‘MSMEs સમૃદ્ધ થશે, તો ગુજરાત સમૃદ્ધ થશે, અને વિકસિત ભારતનું વિઝન પણ સાકાર થશે’: MSME કમિશનર

કોન્ક્લેવ દરમિયાન ‘ક્લસ્ટરોથી સ્પર્ધાત્મકતા સુધી: વૈશ્વિક વ્યાપાર માટે MSMEsને સક્ષમ બનાવવા’ માટે પેનલ ચર્ચા યોજાઈ
મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે આયોજિત બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) માં બીજા દિવસે એટલે કે 10 ઓક્ટોબર, 2025ના રોજ પ્રાદેશિક MSME કોન્ક્લેવ યોજાઈ હતી. ‘ઉદ્યમ ઉત્કર્ષ: મજબૂત MSMEs, સશક્ત ભારત’ (Udyam Utkarsh: Strengthening MSMEs, Strengthening Bharat)ના મુખ્ય થીમ સાથે આ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના MSME કમિશનર શ્રી સંદીપ સાગલે દ્વારા પ્રાદેશિક MSME કોન્ક્લેવની શરૂઆત કરવામાં આવી હતી. આ કોન્ક્લેવમાં કમિશનરશ્રી સંદીપ સાગલેએ જણાવ્યું કે, બે દાયકા પહેલા ભારતના વડાપ્રધાનશ્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પરિકલ્પના આપી હતી અને વર્ષ 2003માં આ સમિટની શરૂઆત કરી હતી.
આજે આ સમિટના લાભો ગુજરાતના પ્રાદેશિક સ્તર સુધી પહોંચાડવા માટે સમગ્ર ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસનું આયોજન કરવામાં આવ્યું છે, જે વિકસિત ભારત @2047ના વિઝનને સાકાર કરશે.
ગુજરાતના MSMEs વિશે વાત કરતા શ્રી સંદીપ સાગલેએ જણાવ્યું કે, ગુજરાતના MSMEs આકરી મહેનત અને સ્થિતિસ્થાપકતા પ્રદર્શિત કરે છે. આ MSMEs લાખો લોકોને રોજગાર આપે છે, ગુજરાતના ઔદ્યોગિક આઉટપુટ અને જીડીપીમાં યોગદાન આપે છે અને તેના થકી ભારતની જીડીપીમાં યોગદાન આપે છે. તેમણે કહ્યું કે, આજે જ્યારે આપણે વિકસિત ભારતની દિશામાં આગળ વધી રહ્યા છીએ, ત્યારે આપણે ફોકસ કરવું પડશે. અનિશ્ચિતતાઓથી ભરેલા આ વિશ્વમાં આપણા MSMEs ફક્ત સર્વાઇવ જ ન કરે પરંતુ વિકાસ પણ કરે અને સમૃદ્ધ બને. MSMEsને મજબૂત બનાવવા માટે તેમણે – 1) કસ્ટમર ફોકસ, 2) ગ્લોબલ ઇન્ટિગ્રેશન, 3) ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને 4) રેઝિલિયન્સ અને ઇનોવેશન એમ ચાર મુખ્ય બાબતો પર ફોકસ કરવાની વાત કરી હતી.
તેમણે સમાપન કરતા જણાવ્યું કે, ગુજરાતે હંમેશાં ભારતના ઔદ્યોગિક વિકાસનું નેતૃત્વ કર્યું છે, તે પણ ફક્ત પોતાના કદના આધારે નહીં પણ સંપૂર્ણ સ્પિરિટ સાથે, અને આપણા MSMEs આ સ્પિરિટને આગળ ધપાવી રહ્યા છે. આપણે આપણા MSMEsને મજબૂત બનાવીએ, કારણકે MSMEs સમૃદ્ધ થશે, તો ગુજરાત સમૃદ્ધ થશે, અને ગુજરાત સમૃદ્ધ થશે તો વિકસિત ભારતનું વિઝન પણ સાકાર થશે.
ત્યારબાદ વાધવાણી ફાઉન્ડેશનના સ્થાપક શ્રી મિતુલ પટેલે ‘ગુજરાતના MSMEs ની વિકાસ ક્ષમતાઓને ઉજાગર કરવી’ (અનલોકિંગ ધ ગ્રોથ પોટેન્શિયલ ઑફ ગુજરાત્સ MSMEs) વિષય પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, વાધવાણી ફાઉન્ડેશનનું વિઝન વિકસિત ભારત સાથે સુસંગત છે. તેમણે પોતાના પ્રેઝન્ટેશનમાં MSMEsના મહત્ત્વ વિશે અને તે કેવી રીતે ગુજરાત અને ભારતના અર્થતંત્રમાં વધારો કરશે તેના વિશેનું વિઝન રજૂ કર્યું હતું. સાથે જ, તેમણે ઉત્તર ગુજરાત માટેના વર્ચ્યુઅલ બિઝનેસ ગ્રોથ એક્સીલરેટર વિશે પણ સમજણ આપી હતી.
તે પછી ‘ક્લસ્ટરોથી સ્પર્ધાત્મકતા સુધી: વૈશ્વિક વ્યાપાર માટે MSMEsને સક્ષમ બનાવવા’ (ફ્રોમ ક્લસ્ટર્સ ટુ કોમ્પિટિટિવનેસ: એનેબ્લિંગ MSMEs ફોર ગ્લોબલ ટ્રેડ) વિષય પર પેનલ ચર્ચા યોજાઈ હતી. આ પેનલ ચર્ચાઓમાં નાના ઉદ્યોગોને નિકાસ વૈવિધ્યકરણ, મુક્ત વેપાર કરારોનો અસરકારક ઉપયોગ, ટેરિફ વ્યવસ્થાઓની સમજણ અને વેપાર અનિશ્ચિતતાઓ સામે સ્થિતિસ્થાપકતાના નિર્માણ થકી વૈશ્વિક મૂલ્યશૃંખલાઓમાં એકીકૃત થવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પેનલ ચર્ચામાં ભારતમાં રશિયાના જીઆર અને ફાઇનાન્સ સેક્ટર તેમજ વેપાર પ્રતિનિધિત્વના વડા સુશ્રી ઝ્લાટા અંતુશેવા, DICCIના સ્થાપક/ચેરમેન ડૉ. મિલિંદ કાંબલે, ઇન્ડિયન એક્ઝિમ ફિનસર્વના એમડી અને સીઇઓ સુશ્રી હીરવા મમતોરા, મંત્ર એગ્રી સોલ્યુશન્સ પ્રા.લિ.ના સીઇઓ શ્રી જયદીપ ભાટિયા, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસના ડાયરેક્ટર જનરલ ડૉ. આશુતોષ મુર્કુટે અને Sberbank ઇન્ડિયાના ડાયરેક્ટર શ્રી શંખો ગુપ્તાએ ભાગ લીધો હતો. પેનલ ચર્ચાના મોડરેટરની ભૂમિકા DGFT અમદાવાદના જોઇન્ટ DGFT ડૉ. રાહુલ સિંઘે નિભાવી હતી.
આ પેનલ ચર્ચામાં નિયમનકારી માળખાને સમજીને, સપ્લાય ચેઇન પડકારોને સંબોધીને, ટેરિફ અને નીતિગત ફેરફારો સામે સ્થિતિસ્થાપકતા બનાવીને અને આંતરરાષ્ટ્રીય ગુણવત્તા અને ટકાઉપણાના ધોરણો સાથે સંરેખિત કરીને MSMEs ને તેમના વૈશ્વિક ફૂટપ્રિન્ટ્સને વિસ્તૃત કરવા માટે જ્ઞાન અને વ્યૂહરચનાઓથી સજ્જ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ પેનલ ચર્ચાએ MSMEs માટે બજાર સુલભતા, નિકાસ વૈવિધ્યકરણ અને વૈશ્વિક જોડાણો અંગે પ્રેક્ટિકલ આંતર્દષ્ટિ પ્રદાન કરી, જે MSMEsને ક્લસ્ટરોથી આગળ વધવા, વૈશ્વિક સ્પર્ધાત્મકતા પ્રદાન કરવા અને વિકસિત ભારત @2047ના વિઝનમાં યોગદાન આપવા માટે સક્ષમ બનાવશે.
કાર્યક્રમના અંતે વેસ્ટર્ન રેલવેના શ્રી વિહાર ઠાકર, ઓએનજીસી મહેસાણાના શ્રી રવિ જૈન, મારૂતિ સુઝુકી-ગુજરાત પ્લાન્ટના શ્રી મંદાર ગાડગિલ અને ટાટા અગ્રતાસના શ્રી આનંદ સોડા દ્વારા વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો હતો, જેનો ઉદ્દેશ્ય ઉદ્યોગ જોડાણોને મજબૂત બનાવવાનો અને સ્થાનિક ઉદ્યોગ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
ઉલ્લેખનીય છે કે, ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ ના મંત્ર સાથે મહેસાણાની ગણપત યુનિવર્સિટી, ખેરવા ખાતે 9 અને 10 ઓક્ટોબર, 2025ના રોજ બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – ઉત્તર ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં યોજાનારી ચાર VGRC શ્રૃંખલાની આ પ્રથમ કોન્ફરન્સ છે, જેનો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગઇકાલે શુભારંભ કરાવ્યો હતો. આ રિજનલ કોન્ફરન્સીસ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા અને વારસાના આધાર પર આયોજિત કરવામાં આવી છે. આ રિજનલ કોન્ફરન્સીસ રાજ્યની પ્રાદેશિક ક્ષમતાઓને પ્રદર્શિત કરશે, જમીની સ્તરના વિકાસનો ઉપયોગ કરશે, અને વિકસિત ભારત @2047 અને વિકસિત ગુજરાત @2047ના વ્યાપક દ્રષ્ટિકોણ સાથે સુસંગત થશે.