Western Times News

Gujarati News

ગુજરાતના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન એકતાનગરની મુલાકાતે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી

(માહિતી) રાજપીપલા, કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી તથા જળશક્તિ મંત્રી શ્રી વી. સોમન્નાએ ગઈકાલે તા. ૦૯ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ભારતના સૌથી સુંદર અને આધુનિક ગ્રીન રેલવે સ્ટેશનોમાંના એક તથા ગુજરાતના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન એકતાનગરની મુલાકાત લીધી હતી.

શ્રી સોમન્નાએ સ્ટેશન પરિસરનું નિરીક્ષણ કરીને સમગ્ર તયા સ્વચ્છતા, આધુનિક સુવિધાઓ અને ગ્રીન ટેકનોલોજી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે રેલવે અધિકારીઓ સાથે સંવાદ સાધી જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું.

શ્રી સોમન્નાએ જણાવ્યું કે, છેલ્લા ૧૧ વર્ષોમાં ભારતીય રેલવેએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરતા નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. વર્ષ ૨૦૨૫-૨૬ માટે ગુજરાતને રૂ.૧૭,૧૫૫ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જે વર્ષ ૨૦૦૯-૧૪ ની સરખામણીએ ૨૨૯ ગણું વધુ છે.

વર્ષ ૨૦૧૪ પછી ગુજરાતમાં ૨,૭૩૯ કિ.મી. નવા રેલવે ટ્રેકનું નિર્માણ તથા ૩,૧૪૪ કિ.મી. રેલવે ટ્રેકનું વિદ્યુતીકરણ પૂર્ણ થયું છે. રાજ્યના ૮૭ સ્ટેશનોને “અમૃત ભારત સ્ટેશનો” તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે.

તેમણે ઉમેર્યું કે, મુસાફરોની સુવિધા માટે ૯૭ લિફ્‌ટ, ૫૦ એસ્કેવેટર તથા ૩૩૫ સ્ટેશનો પર વાઇ-ફાઇ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હાલમાં ગુજરાત રાજ્યમાં ચાર વંદે ભારત ટ્રેનોનું સંચાલન થઈ રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ એકતાનગર, વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં રેલવે સુવિધાઓ આધુનિક સ્તર સુધી લોકોની સેવામાં પહોંચી છે.

ભારતના પરિવહન ઈતિહાસમાં મહત્વના માઈલસ્ટોનરૂપ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે શ્રી સોમન્નાએ જણાવ્યું કે, ગુજરાતમાં પ્રોજેક્ટનું કામ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે, બુલેટ ટ્રેન ભારતના ગૌરવનું પ્રતીક બનશે ગુજરાત આજે સમગ્ર દેશ માટે વિકાસનું રોલ મોડલ બની ગયું છે.

નિરીક્ષણ દરમિયાન શ્રી સોમન્નાએ વડોદરા વિભાગના વિભાગીય રેલ વ્યવસ્થાપક શ્રી રાજુ ભડખે સાથે સુરત-એકતાનગર ખંડનું વિન્ડો ટ્રેલિંગ નિરીક્ષણ પણ કર્યું હતું. મંત્રીશ્રીએ રેલવે ટ્રેકની સુરક્ષા, સંચાલન કાર્યક્ષમતા તેમજ ચાલી રહેલી વિકાસ યોજનાઓ અંગે માહિતી મેળવી હતી.

તેમની સાથે વડોદરા વિભાગના જનસંપર્ક અધિકારી શ્રી અનુભવ સક્સેનાએ પણ મંત્રીશ્રીને રેલ વ્યવસ્થા અને સુવિધાઓ અંગે માહિતી પ્રદાન કરી હતી. તેમજ એકતાનગર રેલવે સ્ટેશન પરિસરમાં સરદાર સાહેબની ૩ડી તથા સુંદર વોલ પેઇન્ટિંગને નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.