ન્યુઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયાના વર્ક પરમીટ વિઝાના બહાને ૧૮.૬૫ લાખની ઠગાઇ

(એજન્સી)અમદાવાદ, ન્યુઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયાના વર્ક પરમીટ વિઝા આપવાના બહાને યુવક સાથે ૧૮.૬૫ લાખની ઠગાઇ કરી હોવાની ફરિયાદ સીઆઇડી ક્રાઇમમાં નોંધાતા પોલીસે તપાસ આદરી છે. નોંધનીય છે કે, પહેલાં ન્યુઝીલેન્ડના વિઝા અપાવા કહ્યું, પછી યુવતીએ ઓસ્ટ્રેલિયા વિઝાના બહાને ઠગ્યો હતો.
આ મામલે પોલીસે વધુ તપાસ આદરી છે. ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આકાશ હર્ષદકુમાર પટેલ પરિવાર સાથે રહે છે અને ખાનગી કંપનીમાં ઓપરેશન મેનેજર તરીકે નોકરી કરે છે. આકાશ સાથે સુમનભાઇ સુથાર કામ કરતા હતા. સુમનભાઇએ વર્ક પરમીટ પર વિદેશ જવા મામલે વાતચીત કરી હતી. જેથી સુમનભાઇએ તેમના મિત્ર દક્ષ કૈલાશગીરી ગોસ્વામીનો નંબર આપ્યો હતો. જેથી ૧૨ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ દક્ષ સાથે વાત કરી હતી.
જેથી તેણે પ્રહલાદનગર ખાતે તેની ઓફિસે મળવા બોલાવ્યો હતો. આકાશ ત્યાં જતા તેની પ્રોફાઇલ દક્ષે ચેક કરી હતી. બાદમાં તેણે વર્ક પરમીટ વિઝા ન્યૂઝીલેન્ડ ખાતે ચાલુ હોવાથી ફાઇલ કરતા વિઝા મળી જશે તેમ કહી ૧૭ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ એક એમઓયુ એગ્રીમેન્ટ તૈયાર કર્યું હતું. વિઝા માટે પૈસા પણ નક્કી કર્યા હતા. ૫ ફેબ્›આરી ૨૦૨૪ના રોજ એમઓયુ થયા અંગે ખાનગી કંપનીનો ઓફર લેટર આપ્યો હતો
અને ૧૯ ફેબ્›આરી ૨૦૨૪ના રોજ વિઝા કન્ડિશન તથા અન્ય માહિતી પણ આપવામાં આવી હતી અને ટૂંક સમયમાં વિઝા આવી જશે, જવાની પ્રોસેસ ચાલુ કરો તેમ કહેવામાં આવ્યું હતું. પછી આકાશ વિઝાની ઇન્કવાયરી માટે દક્ષની ઓફિસે જતો હતો ત્યારે વિઝાની ફાઇલ ફોલઓપ માટે સુરત ખાતે ઓફિસ ધરાવતી આરોહી પટેલને આપી હોવાનું જણાવ્યું હતું અને તેનો મોબાઇલ નંબર પણ આપ્યો હતો.
જુલાઇ ૨૦૨૪માં આકાશે આરોહીને ફોન કરતા તેણે જણાવ્યું હતું કે, ન્યુઝીલેન્ડના વર્ક પરમીટ માટે કોઇ પ્રોસેસ આગળ વધી રહી નથી. પરંતુ એક તક આપો તો ઓસ્ટ્રેલિયાની નવી ફાઇલ શરૂ કરીએ. જેથી આકાશે જણાવ્યું હતું કે, ન્યુઝીલેન્ડના વિઝા માટે પહેલાં જ પૈસા આપ્યા છે હવે નવી ફી આપવી પડશે. ત્યારે આરોહીએ જણાવ્યું હતું કે, તમે જેટલી રકમ ચૂકવી છે તે જ રકમમાં હું ઓસ્ટ્રેલિયાના વર્ક પરમીટ વિઝા ફાઇલ કરાવી આપીશ.
પછી જાન્યુઆરી ૨૦૨૫માં પી.ટી. પરીક્ષા અપાવી હતી અને ત્યારબાદ જુદા જુદા દસ્તાવેજ મગાવતા તે પણ આકાશે પુરા પાડ્યા હતા. આ દરમિયાન વિઝા માટે આકાશે તબક્કાવાર ૧૮.૬૫ લાખ ચૂકવી આપ્યા હતા. બાદમાં એપ્રિલ ૨૦૨૫માં આકાશે મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું હતું. આ દરમિયાન દક્ષ તથા આરોહીએ વિઝા આપવાનું કહી લોકોને ઠગ્યા હોવાની રિલ્સ (વીડિયો) ઇન્ટાગ્રામ આઇડી પર જોવા મળી હતી.
જેથી તેણે તપાસ શરૂ કરી હતી અને દક્ષને ફોન કર્યાે હતો પરંતુ દક્ષે ફોન બંધ કરી દીધો હતો. આરોહીને ફોન કરતા તેણે પૈસા બાબતે મારી સાથે વાત કરવાની નહીં જે કાયદેસર થતું હોય તે કરી લો તેવું કહ્યું હતું. જેથી આ મામલે આકાશે દક્ષ ગોસ્વામી અને આરોહી પટેલ સામે સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.