Western Times News

Gujarati News

ભારત અને યુકે વચ્ચે એફટીએ વિકાસનું લોન્ચપેડ છેઃ સ્ટાર્મર

નવી દિલ્હી, યુનાઇટેડ કિંગડમ (યુકે)ના વડાપ્રધાન કીર સ્ટાર્મરે પદભાર સંભાળ્યા બાદ સૌપ્રથમ વખત વિશાળ પ્રતિનિધિમંડળ સાથે મુંબઈ આવી પહોંચ્યા છે. સ્ટાર્મરે ભારત સાથેના વેપાર કરાર અંગે જણાવ્યું કે, ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) હેઠળ જે તકોનો લાભ રહેલો છે તે અજોડ છે.

આ એફટીએ વિકાસનું લોન્ચપેડ છે જેના થકી ભારત ૨૦૨૮ સુધીમાં વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બનશે. બ્રિટિશ પીએમ સાથે ૧૨૫ લોકોનું વિશાળ પ્રતિનિધિમંડળ બુધવારે મુંબઈ પહોંચ્યું હતું. તેમાં રોલ્સ રોયસ, બ્રિટિશ ટેલિકોમ, ડિયાજીઓ, લંડન સ્ટોક એક્સચેન્જ, બ્રિટિશ ટેલિકોમ ઉપરાંત યુકેના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ, આંત્રપ્રીન્યોર્સ તથા યુનિવર્સિટીના કુલપતિઓ સામેલ છે.

યુકેના પીએમ બે દિવસની મુલાકાત દરમિયાન ગુરુવારે ભારતના પીએમ નરેન્દ્ર મોદીને મળશે અને દ્વિપક્ષીય સંબંધોને વધુ વિસ્તૃત બનાવવાના વિકલ્પો પર ચર્ચા કરશે. આ કરારથી બજારની પહોંચ વધશે, ટેરિફ ઘટશે અને ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો થશે. બ્રિટિશ ઉત્પાદનો પર ભારતનો સરેરાશ ટેરિફ ૧૫થી ઘટીને ત્રણ ટકા થશે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના યુકેના સમકક્ષ કીર સ્ટાર્મરનું ભારતની સૌપ્રથમ ઐતિહાસિક મુલાકાત બદલ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

પીએમએ એક્સ પોસ્ટમાં જણાવ્યું કે, યુકેના અત્યાર સુધીના સૌથી મોટા વેપાર પ્રતિનિધિમંડળ સાથે ભારતની મુલાકાતે આવેલા વડાપ્રધાન સ્ટાર્મરનું સ્વાગત છે. મજબૂત, પરસ્પર સમૃદ્ધ ભવિષ્યના આપણા સહિયારા દૃષ્ટિકોણને આગળ વધારવા આવતીકાલની બેઠક માટે આતુર છું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.