નિવૃત્ત પ્રોફેસર, તેમના પતિને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. ૧૧.૪૨ કરોડ પડાવનાર ત્રણ ઝડપાયા

અમદાવાદ, અમદાવાદના ૭૩ વર્ષિય નિવૃત્ત પ્રોફેસર અને તેમના પતિને સતત ૮૧ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી ૧૧.૪૨ કરોડ પડાવનારી ગેંગના ત્રણ સાગરીતોને સીઆઇડી ક્રાઇમે ઝડપી લીધા છે.
આરોપીઓની તપાસમાં એવો ખુલાસો થયો છે કે, આરોપીઓએ વિશ્વા ગ્લોબલ ચેરિટેબલ ટ્રસ્ટના નામે ખાતા ખોલાવી પૈસાનો ખેલ પાડ્યો હતો. આરોપીઓ દેશભરમાં ૧૧ સાયબર ગુના આચર્યા છે. જે ઠગાઇ આચરી છે તે પૈકી ૧૮.૫૫ કરોડ ટ્રસ્ટના ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. એલિસબ્રિજમાં રહેતા નિવૃત્ત પ્રોફેસરને ૧૦ જુલાઇએ અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો.
ત્યારબાદ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (ટ્રાઇ)માંથી બોલતા હોવાનું કહી, તમારો ફોન બે કલાકમાં બંધ થઇ જશે તેમાં ફરિયાદો થઇ છે. ત્યારબાદ ફોન કોલાબા પોલીસ સ્ટેશન મુંબઇ ખાતે ટ્રાન્સફર કરવામાં આવે છે તેમ કહ્યું હતું.
ફોન કોલાબા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વિજય ખન્નાને ટ્રાન્સફર થયો હોવાનું જણાવ્યા બાદ એક નવું બેંક એકાઉન્ટ પણ મહિલા પ્રોફેસરનું ખોલાવવામાં આવ્યું હતું. જેમાં પૈસા ભરાવડાવ્યા હતા. ત્યારબાદ ગઠિયાઓએ તેમના પતિને પણ ડિજિટલ એરેસ્ટ કર્યા હતા અને સીબીઆઇ, સેબી, રો, ફેમાના નામે ડરાવી ૧૧.૪૨ કરોડ રૂપિયા ઓનલાઇન પડાવ્યા હતા.
આ મામલે સીઆઇડી ક્રાઇમે ફરિયાદ નોંધી તપાસ આદરી હતી. આ મામલે સીઆઇડી ક્રાઇમે ઠગ ગેંગના કશ્યપ અરૂણભાઇ બેલાણી, દિનેશ છગનલાલ લીંબાચિયા અને ધવલ મહેશભાઇ મેવાડાને ઝડપી લીધા છે.
આરોપીઓ પાસેથી પોલીસે ૧૦ મોબાઇલ, ૪ બેંકના ડેબિટ કાર્ડ, ૩ લેપટોલ અને ૧ રબર સ્ટેમ્પ કબજે કર્યા છે. તપાસમાં એવો ખુલાસો થયો છે કે, આરોપીઓ દ્વારા વિશ્વા ગ્લોબલ ચેરિટેબલ ટ્રસ્ટના નામે ખાતું ખોલવામાં આવ્યું હતું. દેશમાં આવા ૧૧ સાયબર ગુના આરોપીઓની ગેંગ સામે નોંધાયેલા છે, જેમાં મુંબઇમાં ૧, તામિલનાડુના કોઇમ્બતુરમાં ૧, તેલગાણા ૧ સહિત ૧૧ ગુનાનો સમાવેશ થાય છે.
આરોપીઓએ આ બેંક એકાઉન્ટમાં ઠગાઇના રૂ. ૧૮,૫૫,૦૧,૧૬૮ જમા કરેલા છે. જેમાંથી રૂ. ૩,૧૫,૯૯,૪૯૪ ઝડપાયેલા ત્રણ આરોપીના બેંક એકાઉન્ટમાં જમા કરાવેલા છે. પોલીસે વધુ તપાસ માટે ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે.SS1MS