Western Times News

Gujarati News

ગુજરાતમાં નવા ૭૩ મધ્યસ્થીકરણ કેન્દ્રોના ઉદ્ઘાટન સાથે કુલ સંખ્યા ૧૨૩ થઈ

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી મસીહે મધ્યસ્થીકરણ કેન્દ્રોના વિસ્તરણના વિઝનરી પગલાની પ્રશંસા કરી

ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોના નાગરિકોને ઘરઆંગણે મળશે ઝડપી અને મૂલ્ય આધારિત ન્યાય

Ahmedabad,  ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ (GSLSA) દ્વારા આજે રાજ્યભરના વિવિધ ૭૩ તાલુકાઓમાં નવા મધ્યસ્થીકરણ કેન્દ્રો (Mediation Centres)નું સફળતાપૂર્વક વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેનાથી રાજ્યમાં મીડિએશન કેન્દ્રોની કુલ સંખ્યા હવે વધીને ૧૨૩ થઈ છે. આ પહેલથી ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોના નાગરિકોને ન્યાય મેળવવા માટે જિલ્લા કેન્દ્ર સુધી જવાની જરૂર રહેશે નહીં. 

આ કેન્દ્રોનું ઉદ્ઘાટન કાર્યક્રમના મુખ્ય અતિથિ એવા સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી ઓગસ્ટિન જ્યોર્જ મસીહ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે GSLSAના આ વિઝનરી પગલાની પ્રશંસા કરી અને યુવાન વકીલો, પેરા લીગલ્સ અને પેનલ એડવોકેટ્સને મીડિએશન વિશે જાગૃતિ ફેલાવવા અને આ કાર્યમાં જોડાવા અપીલ કરી. ન્યાયમૂર્તિશ્રી મસીહે ભારપૂર્વક જણાવ્યું કે, મીડિએશન એ વિવાદ નિવારણની એક સુધારાત્મક પદ્ધતિ છે અને એક સમજદારીભર્યું સમાધાન છે જે સંબંધો જાળવે છે.

આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને GSLSAના મુખ્ય સંરક્ષક શ્રીમતી સુનિતા અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે કહ્યું કે, મીડિએશન એ માત્ર વિકલ્પ નથી, પણ મૂલ્યઆધારિત ન્યાય પદ્ધતિ છે જે વાતચીત, સહાનુભૂતિ અને સમાધાન પર આધારિત છે. તેમણે તમામ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને તાલુકા સેવા સમિતિઓના અધિકારીઓને મીડિએશનના ફાયદાઓ વિશે જનજાગૃતિ ફેલાવવા અને વધુ કેસ મીડિએશનમાં રિફર કરવા અપીલ કરી.

મુખ્ય ન્યાયમૂર્તિશ્રીએ વધુમાં માહિતી આપી કે, ૧૩૩ એડવોકેટ્સને ૪૦ કલાકની મીડિએશન તાલીમ માટે પસંદ કરવામાં આવ્યા છે, જે તાલીમ ૨૭ થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન આપવામાં આવશે.

મીડિએશનનો ફાયદો માત્ર કેસ પેન્ડન્સી ઘટાડવામાં નથી, પરંતુ સંબંધ પુન:સ્થાપિત કરવા, સમાજમાં શાંતિ લાવવી અને સહયોગી ન્યાયની ભાવના વિસ્તારવી પણ છે.

કાર્યક્રમમાં GSLSAના કારોબારી અધ્યક્ષ નામદાર ન્યાયમૂર્તિશ્રી અલ્પેશ વાય. કોગજે સહિત ગુજરાત હાઇકોર્ટના અન્ય ન્યાયમૂર્તિશ્રીઓ, ન્યાયિક અધિકારીશ્રીઓ, વકીલો અને અન્ય હિતધારકો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.