Western Times News

Gujarati News

અંગત અદાવતમાં બે શખ્સે યુવકને પેટમાં ચાકુ હુલાવ્યું

અમદાવાદ, ગોમતીપુરમા વૃદ્ધ પિતા સાથે રહેતા અને છૂટક મજૂરી કરતા યુવકના ઘરમાં ગત બુધવારની વહેલી સવારે ઘૂસી આવેલા બે યુવકે અંગત અદાવતમાં તેને પેટમાં છરી મારી ફરાર થઇ ગયા હતા. પાડોશીઓ ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ લઇ ગયા હતા.

પોલીસે બંને હુમલાખોરો સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.ગોમતીપુરમાં ધુળાભાઇની ચાલીમાં રહેતા ૫૧ વર્ષીય ગોપાલભાઈ પટણી અને તેમનો દીકરો છૂટક મજૂરી કરે છે. થોડા દિવસથી ગોપાલભાઈ સિંગરવામાં બહેનના ઘરે ગયા હતા.

તેમનો દીકરો રાહુલ ગોમતીપુરમાં ઘરે હતો. બુધવારે સવારે ગોપાલભાઈની બહેનના ઘરે હતા ત્યારે દીકરીનો ફોન આવ્યો કે આપણા ઘરમાં ઘૂસીને કોઈએ રાહુલને ચાકુના ઘા માર્યા છે.

દીકરા પર હુમલો થયાની વાત સાંભળતા જ પિતા અને પુત્રી તાત્કાલિક ગોમતીપુર પહોંચ્યા ત્યારે પાડોશીઓ મારફતે જાણવા મળ્યું કે વહેલી સવારે ઘરમાં કોઈ આવ્યું હતું અને દીકરાના પેટમાં ચાકુ મારીને જતું રહ્યું છે અને અમે દીકરાનો સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. ઈજાગ્રસ્ત રાહુલના પિતા ગોપાલભાઈ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તે બેભાન હતો.

પિતાએ ઘરે જઈને વધુ પૂછતા હકીકત જાણવા મળી કે બુધવારે વહેલી સવારે રાહુલને બાપુનગરના રામજીલાલના પીઠામાં રહેતા લવકુશ ઉર્ફે હનીસિંગ રાજપૂત અને રખિયાલ રાજીવનગરમાં રહેતા કેતન ઉર્ફે જયંતી પ્રવીણભાઈ પરમાર અંગત અદાવતમાં ચાકુ મારી ભાગી ગયા હતા. પિતા ગોપાલભાઈએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં લવકુશ અને કેતન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.