મની લોન્ડરિંગ વિરોધી કાયદામાં ડિજિટલ એરેસ્ટની જોગવાઈ છે જ નહીંઃ ઈડી

નવી દિલ્હી, દેશમાં નાગરિકોને ડિજિટલ એરેસ્ટ કરીને આચરવામાં આવતા સાયબર ફ્રોડના બનાવોમાં સતત વધારાને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ સ્પષ્ટતા કરી છે કે, મની લોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ ડિજિટલ કે ઓનલાઈન એરેસ્ટની કોઈ જોગવાઈ જ નથી અને ફેડરલ એજન્સી દ્વારા આ પ્રકારની કાર્યવાહી વ્યક્તિગત રીતે હાથ ધરવામાં આવે છે.
તાજેતરમાં ડિજિટલ એરેસ્ટ અને ઓનલાઈન એરેસ્ટ કર્યા બાદ લોકો સાથે આર્થિક છેતરપિંડીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે જે ચિંતાજનક છે.
આ મોડસ ઓપરેન્ડીમાં ઓનલાઈન ઠગો લોકોને મોબાઈલ પર વીડિયો કોલ કરીને તેમને ડિજિટલ એરેસ્ટ કરીને ધમકાવે છે અને કેસની પતાવટ કરવા નાણાંની માગણી કરે છે.
ઈડીએ બુધવારે આ મુદ્દે પુનરોચ્ચાર કરતા કહ્યું કે, ઈડી દ્વારા જરૂરી પ્રક્રિયાનું પાલન કર્યા બાદ જ ધરપકડ કરવામાં આવે છે અને તે રૂબરૂમાં જ કરવામાં આવતી હોય છે.
ઈડી ક્યારેય મની લોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ કોઈની ઓનલાઈન કે ડિજિટલ ધરપકડ કરતું નથી.ઈડી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) કાયદા હેઠળ કાર્યવાહી કરે છે પરંતુ તે નાગરિક કાયદો હોવાથી તેમાં કોઈ વ્યક્તિની ધરપકડ કરાતી નથી.
ઈડીના મતે ભૂતકાળમાં પણ તેમના દ્વારા ડિજિટલ ધરપકડ અને બોગસ સમન્સ અંગે સલાહ આપવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં કેટલાક અનૈતિક (ઠગ) શખ્સો દ્વારા નાગરિકો સાથે છેતરપીંડી આચરવાના ઉદ્દેશથી બોગસ સમન્સ પાઠવાયા હોવાનું જણાતા ઈડીએ ફરી આ નિવેદન જાહેર કર્યું છે.
આ નકલી સમન્સ ઈડી દ્વારા પાઠવવામાં આવતા અસલી સમન્સ જેવું જ હોય છે, એટલા માટે સામાન્ય વ્યક્તિ માટે બંને વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બને છે.
ઈડી દ્વારા પીએમએલએ અને ફેમા કેસોમાં સમન્સ પાઠવીને વ્યક્તિગત રીતે પૂછપરછ માટે બોલવવામાં આવે છે. સમન્સ અસલી છે કે કેમ તેને ચકાસવા માટે દસ્તાવેજની નીચે સિસ્ટમ જનરેટેડ ક્યુઆર કોડ તથા એક વિશિષ્ટ પાસકોડ મૂકવામાં આવ્યો હોવાનું ઈડીએ જણાવ્યું હતું.
ઈડીએ તેના અધિકારીઓને પણ કેટલાક અપવાદરૂપ પરિસ્થિતિને બાદ કરતા સિસ્ટમ થકી જ સમન્સ જારી કરવાની સૂચના આપવામાં આવી છે.SS1MS