાજાએ દાવો કર્યાે હતો કે, ભવિષ્યમાં સશસ્ત્ર સંઘર્ષ થાય તો પાકિસ્તાનને અગાઉ કરતાં વધારે મોટી સફળતા મળશે.
પાકિસ્તાનના સમા ટીવીમાં ઈન્ટરવ્યૂ દરમિયાન સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફને ભારત સાથે વધી રહેલા તણાવ અંગે સવાલ પૂછાયો હતો. તેમણે જણાવ્યું કે, ભારત સાથે તણાવ વધે તેવી ઈચ્છા નથી, પરંતુ હકીકતમાં જોખમ રહેલું છે અને તેનો અસ્વીકાર થઈ શકે તેમ નથી. યુદ્ધની સ્થિતિ આવી તો ખુદાની મહેરબાનીથી આ વખતે અગાઉ કરતાં વધારે સારું પરિણામ મળશે.
મે મહિનામાં સંઘર્ષ થયો ત્યારે ભારતને સમર્થન કરનારા ઘણાં દેશો હવે ખસી ગયા છે.છ મહિના અગાઉની સરખામણીએ પાકિસ્તાન પાસે વધારે સમર્થકો છે. જો કે તેમણે કોઈ પણ સમર્થક દેશનું નામ આપવાનું ટાળ્યું હતું.
આસિફે દાવો કર્યાે હતો કે, મુઘલ બાદશાહના ઔરંગઝેબના શાસન કાળના સમયને બાદ કરવામાં આવે તો ભારત ક્યારેય અખંડિત રાષ્ટ્ર રહ્યું ન હતું.SS1MS