કાલુપુર રેલવે બ્રિજ ઉપર આવેલી તમામ દુકાનો તોડી પાડવામાં આવશે

File Photo
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના કાલુપુર રેલવે ઓવરબ્રિજ પર આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની ૮ દુકાનો ધરાશાયી થઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
આ દુર્ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલુપુર રેલવે ઓવરબ્રિજ પર આવેલી તમામ દુકાનોને ખાલી કરાવી અને તોડી પાડવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે જે વિસ્થાપિતો હતા, તેઓને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાર્ષિક ભાડા પટ્ટે આ જગ્યા ફાળવવામાં આવી હતી.
મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્યા ભટ્ટે જણાવ્યું હતું કે, કાલુપુર રેલવે ઓવરબ્રિજ પર આવેલી દુકાનોને તોડી પાડવામાં આવશે. કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની અંદાજિત ૮૦થી વધારે દુકાનો આવેલી છે.
વર્ષો જૂની આ દુકાનો જે નાગરિકો ભારત પાકિસ્તાનના ભાગલા વખતે વિસ્થાપિત થઈને અમદાવાદ શહેરમાં રહેવા માટે આવ્યા હતા તેઓને વાર્ષિક ભાડાપટ્ટા ઉપર નક્કી કરેલા ભાવ મુજબ તેઓને ભાડે આપવામાં આવેલી હતી. ૮ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ રાત્રે અચાનક જ કાલુપુર બ્રિજના છેડા તરફની આઠ જેટલી દુકાનો પડી ગઈ હતી. સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી આ દુકાનો વર્ષો જૂની હતી અને જર્જરિત પણ હોવાનું જાણવા મળ્યું હતું.
રેલવે વિભાગ દ્વારા પાછળના ભાગે કાલુપુર રેલવે સ્ટેશનના રી-ડેવલોપમેન્ટની કામગીરી ચાલી રહી છે, જે કામગીરીના કારણે કેટલુંક વાઇબ્રેશન છેલ્લા બે-ત્રણ દિવસથી થતું હોવાનું પણ સ્થાનિક લોકો તરફથી જાણવા મળ્યું હતું.
જેથી, મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. રેલવેની કામગીરીના કારણે વાઇબ્રેશનથી આ દુકાનો પડી છે કે કેમ તેની પણ તપાસ થશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલુપુર રેલવે બ્રિજ ઉપર આવેલી તમામ દુકાનો અને ખાલી કરાવીને તોડી પાડવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.