વર્લ્ડ બેંકના સાઉથ એશિયા રિજનના વાઈસ પ્રેસિડેન્ટ સાથે મુખ્યમંત્રીએ શું ચર્ચા કરી?

વર્લ્ડ બેંકના સાઉથ એશિયા રિજનના વાઈસ પ્રેસિડેન્ટ શ્રીયુત જોહાનિસ ઝુટની મુખ્યમંત્રીશ્રી ની સાથે વન ટુ વન બેઠક
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે વર્લ્ડ બેંકના સાઉથ એશિયાના વાઈસ પ્રેસિડન્ટ શ્રીયુત જોહાનિસ ઝુટની વન ટુ વન બેઠક ગણપત યુનિવર્સિટી પરિસરમાં યોજાઇ હતી
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ઉત્તર ગુજરાતની આવૃત્તિ મહેસાણાના ખેરવા ખાતે બે દિવસ માટે યોજાઇ રહી છે. આ VGRCના પ્રથમ દિવસે વન ટુ વન બેઠક ઉપક્રમમાં વર્લ્ડ બેંકના સાઉથ એશિયા ના વાઈસ પ્રેસિડેન્ટ શ્રીયુત જોહાનિસ ઝુટ અને પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી શ્રીની સાથે બેઠક યોજી હતી.
તેમણે ગુજરાતના વેપારીઓ – ઉદ્યોગ સાહસિકોને ગ્લોબલ વેલ્યુ ચેનમાં જોડવા માટે વર્લ્ડ બેન્કની ઉત્સુકતા દર્શાવી હતી. તેમણે ગુજરાતીઓની વેપાર કુશળતા અને બજાર વ્યવસાયની ક્ષમતાઓની પ્રશંસા પણ કરી હતી.
મુખ્યમંત્રી શ્રી સાથેની વાતચીતમાં તેમણે કાર્બન ક્રેડિટ લિંક ફાઇનાન્સ પ્રોડક્ટ દ્વારા સસ્ટેનેબલ ફાઇનાન્સિંગની નવી દિશા ખુલી શકે તેમ છે એમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે VGRCના પ્રદર્શનમાં વર્લ્ડ બેંકના સ્ટોલમાં તેમણે જે રાજ્યો – રાષ્ટ્રોને એગ્રીકલ્ચર સેક્ટર માટે ફાઇનાન્સિંગ કરેલ છે તેની બેસ્ટ પ્રેક્ટિસિસ દર્શાવી છે તેની પ્રશંસા કરી હતી.
તેમણે આવી બેસ્ટ પ્રેક્ટિસિસનું શેરિંગ ગુજરાત સાથે થઈ શકે તે માટે અનુરોધ કર્યો હતો. એડ ટેક જેવા ઉભરતા ક્ષેત્રોમાં જે વિકાસ સંભાવનાઓ છે તેને વર્લ્ડ બેન્કના સહયોગ થી રાજ્યમાં કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તે અંગે પણ ચર્ચા કરી હતી.
આ વન ટુ વન બેઠકમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે દાસ, કૃષિ સહકારના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, ઊર્જાના અધિક મુખ્ય સચિવ શ્રી હૈદર, ઉદ્યોગ અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંધ, સચિવ શ્રી ડોક્ટર વિક્રાંત પાંડે પણ જોડાયા હતા.