૧૮૦ વિદ્યાર્થીઓએ ભેગા મળી એક અનોખું કલા સર્જન કર્યું

નડિયાદની વાલ્લા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ હોંશભેર અનોખું કલા સર્જન કર્યું
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળા પર્યાવરણ રક્ષણની અનેક પ્રેરક પ્રવૃત્તિઓ કરી રહી છે. ત્યારે હાલ આ શાળાનાં તમામ ૧૮૦ વિદ્યાર્થીઓએ ભેગા મળી એક અનોખું કલા સર્જન કર્યું છે.
કુલ ૫૧ ફૂટના આ ભીંત ચિત્રમાં ક્યાંય બ્રશ/પીંછીનો ઉપયોગ કરાયો નથી.માત્ર ને માત્ર હાથના પંજાની છાપ , આંગળાની છાપ, અંગૂઠાની છાપ અને બટાકાની છાપથી વિદ્યાર્થીઓએ છ (૬) દિવસમાં તૈયાર કર્યું છે. જેમાં એક વૃક્ષ દ્વારા પર્યાવરણ રક્ષણનો પ્રેરક સંદેશ આપેલ છે.
‘વૃક્ષ વિધાતા, જીવનદાતા’ નામનું આ ભીંત ચિત્ર માનવ જીવનમાં પરોપકારી વૃક્ષની ઉપયોગીતા દર્શાવે છે.વૃક્ષના ફળ બતાવી તેમાં – વરસાદ, છાંયડો, આશરો, પ્રાણવાયુ,કાગળ, ગુંદર,દવા,રબર, લાકડું,ફળ,ફૂલ, શાકભાજી,અનાજ, કઠોળ વગેરે બતાવ્યું છે. માનવ જીવનના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશાલીના મેઘ ધનુષી રંગોના મૂળમાં વૃક્ષ દેવ જ છે.તે અદભુત રીતે દર્શાવ્યું છે.ખરેખર વૃક્ષ આપણાં ભાગ્યવિધાતા અને જીવનદાતા છે?.
તેનું રક્ષણ કરવાની આપણી પહેલી અને પવિત્ર ફરજ છે.શાળાના પ્રકૃતિ મિત્ર અને ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટનો આ નવતર પ્રયોગ તમામ વિદ્યાર્થીઓએ સાકાર કરી પર્યાવરણ રક્ષણનો પ્રેરક સંદેશ આપ્યો છે.આ પ્રકારે નવતર પ્રયોગ જિલ્લા- રાજ્યમાં સૌપ્રથમ છે. જેમાં શાળાનાં આચાર્ય જયપાલસિંહ ઝાલા તથા અન્ય શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.