ગુજરાતમાં એડવેન્ચર ટુરિઝમને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર વિશેષ માર્ગદર્શન આપી રહી છે: સુમન બિલ્લા

ગુજરાતને દેશનું એડવેન્ચર ટુરિઝમ હબ બનાવવા TCGL દ્વારા ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે સેમિનાર યોજાયો
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – ના બીજા દિવસે મહેસાણાની ગણપત યુનિવર્સિટી, ખેરવા ખાતે ગુજરાતને દેશનું એડવેન્ચર ટુરિઝમ હબ બનાવવા TCGL દ્વારા ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાતમાં ટુરીઝમ ક્ષેત્રની ઓપર્ચ્યુનિટી અને તેના વિકાસ વિશે માહિતી આપવામાં આવી હતી.
આ સેમિનારમાં ટુરિઝમનું મહત્ત્વ અને ગુજરાતના આકર્ષણો વિશે વાત કરતા કેન્દ્રીય ટુરિઝમ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી અને ડાયરેક્ટર જનરલ શ્રી સુમન બિલ્લાએ રાષ્ટ્રીય સ્તરે એડવેન્ચર ટુરિઝમ અને સુરક્ષા કાયદાઓ વિશે વાત કરતા જણાવ્યું કે, ગુજરાતમાં એડવેન્ચર ટુરિઝમને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર વિશેષ માર્ગદર્શન આપી રહી છે. આ ક્ષેત્રે સુરક્ષા અને ગુણવત્તાને પ્રાથમિકતા આપીને ગુજરાતને વૈશ્વિક ટુરિઝમ હબ તરીકે સ્થાપિત કરવું જરૂરી છે. તેમણે ગુજરાતનો પ્રાચીન સાંસ્કૃતિ વારસો અને વૈવિધ્યમય ભૂપ્રદેશને એડવેન્ચર ટુરિઝમ સાથે જોડવા પર ભાર મુક્યો હતો.
નીતિ આયોગના પ્રોગ્રામ ડાયરેક્ટર અને પ્રિન્સિપલ ઇકોનોમિક એડવાઇઝર શ્રીમતી અન્ના રોયે જણાવ્યું કે, ગુજરાતમાં ટુરિઝમ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત આવતા ટુરિસ્ટોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવી જરૂરી છે.
તેમણે કહ્યું કે, સુરત અને ભુવનેશ્વર જેવા શહેરોમાં બિઝનેસ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વના પ્રપોઝલ તૈયાર કરવામાં આવ્યા છે. ટુરિઝમ ક્ષેત્રના વિકાસ માટે ટ્રાન્સપોર્ટ, કનેક્ટિવિટી અને લોંગ ટર્મ ડેવલપમેન્ટ ખૂબ જ મહત્ત્વના છે. વધુમાં, ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે વિશેષ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે, જેમાં પર્યાવરણને અનુરૂપ ટુરિઝમ વિકાસ પર વિશેષ ભાર મૂકાયો છે.
આ સેમિનારમાં ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (TCGL)ના કમિશનર અને એમ.ડી. શ્રી પ્રભવ જોશીએ સ્વાગત પ્રવચનમાં ગુજરાતના ટુરિઝમ ઇનિશિયેટિવ્સ અને ઇન્વેસ્ટમેન્ટ ઓપર્ચ્યુનિટીઝ વિશે વાત કરતાં કહ્યું કે, ‘ગુજરાતની પોટેન્શિયલને એડવેન્ચર ટુરિઝમ માટે વાપરીને આપણે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષી શકીએ છીએ’ એ માટે વિવિધ પ્રોજેક્ટ્સ અને મૂવી પ્રેઝન્ટેશન દ્વારા રાજ્યની તાકાત દર્શાવી છે.’ તેમણે TCGL ના માધ્યમથી લેવામાં આવી રહેલા ટુરીઝમ વિકાસના પગલાંઓ અને MoU એક્સચેન્જ વિશે પણ માહિતી આપી હતી.
આ સેમિનારમાં ગુજરાતમાં ટુરિઝમ ક્ષેત્રે લેવામાં આવી રહેલા મહત્ત્વના પગલાંઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બેટર કનેક્ટિવિટી, ઇકો-ફ્રેન્ડલી ડેવલપમેન્ટ અને બિઝનેસ ટુરિઝમને વેગ આપવા પર ભાર મૂકાયો હતો. આ સેમિનારમાં B2B મીટિંગ્સ, ટ્રેડ શો અને કલ્ચરલ ઇવેન્ટ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. આ કોન્ફરન્સ દ્વારા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઔદ્યોગિક અને ટુરિઝમ વિકાસને વેગ આપવાનું લક્ષ્ય છે, જે વિકસિત ભારત @૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં મદદરૂપ થશે.