નેધરલેન્ડમાં બટાટાની સફળ ખેતી પરના અનુભવો અને જાણકારી વિષેની સમજ અપાઈ

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – ઉત્તર ગુજરાત-બાગાયત વિભાગ દ્વારા બટાટાના ઉત્પાદન અને માર્કેટ વિષય પર સેમિનાર યોજાયો
મહેસાણા જિલ્લાની ગણપત યુનિવર્સીટી, ખેરવા ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં વિવિધ સેમિનારનું આયોજન કરાયું છે.
જેના ભાગરૂપે બાગાયત વિભાગ દ્વારા બટાટાના ઉત્પાદન અને માર્કેટ વિષય પર સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં નેધરલેન્ડમાં થઈ રહેલ બટાટાની સફળ ખેતી પર પણ હકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.
આ સેમિનારમાં સમય સાથે બદલાતી આધુનિક કૃષિનો ઉપયોગ બટાટાના ઉત્પાદન અને તેની નિકાસ પર પણ કેવી રીતે કરી શકાય તે મુદ્દા પર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બાગાયત વિભાગના ડાયટેક્ટર શ્રી એચ. એમ. ચાવડાએ રાજ્યમાં થઈ રહેલ બટાટાની ખેતી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રગતિશીલ ખેડૂતો પોતાના ખેતરોમાં ગુણવત્તાયુક્ત બટાટાના બીજનું ઉત્પાદન કરવા સીડ પ્લોટ તકનીક અપનાવી રહ્યા છે. આ પદ્ધતિથી ખેતીનો ખર્ચ પણ ઘટે છે અને બટાટાની ખેતી વધુ નફાકારક બને છે.
રાજ્યમાં થઈ રહેલ બટાટાની ખેતી વિશે વાત કરતા તેમણે કહ્યું કે, 1.56 લાખ હેક્ટરથી વધુ જમીન પર બટાટાની ખેતી થાય છે. બટાટાની ખેતીમાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને છે અને ત્યારબાદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો છે.
આ સેમિનારમાં ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટરના ડાયરેક્ટર જનરલ શ્રી સિમોન હેક દ્વારા નેધરલેન્ડમાં થઈ રહેલ બટાટાની ખેતી વિષય પર ચર્ચા કરી હતી અને આગામી દિવસોમાં કેવી રીતે બટાટાની ખેતી વધુ સારી રીતે કરી શકાય તે બાબતે પણ સમજ આપી હતી. તેમણે કહ્યું કે, આજનો સેમિનાર બટાટાના ક્ષેત્રમાં નવીનતા, ટકાઉપણું અને મૂલ્યવર્ધન ખેતી માટે નવી તકો શોધવામાં મદદ કરશે.
આ સેમિનારમાં મહિન્દ્રા HZPCના સીઇઓ શ્રી દવિન્દર સિંહ, સિદ્ધિવિનાયક એગ્રીના ડાયરેક્ટર શ્રી હેમંત ગૌર તથા બાગાયત વિભાગ સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.