Western Times News

Gujarati News

દેરોલ નજીક સરકારી મીઠાનો જથ્થો બિનવારસી હાલતમાં મળ્યો

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા-વડોદરા હાઈવે પર આવેલા દેરોલ ગામ પાસે આજ સવારના સમયે આશરે ૫૦ જેટલી બેગો મીઠાની રસ્તા કિનારે બિનવારસી હાલતમાં પડેલી જોવા મળી, જેને લઈને આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, આ મીઠાનો જથ્થો સરકારી પુરવઠા વિભાગ દ્વારા ગરીબ વર્ગ માટે વિતરણ માટે મોકલવામાં આવેલ હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે મીઠાની બેગો રોડ પર વિખરાઈ ગઈ હતી અને કેટલાક સ્થળોએ બેગ ફાટી જવાથી મીઠું રોડ પર ફેલાઈ ગયું હતું. રોડ પરથી પસાર થનારા વાહનચાલકોએ આ દૃશ્ય જોઈ ચોંકી ગયા હતા. આ અંગેની જાણ થતાંજ કેટલાક સ્થાનિકોએ વિડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં શેર કર્યા બાદ ઘટના ચર્ચાનો વિષય બની ગઈ છે.

પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે સરકારી જથ્થો કેવી રીતે અને કોના નિરીક્ષણ હેઠળ આ સ્થિતિમાં આવી ગયો? મીઠાની બેગો પર “સરકારી વિતરણ માટે” લખાણ સ્પષ્ટ રીતે જોવા મળતા પુરવઠા વિભાગની કામગીરી અને ગોડાઉનથી સપ્લાયની વ્યવસ્થા પર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે.

ગ્રામજનોનું કહેવું છે કે જો તપાસ કરવામાં આવશે તો મીઠા વિતરણમાં મોટા પાયે ગેરરીતિઓ અને કૌભાંડ બહાર આવવાની સંભાવના છે. અનેક વખત સરકારી અનાજ અને મીઠું વિતરણમાં અનિયમિતતા અંગે લોકો ફરિયાદ કરતા હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી થતી નથી, તેવો આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યો છે.

ઘટનાની જાણ થતાં પુરવઠા વિભાગના અધિકારીઓ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. મીઠાની બેગ ક્યાંથી અને કેવી રીતે આવી, તે અંગે હજી સ્પષ્ટતા થઈ નથી. હાલ બેગો જપ્ત કરીને ગોડાઉનમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સ્થાનિક સ્તરે લોકો માંગ કરી રહ્યા છે કે આ બાબતમાં ઉચ્ચસ્તરીય તપાસ કરીને જવાબદાર અધિકારીઓ અને સપ્લાયર સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી બેદરકારી ફરી ન થાય. આ ઘટનાએ ફરી એકવાર પુરવઠા તંત્રની કાર્યપદ્ધતિ અને દેખરેખના અભાવ પર મોટો સવાલ ઊભો કર્યો છે — “ગરીબો માટેનું સરકારી મીઠું રોડ પર કેવી રીતે પહોંચ્યું?”આ પ્રશ્નનો જવાબ હવે તપાસ બાદ જ મળી શકશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.